નવી દિલ્હી – ભારતે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્માણ કરેલા તેજસ લાઈટ કોમ્બાટ ફાઈટર વિમાને ગઈ કાલે ગોવા નજીક અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યના તૂતક પરથી સફળતાપૂર્વક ઉડાણ ભરી હતી.
તેજસ વિમાને વિક્રમાદિત્યના સ્કી-જમ્પ ડેક પરથી ટેક-ઓફ્ફ કર્યું હતું.
આ સાથે ભારતીય નૌકાદળના કૌશલ્યમાં ઉમેરો થયો છે. તેજસનું સફળ ઉડાણ આ વિમાનના વિકાસની દિશામાં મોટી સિદ્ધિ છે.
સ્કી-જમ્પ વિમાનવાહક જહાજના ડેક પર એક એવો ઘુમાવદાર છેડો હોય છે જે ફાઈટર વિમાનોને ઉડાણ ભરવા માટે પર્યાપ્ત ઉડ્ડયન કરવાની સરળતા પૂરી પાડે છે.
નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે તેજસ વિમાને ગયા શનિવારે વિક્રમાદિત્ય જહાજ પર પહેલી વાર લેન્ડિંગ કર્યું હતું, તે પણ એક મોટું કદમ હતું. શનિવારના સફળ ઉતરાણ બાદ રવિવારે વિમાનના સફળ ટેક-ઓફ્ફ સાથે ભારત દુનિયાના એવા ચુનંદા દેશોની હરોળમાં આવી ગયું છે જેઓ આવા લડાયક વિમાનોની ડિઝાઈનમાં સક્ષમ છે, જેનું સંચાલન વિમાનવાહક યુદ્ધજહાજ પરથી કરી શકાય છે. આ સિદ્ધિ માત્ર અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીન જ હાંસલ કરી શક્યા છે. હવે ભારતનો આમાં ઉમેરો થયો છે.
ભારતીય હવાઈ દળે તેજસ વિમાનોના એક બેચને પોતાના કાફલામાં સામેલ કરી દીધા છે. હવાઈ દળે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 40 તેજસ વિમાનો ખરીદ્યા છે.