જો તમે એલિયન છો અને કોઈ પ્લેનેટ (ગ્રહ) પર તમને મૂકી દેવામાં આવે અને તમે સાંભળ્યું હોય કે આ ગ્રહ પર મોટા ભાગના લોકોને માટે એક દિવસમાં એક બાલદી પાણીથી ઓછું પાણી ઉપલબ્ધ હોય છે, કેમ કે અન્ય લોકો પ્રાણીઓને ખવડાવવા, સાફ કરવા અને એમને મારવા માટે પાણીનો વધુ પડતો ઉપયોગ કરે છે, કેમ કે તેઓ એને ખાઈ શકે-જ્યારે આ તેમની જરૂરિયાત નહોતી તો તમે શું કહેશો?
આપણે પોતાને ખતમ કરવા માટે બ્રહ્માંડની રાહ જોવાની જરૂર નથી, કેમ કે આપણે પ્રતિદિન ખુદ એવું કરી રહ્યા છીએ.
મીટ (માંસ) ઇન્ડસ્ટ્રી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિશ્વના એક તૃતીયાંશ પાણીનો ઉપયોગ કરી રહી છે. માંસનું વૈશ્વિક ઉત્પાદન વર્ષ 2000ના 22.9 કરોડ મેટ્રિક ટન થતું હતું, જે 2050 સુધીમાં અંદાજે 46.5 કરોડ મેટ્રિક ટનથી બે ગણા કરતાં વધુ વધી રહ્યું છે. આમ પણ, પૃથ્વી પર જળ સંસાધનો ઓલરેડી ઘટી રહ્યાં છે. આ સ્થિતિને ગંભીરતાથી સમજવાની અને એની વાસ્તવિકતા પર વિચાર કરવો રહ્યો. જો વિશ્વના બધા દેશો અમેરિકાની ઉચ્ચ માંસના વેચાણની પેટર્ન (પ્રકાર)નું પાલન કરે તો વિશ્વમાં વર્ષ 2000માં જ પાણી ખતમ થઈ ગયું હોત.
ભારત અને ચીનમાં માંસાહારીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે
જો કે, ભારત અને ચીનમાં માંસાહારીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો આમ જ રહ્યું તો 25 વર્ષોમાં પૃથ્વી પરનું પાણી ખતમ થઈ જશે. દેશમાં પ્રતિ વર્ષે 40 કરોડ પ્રાણીઓને મારી નાખવામાં આવે છે. આ વાર્ષિક સંહારના પીડિતોમાં સૌથી મોટી સંખ્યા મરઘાંની છે.
પોલ્ટ્રી દેશમાં એક ઝડપથી વધતો ઉદ્યોગ છે, જેમાં ચિકન માંસને સસ્તા અને પૌષ્ટિક ભોજનના રૂપે લોકો સામે રજૂ કરવામાં આવે છે. દેશમાં એક કિલો ચિકન 100 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાય છે, જે ક્યારેક દાળ કરતાં પણ સસ્તું હોય છે. કેટલાક પરિવારો બીફ અથવા મટન ખાવાને બદલે ચિકન ખાવાનું પસંદ કરે છે અને એને સામાજિક મોભો ગણે છે.વળી, વિદેશી ફાસ્ટ ફૂડ ચેઇન એ લોકપ્રિય થઈ રહ્યું છે. સિવાય કે તમે એમાંથી જે ખાઓ છો એ ચિકન નહીં, પણ ગુલાબી કીચડ છે. જે વાસ્તવમાં ચિકનની જેમ દેખાડવા માટે બનાવવામાં આવ્યું છે.
ગ્લોબલ એગ્રિકલ્ચર ઇન્ફોર્મેશન નેટવર્કનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે ચિકનનું વેચાણ 15-20 ટકા વધી રહ્યું છે. 2017માં ચિકનનું ઉત્પાદન સાત ટકા વધીને 45 લાખ ટને પહોંચ્યું હતું. ભારતીય પશુપાલન ઉદ્યોગ, અને ડેરી અને મત્સ્યપાલન વિભાગના જણાવ્યાનુસાર ભારતમાં 2016-17માં અંદાજે 238 કરોડ મરઘાંઓનો વધ કરવામાં આવ્યો હતો. આ પોલ્ટ્રી ઉત્પાદનના આશરે 70 ટકા મોટી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, જે ઉત્પાદનના દરેક તબક્કે ભારે માત્રામાં પાણીનો ઉપયોગ કરે છે, જે હેચરીઝ, ફીડ મિલ્સ અને વધ (કતલ)ની સુવિધા ચલાવે છે.
પાણીનો ઉપયોગ મરઘાંઓ માટે અનાજના ઉત્પાદન, એમના પીવા માટે અને એમની આજુબાજુ જાળવણી માટે, પક્ષીઓને મારવા અને એમની સફાઈ માટે અને માંસના ઉત્પાદન માટે કરવામાં આવે છે. પોલ્ટ્રી ઉત્પાદનમાં વિવિધ તબક્કકાઓમાં ભારે માત્રામાં જળ પ્રદૂષણ થાય છે અને એનો ખેતી માટે અનાજ ઉગાડવા માટે પુનઃ વપરાશ પણ નથી થઈ શકતો, કેમ કે એમાં એન્ટિબાયોટિક્સ અને જંતુનાશકના દ્વવ્યો હોવાથી ખેતીમાં ઉપયોગ કરવામાં આવે તો મોટા પાયે આરોગ્યને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
પોલ્ટ્રી પક્ષી (મરઘાં-બતકાં) માટે મકાઈ, સોયાબીન મીલ, મોતી બાજરી, ટુકડા ઘઉં અને ચોખાનો ભોજનમાં ઉપયોગ થાય છે. એક કિલોગ્રામ અનાજ ઉગાડવા સરેરાશ 1000 લિટર પાણીની જરૂર પડે છે. આધુનિક પોલ્ટ્રી એમને નાનાં પાંજરા સુધી સીમિત કરે છે, જ્યાં 70 ટકા પક્ષીને પાંજરામાં ખાવાનું અપાય છે. મોટા ભાગનાં ખેતરોમાં આ પક્ષીઓના અનાજ માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. એટલે આ પ્રક્રિયામાં પણ વધુ પાણીનો વપરાશ થાય છે અને કેટલાંય લિટર પાણીને પ્રદૂષિત કરે છે.
1000 પક્ષીઓની સાથે એક મરઘાં ઉછેર કેન્દ્રની સુવિધામાં આશરે 400 લિટર પાણીનો દૈનિક વપરાશ કરવામાં આવે છે. આધુનિક બ્રોયલર હાઉસ, જેની પાસે ખાલી જગ્યામાં પક્ષીઓનાં પાંજરાં છે, જેમાં પક્ષીઓ પોતાની પાંખ પણ ફરકાવી નથી શકતાં, પણ ખરેખર તો ગરમ અને ચિઢાયેલાં પક્ષીઓને જીવિત રાખવા માટે કુલિંગ સિસ્ટમ્સની જરૂર હોય છે. આ કુલિંગ પદ્ધતિ ઉનાળાની સીઝન દરમ્યાન મોટી માત્રામાં પાણીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, પક્ષીઓને કાઢવા અને શેડમાં પંખાઓને સાફ કરવા અને એ જગ્યાની સાફસફાઈ માટે વધુ પાણીનો વપરાશ કરવામાં આવે છે.
હજ્જારો લિટર પાણીનો વ્યય
આ પક્ષીઓને મારતાં પહેલાં પાણીથી નવડાવવામાં આવે છે. આમાં પાણીનો મોટા પાયે વ્યય થાય છે, જેમાં પક્ષીઓનાં મળમૂત્રને લીધે તેમને વારંવાર બદલવાં પડે છે અને તેઓ આમાં મરી જાય છે. તેમના શરીરની સ્કેલિંગની પ્રક્રિયા માટે ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે છે, કેમ કે એમની પાંખોને દૂર કરવામાં મદદ મળે છે. ત્યાર પછી એમની ત્વચાની ગુણવત્તા જાળવી રાખવા માટે ઠંડા પાણીમાં નાખવામાં આવે છે. આ પ્રક્રિયામાં હજ્જારો લિટર પાણીનો વ્યય થાય છે- પક્ષીઓનાં આંતરિક અવયવોને હટાવવામાં, એને ઉપભોગ માટે તૈયાર કરવામાં. પાણીનો ઉપયોગ સફાઈ અને સ્વચ્છતામાં અને કોમ્પ્રેસર અને પમ્પોને ઠંડા કરવા માટે કરવામાં આવે છે. પ્રત્યેક પક્ષીના મૃત શરીરની પ્રક્રિયા પાછળ 35 લિટર વપરાવાનો અંદાજ છે.
આ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી નીકળતા નકામા પાણીમાં પ્રદૂષક તત્ત્વો અને ઝેરી પદાર્થો હોય છે, જે આસપાસના વિસ્તારોમાં પાણીને પણ પ્રદૂષિત કરે છે.
એક કિલો ચિકન ખાઓ છો, ત્યારે તમે 4325 લિટર પાણી…
સરેરાશ 4325 લિટર પાણીથી માત્ર એક કિલોગ્રામ ચિકન માંસનું ઉત્પાદન થાય છે. હકીકતમાં જ્યારે તમે એક કિલો ચિકન ખાઓ છો ત્યારે તમે 4325 લિટર પાણી પીઓ છો.
ભારતમાં વિશ્વમાં સૌથી સારું શાકાહારી ભોજન મળે છે. શાકભાજી અને અનાજનું સૌથી મોટું બજાર છે. દાળો અને સોયા એ પ્રોટિનનો સૌથી સારો વૈકલ્પિક સ્રોત છે, જેમાં પાણીની બહુ ઓછી જરૂર પડે છે. ચિકનના એક ગ્રામના પ્રોટિનના ઉત્પાદનમાં 34 લિટર પાણીનો ઉપયોગ થાય છે. દાળમાંથી પ્રોટિનના એક ગ્રામમાં માત્ર 19 લિટર પાણીની જરૂર પડે છે.
ભારતમાં પાણીનો વેડફાટ પોસાય એમ નથી, કેમ કે પાણીની અછત, દુકાળ એ આપણા માટે વાસ્તવિકતા છે. શ્રીમંત દેશો ચિકન અને ઈંડાના રૂપમાં વર્ચ્યુઅલ વોટરની આયાત કરી રહ્યા છે, પણ આપણા જેવા વિકાસશીલ દેશોમાં પાણી વિનાના વિશ્વની કલ્પના કરી જુઓ.
ના. તમે ઇઝરાયેલની જેમ નથી કરી શકતા, જ્યાં સમુદ્રના પાણીને પીવાના પાણીમાં તબદિલ કરવા માટે મશીનોનો ઉપયોગ થાય છે. દરિયામાંથી ઝડપથી માછલીઓને કાઢવામાં આવી રહી છે અને પહેલેથી જ દરિયામાં મોટી સંખ્યામાં મૃત ક્ષેત્ર છે. જ્યાં કંઈ પણ નથી વધતું. તમે એને ગૂગલ પર જોઈ શકો છો. પાણી એ મૃત છે અને ત્યાંનું પાણી કોઈ પણ ચીજવસ્તુ માટે ઉપયોગમાં નથી લઈ શકાતું. જો તમે પર્યાવરણવાદી છો અને માનવતાવાદી વલણ અપનાવવા માગો છો તો માંસ ખાવાનું બંધ કરો.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)