જાણો આ વર્ષે અમદાવાદના કેમ્પસ ગરબામાં શું ખાસ આયોજન છે?
નવરાત્રિ પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માતાજીની ભક્તિ અને આરાધના થઇ રહી છે. ગરબાના મોટા આયોજકો ઉપરાંત અમુક શૈક્ષણિક સંકુલો પણ વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરતા હોય છે.
અમદાવાદ શહેરમાં પણ કેટલાક એજ્યુકેશનલ કેમ્પસ ગરબાનું આયોજન કરવા માટે જાણીતા છે અને એમના ગરબા લોકપ્રિય બન્યા છે. આવો જાણીએ, આ વર્ષે શું આ ખાસ છે, આ જાણીતા કેમ્પસ ગરબામાં….
IIT(ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી), ગાંધીનગર
નવરાત્રિના નવ દિવસ પરંપરાગત વિધિને અનુસરીને સંધ્યા આરતી સાથે બે દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 અને 12 ઓગસ્ટના રોજ ગરબાનું આયોજન થશે.
IIT ગાંધીનગર પ્રોગ્રામ મેનેજર, મીડિયા અને જનસંપર્ક વનજાકહી.બી.એચ કહે છે, પરંપરાગત રીતે હાઉસીંગ કલ્ચર કમિટી અને સ્ટુડન્ટ કલ્ચર કમિટી દ્વારા અલગ અલગ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અમે લગભગ પાછલા 15 વર્ષથી ગરબાનું આયોજન કરતા આવીએ છીએ. આ ગરબામાં અમે IITના વિદ્યાર્થીના એન્ટ્રી આપીએ છીએ.
અષ્ટમીની પૂર્વસંધ્યાએ IITGN સમુદાય દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન સાથે દુર્ગાઅષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. કાર્યક્રમ સમયે IIT ગાંધીનગરના તમામ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો હાજરી આપશે. જ્યારે, બીજા દિવસે સવારે ન્યાસા પ્રોગ્રામ સાથે જોડાયેલી બાળકીઓનું પૂજન કરવામાં આવશે. કેમ્પસમાં શરદ પૂર્ણિમા નિમિત્તે 16 ઓક્ટોબરે પણ ગરબા રાત્રિનું આયોજન થશે.
LJ(લોક જાગૃતિ કલ્યાણ) યુનિવર્સિટી, અમદાવાદ
LJ યુનિવર્સિટીના ડીન અને ડાયરેક્ટર ડો.શ્રીરાજ શાહે માહિતી આપી હતી કે આ વર્ષે ત્રણ દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3,4 અને 5 ઓક્ટોબર એમ પહેલા ત્રણ નોરતા દરમિયાન LJના કેમ્પસમાં ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં 3 અને 4 ઓક્ટોબર વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજીત કરાયા હતા. જ્યારે 5 ઓક્ટોબરના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ગરબાનું ગોઢવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વર્ષે ગરબાના આયોજનમાં પહેલા દિવસે દેવાંગ પટેલના સૂરથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઝુમ્યા હતા. LJ દ્વારા પાછલા 10 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય રીતે LJ કોલેજના ગરબા આઉટસાટના લોકો માટે ખુલ્લા નથી હોતા, પરંતુ વિદ્યાર્થીઓને ગેસ્ટ લાવવા માટે કેમ્પસ દ્વારા પરવાનગી આપવામાં આવે છે.
HL(હરગોવનદાસ લખમીચંદ) કોમર્સ કોલેજ, અમદાવાદ
HL કોલેજના એલ્યુમની એસો. સેક્રેટરી જૈનિલ શાહે જાણકારી આપતા કહ્યું કે HL કોલેજમાં આ વર્ષે બે દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 5 અને 6 ઓક્ટોબર બે દિવસ ગરબા યોજાશે. જેમાં તમામ સ્ટાફ સહિત તમામ વિદ્યાર્થીઓ ભાગ લેશે. HL કોલેજ એલ્યુમ્ની એસોસિયેશન દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 5ના શનિવારના રોજ રવિ શાહ અને શેફાલી શાહના સૂર પર વિદ્યાર્થી ગરબાની રમઝટ બોલાવશે. તારીખ 6ના વ્યાસ બ્રધર્સના સૂરો લહેરાશે. HLએલ્યુમ્નીની એસોસિયેશન દ્વારા પાછલા 25 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને આનો ક્રેઝ આખા અમદાવાદમાં જોવા મળે છે.