અમદાવાદ: ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરની વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11 થી 14 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. વિશ્વના 47 દેશોમાંથી 143 અને અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે કરવામાં આવશે. આ ઉપરાંત 12મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તેમજ વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે.
અમદાવાદ પતંગ મહત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઈટ કાઈટ ફ્લાઈંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્ટ્સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ વખતે ગુજરાતના વિવિધ શહેરોમાંથી 417 પતંગબાજો ભાગ લેવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો. જેની સરખામણીએ આ વર્ષે પતંગબાજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતના શહેરોમાંથી લોકો ભાગ લેતાં ઓછા થઇ ગયા છે.