શું RBIના નવા ગવર્નરનો એજન્ડા ફેબ્રુઆરીમાં વ્યાજદર કાપનો છે?

નવી દિલ્હીઃ રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરપદનો ચાર્જ સંભાળી લીધો છે. તેમની ગવર્નર શક્તિકાંત દાસની જગ્યા નિમણૂક થઈ છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. કેન્દ્રીય કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ સંજય મલ્હોત્રાની RBIના 26મા ગવર્નર બનાવવા માટે લીલી ઝંડી આપી હતી.

મલ્હોત્રા દુવ્વુરી સુબ્બારાવ પછી પહેલા RBI ગવર્નર હશે, જે સીધા નોર્થ બ્લોક (નાણા મંત્રાલયની ઓફિસ)થી આવશે. ફાઇનાન્સ, ટેક્સેશન અને ITમાં નિષ્ણાત ગણાતા મલ્હોત્રા RBIના સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ અનેક પડકારોની વચ્ચે શરૂ થશે, જેમાં આર્થિક વિકાસને વેગ આપવો, મોંઘવારીને કાબૂમાં રાખવી અને એક્સચેન્જ રેટને સ્થિર રાખવાનો સામેલ છે.

તેમણે એવા સમયે કાર્યભાર સંભાળ્યો છે, જ્યારે દેશમાં આર્થિક પડકારો વધી રહ્યા છે. રિટેલ મોંઘવારીનો દર 6.2 ટકાએ (જે RBIના લક્ષ્યની ઉપર છે) પહોંચ્યો છે, જ્યારે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP ગ્રોથ ઘટીને 5.4 ટકા થયો છે. ડિસેમ્બરમાં ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે RBIએ 2024-25 માટે મોંઘવારીનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કરી દીધો છે અને આર્થિક ગ્રોથનો અંદાજ સાત ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે.

છેલ્લાં બે વર્ષોમાં RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ હાલમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને, વેપારપ્રધાન પીયૂષ ગોયલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વ્યાજદરોમાં કાપની માગ કરી હતી. એ દરમ્યાન વ્યાજદરમાં કાપનો નિર્ણય નાણાં સચિવ સંજય મલ્હોત્રા માટે પડકારજનક રહેશે. એ સાથે બેન્કોમાં રોકડ તરલતાની અછતની એક મોટી સમયસ્યા બની ગઈ છે. હાલમાં સરકારી બેન્ક SBI હોય કે નાની ખાનગી બેન્ક- બધી બેન્કો રોકડની અછતનો સામનો કરી રહી છે.