માહિતીના આ યુગમાં હવે વિશ્વની કોઈપણ માહિતી આપણી આંગળીના ટેરવે એટલે કે મોબાઈલ દ્વારા મળી રહે છે. જેના કારણે ભારતમાં વ્યક્તિ દીઠ મોબાઈલ ડેટાનો વપરાશ છેલ્લાં પાંચ વર્ષમાં ચાર ગણો વધ્યો છે.
મોબાઈલ ડેટા વપરાશમાં ભારત કયા સ્થાને?
ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક ધરાવે છે. જેમ જેમ મોબાઈલ નેટવર્ક દેશના ખૂણે-ખૂણે પહોંચી રહ્યું છે, એમ મોબાઈલ ડેટાનો વપરાશ દર વર્ષે નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. નોકિયા ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, 2023 માં સરેરાશ વપરાશકર્તા માટે મોબાઇલ ડેટાનો વપરાશ દર મહિને 24.1 GB પર પહોંચી ગયો છે. જે 2022માં વપરાશકર્તા દીઠ 19.5 GB હતો. આ એક વર્ષમાં મોબાઈલ ડેટાના વપરાશમાં 24 ટકાની વૃદ્ધિ થઈ છે. 2024ની વાત કરીએ તો માથાદીઠ માસિક ડેટા વપરાશ 13.3 GBથી વધીને 28.7 GB થયો છે.
ટેલિકોમ કંપનીના રિપોર્ટ પ્રમાણે ભારતમાં ડેટાનો વપરાશ વાર્ષિક ધોરણે 20% વધીને 17.4 એક્સ બાઈટ પ્રતિ મહિને થયો છે. જે વિશ્વમાં સૌથી વધુ ડેટા વપરાશમાંનો એક છે. સરેરાશ એક વ્યક્તિગત ગ્રાહક દર મહિને અંદાજે 24 GB ડેટા વાપરે છે. જે દર્શાવે છે કે ભારતીય લોકોમાં ડેટા વપરાશની ભૂખ કેટલી બધી વધી ગઈ છે.
આંકડા કહે છે..
2019માં ભારતીય મોબાઈલ વપરાશકર્તા દર મહિને 11.2 GB ડેટાનો વપરાશ કરતા હતા. 2020માં આ વપરાશ વધીને 13.5 GB થઈ ગયો હતો. 2021માં 17 GB, 2022 19.5 GB, 2023માં 24.1 GB અને 2024માં 28.7 GB ડેટા વપરાશ થાય છે.
ભારતીય રાજ્યોમાં મોબાઈલ ડેટા વપરાશની દ્રષ્ટિએ 2024માં ગુજરાતનો સમાવેશ દેશના ટોપ 5 રાજ્યોમાં થાય છે. પ્રથમ નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં માસિક મોબાઈલ ડેટા વપરાશ લગભગ 13-15 ટેબા બાઇટ્સ (TB) છે. (એક ટેબા બાઈટ 1,024 ગીગા બાઇટ (GB)). બીજા નંબરે કેરળ છે જે અંદાજે 10-12 TB મોબાઈલ ડેટા વપરાશ કરે છે. એ જ રીતે ત્રીજા નંબરે ઉત્તરપ્રદેશ જે લગભગ 12-14 TB, ચોથા નંબરે આંધ્રપ્રદેશ જે અંદાજે 11-13 TB અને પાંચમાં નંબરે ગુજરાત છે, જે અંદાજે 9-11 TB માસિક મોબાઈલ ડેટાનો વપરાશ કરે છે.
મોબાઇલ ડેટાનો વપરાશ વધવાના મહત્વના કારણો
સસ્તા ડેટા પ્લાન: ભારતીય ટેલિકોમ કંપનીઓ, ખાસ કરીને Jio, દ્વારા કિફાયતી ડેટા પ્લાનની ઉપલબ્ધતાએ ડેટા વપરાશમાં વધારો કર્યો છે વિડીયો સ્ટ્રીમિંગ: ગૂગલ, યુટ્યુબ અને નેટફ્લિક્સ જેવી વિડીયો પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધતા અને લોકપ્રિયતા ગ્રામીણ કનેક્ટિવિટી: કોવિડ પછી દેશના નાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇન્ટરનેટની ઉપલબ્ધતામાં વધારો થયો છે ડિજિટલ સેવાઓનો વધારો: સૌથી મોટું કારણ ઓનલાઇન શિક્ષણ, ઇ-કોમર્સ, અને કામના વધારા કારણે ડેટાની માંગમાં વધારો થયો છે સોશિયલ મીડિયા ફ્રેન્ડલીઃ આજકાલ નાનામાં નાની વ્યક્તિ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ જેવી પોતાની વ્યક્તિગત સોશિયલ સાઈડ પરથી આવકના સ્ત્રોત ઉભા કરી રહી છે. જેના માટે મોબાઈલ ડેટા ખૂબ આવશ્યક છે. આ કારણ પણ ડેટા વપરાશ વધવા માટે મહત્વનું ઘણી શકાય. 5Gની રફતારઃ 5G ટેકનોલોજી 4G કરતાં ઝડપી ડેટા સ્પીડ પ્રદાન કરે છે, જેના પરિણામે પણ નેટ વપરાશમાં વધારો થયો છે. 5G કનેક્શનની ઝડપી ગતિ અને લેટન્સી ઘટાડા લોકો વધુ વિડિઓ સ્ટ્રીમિંગ, ગેમિંગ, અને અન્ય ડેટા-ઇન્ટેન્સિવ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, 5Gની વ્યાપક કનેક્ટિવિટી અને નેટવર્ક ક્ષમતાઓ વાઇફાઇ અને અન્ય ડિવાઇસને પણ કનેક્ટ રાખવામાં મદદરૂપ હોય છે, જેના પરિણામે કુલ નેટ વપરાશમાં વધારો થાય છે. |
મોબાઈલ ડેટાના માસિક વપરાશની સાથે સાથે ડેટા પ્લાનિંગના ખર્ચમાં પણ વધારો થઈ ગયો છે. પહેલા 2GB ડેટા વપરાશના દર મહિને 299 રૂપિયા થતા હતા. હવે એ પ્લાન વધીને 359 થઈ ગયા છે. જોકે કંપની પ્રમાણે પ્લાનની કિંમત પણ જુદી-જુદી છે. પરંતુ એટલું તો કહી જ શકાય કે એક સમયે લોભામણી જાહેરાત આપી જે કંપનીઓ ઓછા પૈસામાં વધારે ડેટા આપતી હતી એ હવે ગ્રાહકની નસ પારખી ગઈ છે. કંપનીને પણ ખબર છે કે આદતથી મજબૂર વપરાશકર્તાઓ ગમે એ ભાવ હશે પણ ડેટા પ્લાન લેશે. આ જ કારણ છે કે ડેટા પ્લાનના ભાવ વધવા છતાં ડેટા વપરાશમાં ઘટાડાની જગ્યાએ સતત વધારો થઈ રહ્યો છે.
હેતલ રાવ