નિંભાડો ચોંટ્યો (કાચો) રહ્યો છે…

 

નિંભાડો ચોંટ્યો (કાચો) રહ્યો છે…

 

 

કુંભારને વાસણ કે માટીની અન્ય વસ્તુઓ ચાકડે ચઢાવીને ઘડતા જોયો છે? ચાકડેથી એ ઉતરે ત્યારે માટીના એ પીંડને આકાર જરૂર મળે છે, પણ એ હજુ પણ કાચી માટી જ છે. એનામાં મજબૂતાઈ નથી આવતી. આ માટે આ માટલું, કુંડું કે કોડીયું જે હોય તેણે નિંભાડો એટલે કે આ આઈટમો અને એની સાથે કોલસી, લિગ્નાઈટ કે બીજું કોઈ બળતણ (હવે તો ગેસ પણ વપરાય છે) ગોઠવીને તૈયાર કરેલ ઢગલો, જેમાં આગ સળગાવવામાં આવે છે એમાં તપાવવામાં આવે છે. અમુક ચોક્કસ સમય સુધી તપ્યા બાદ માટીની આઈટમ પાકી થઈ જાય છે એટલે કે મજબૂતી પકડે છે.

હવે જો નિંભાડો પાકવાનો આ નિર્ધારિત સમય ન થયો હોય અને જે માલ તૈયાર થાય તે કાચો રહી જાય. એમાં જરૂરી મજબૂતાઈ ન આવે. આ સ્થિતિને નિંભાડો કાચો રહ્યો કહેવાય. નિંભાડો કાચો રહે એટલે બધી જ આઈટમ એકસરખી હલકી ગુણવત્તાવાળી બને.

આ વાતને કહેવતમાં અસરકારક રીતે ત્યારે વપરાય છે, જ્યારે કોઇ પરિવારના બધા  સંતાનો અથવા કુટુંબ એક સરખું બુદ્ધિમતાની દ્રષ્ટિએ કાચું હોય. મતલબ કે, પરિવાર કે સંતાનો બરાબર ઘડાયા નથી અર્થાત આખો નિંભાડો ચોંટ્યો રહ્યો છે. બધાં જ સરખાં ડોબાં ભેગાં થયાં છે એમ કહેવા માટે આ કહેવત વપરાય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)