અમદાવાદ: આ વર્ષ શિયાળાની શરૂઆત મોડી થતી જોવા મળી હતી. આ વર્ષે માત્ર શિયાળો જ નહીં પરંતુ ત્રણેય ઋતુમાં વધારે જ પડતો વધારો ઘટાડો અને શરૂઆત અંત મોડો વહેલો થતો નોંધાયો હતો. આ ઉપરાંત બેવડી ઋતુથી પણ લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા. એજ રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. જેના લીધે વ્યક્તિને શરદી, ખાંસી, કફ, તાવ જેવી બીમારી જોવા મળતી રહી છે. હાલ અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગત મહિના કરતાં આ અઠવાડિયે વાઇરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા અને વાઇરલ ઈન્ફેક્શનના આશરે 1950 થી પણ વધુ કેસ નોંધાયા છે.
સોલા સિવિલમાં નોંધાયેલ કેસોમાં મેલેરિયાના 490 શંકાસ્પદ કેસો પૈકી 16 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વાઇરલ ઈન્ફેક્શનના 1463 જેટલા કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના 112 શંકાસ્પદ કેસો પૈકી 3 કેસ પોઝિટિવ આવ્યા છે. તેમજ ચિકનગુનિયાના 15 જેટલા કેસ નોંધાયા છે. જેમાંના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યો છે. આ સાથે OPD ના 11,089 કેસ અને IPD ના 1089 કેસ નોંધાયા છે. જેની સંખ્યા ગત અઠવાડિયા જેટલી જ નોંધાઈ છે. આ સિવાય ઝાડા-ઉલ્ટીના 3 કેસ, ટાઈફોઈડના 3 કેસ અને વાઇરલ હિપેટાઇટિસના 6 કેસ નોંધાયા છે. મહત્વની વાત તો એ છે કે સોલા સિવિલમાં આ અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના લક્ષણ ધરાવતા એક પણ દર્દીનો કેસ નોંધાયો નથી.