છોરૂં કછોરૂં થાય, માવતર કમાવતર ન થાય

 

છોરૂં કછોરૂં થાય, માવતર કમાવતર ન થાય…

 

માવતર એટલે મા અને બાપ. ગર્ભાધાનથી માંડીને એનું સંતાન પોતાના પગ પર ઊભું રહે ત્યાં સુધી છત્ર બનીને, ઘણું બધું જતું કરીને પોતાના જણ્યાને આ હદ સુધી પહોંચાડે છે. પોતાના વ્યક્તિગત સુખ અને સગવડોનું એ બલિદાન આપે છે. આમ છતાંય એનું સંતાન મોટું થાય, પોતાના પગ ઉપર ઊભું રહેતું થાય અને ક્યાંક પાંચમાં પૂંછાતું થાય ત્યારે પોતાના ઘમંડમાં કે બાલીશતામાં એ મર્યાદા ચૂકીને વર્તન કરી બેસે છે. મા-બાપનો આત્મા દુભાય છે. આમ છતાંય ક્યારેય કોઈ મા-બાપ પોતાનાં સંતાનનું બૂરૂં ઈચ્છતો નથી.

એમનું ચાલે ત્યાં સુધી તો પોતે દુઃખી થયા છે અથવા અપમાનીત કરવામાં આવ્યા છે એવું બહાર કળાવવા પણ નથી દેતા. જો બધા જ સંતાનો એ સમજે કે માતા જેટલી વાર પોતાના બાળકને જનમ આપે છે તેટલી વાર એ મોતના મ્હોંમાં પગ મૂકે છે તો એને સમજ પડે છે કે, માનું બલિદાન શું છે. એ જ રીતે, પોતાના દીકરાની કે દીકરીની આગળ વધારવા ક્યારેક લાચારી વેઠીને કે મજબૂરી વેઠીને બાપ એને ટેકો કરે છે. પોતાના સંતાન માટે એ પોતાના શોખ જતા કરે છે.

મેં એવા એક કરતાં વધારે કિસ્સા જોયા છે જ્યાં પોતાના સંતાન માટે થઈને ક્યારેક બાપ પોતાના સ્વમાન સાથે પણ બાંધછોડ કરી લે છે. એ મુશ્કેલીઓ વેઠે છે જેથી તેનો દીકરો કે દીકરી આગળ વધે છે. અત્યંત સામાન્ય સ્થિતિમાં જ્યારે બીજી કોઈ પણ વ્યક્તિને નિવૃત્તિ લઈ શાંતિ મેળવવાનું મન થાય તેવા સંજોગોમાં મારા બાપાએ એ શાંતિ જતી કરીને મને નોકરી નહીં સ્વીકારતાં આગળ ભણાવ્યો જેને કારણે આજે હું આટલે સુધી પહોંચી શક્યો છું. પણ સંતાન ક્યારેક ભૂલ કરી બેસે છે. વિવિધ કારણોસર એ ક્યારેક મા-બાપને દુભવે છે પણ એ મા-બાપ ક્યારેય એનું બૂરૂં ઈચ્છતા નથી. એ વાતની અભિવ્યક્તિ માટે આ કહેવત વપરાય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]