કોઈપણ યુદ્ધ કે વેપાર-ધંધામાં નેતૃત્વ ખૂબ અગત્યનું છે. અનસૂયાબહેન સારાભાઈ અને શંકરલાલ બૅન્કરે પૂજ્ય ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ટેક્ષટાઇલ લેબર એસોસિયેશન એટલે મજૂર મહાજનની સ્થાપના કરી ત્યારે મજૂરો અને માલિકોને મહાત્માજીએ સમજાવેલું કે આ આખીયે ઉત્પાદન વ્યવસ્થાના ત્રણ મુખ્ય ભાગીદારો છે.
પહેલા મિલમાલિકો, જે મૂડીનું રોકાણ કરી ફેક્ટરી તેમજ મશીનો ઊભાં કરે છે. બીજો ભાગ એટલે મેનેજમેન્ટ, જે આ આખીયે વ્યવસ્થા સંભાળી ધંધો નફામાં ચાલે તે માટે જવાબદાર છે અને ત્રીજો કામદાર, જેનો શ્રમ ઉત્પાદનની ગુણવત્તા તેમજ જથ્થા માટે જવાબદાર છે.
કોઈપણ વ્યવસ્થા આ ત્રણેયના તાલમેલથી જ ચાલે છે અને એટલે કામદારો માટે હ્યુમન રિસોર્સીસ એટલે કે માનવ સંસાધનો એવો શબ્દ પ્રયોજાય છે.
ભગવાન કૃષ્ણ કહે છે ‘પરિત્રાણાય સાધુનામ’ અર્થાત્ વહીવટમાં કોઈપણ વસ્તુ પર કાબૂ મેળવવો હોય, કામ સારી રીતે પાર પાડવું હોય તો સંસ્થામાં જે કર્મચારી સારું કામ કરે છે તેને રક્ષણ આપો. કોઈપણ સંસ્થા માટે તેના કર્મચારીઓ ખૂબ જ જરૂરી હોય છે તેથી જ અંગ્રેજીમાં શબ્દ વપરાય છે ‘હ્યુમન રિસોર્સ’. કર્મચારી એ સંસાધન છે. તેના વિના બીજા બધા જ સંસાધનો અધૂરા છે. કર્મચારીઓના સહયોગ વિના ધનિક શેઠ પણ પોતાની સંસ્થા આગળ વધારી શકતો નથી. તેથી કહેવાય છે કે ‘Teamwork makes Dream work’. જે વ્યક્તિ સારું કામ કરે છે તેના પ્રત્યે લોકો ઈર્ષાની દૃષ્ટિએ જુએ છે. કહે છે ને કે જમીન પર લોકોના ટોળાઓ હોય છે પરંતુ શિખર પર તો એકલા જ જવાનું હોય છે.
સારું કામ કરનારા પ્રગતિના પંથે જનારા માણસને દુનિયા નીચે પછાડવાની તકમાં જ હોય છે. તેથી તેમને રક્ષણ આપી તે વ્યક્તિ સારી રીતે પોતાનું કામ કરી શકે તેવું વાતાવરણ કંપની મેનેજમેન્ટે બનાવવું જોઈએ. જે માણસો પોતાના કામ પ્રત્યે ગેરવફાદાર રહે છે અથવા તો બીજા સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમના કામમાં બાધા બને છે તેમનો નાશ કરવો.
એ પણ યાદ રહે કે કોઈપણ વ્યક્તિને તેની પહેલી ભૂલે જ સજા ન આપવી જોઈએ, પણ જે તે માણસને સુધરવાની પૂરતી તક આપવી જોઈએ. જો માણસને પૂરતી તક આપવામાં આવે તો તે સુધરી શકે છે. રામાયણના રચયિતા વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા. પરંતુ યોગ્ય તક આપ્યા બાદ પણ માણસ પોતાની પ્રકૃતિ ન સુધારે તો તેનો સંસ્થાના હિતમાં નાશ કરવો જ હિતાવહ છે.
ટોચનું મેનેજમેન્ટ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલું જ હોય છે. મહાભારતનું યુદ્ધ નક્કી હતું. અર્જુન અને દુર્યોધન બંને દ્વારકાધીશને પોતપોતાને પક્ષે રહેવા વિનંતી કરવા ગયા. ભગવાન આરામમાં હતા. દુર્યોધન એમના ઓશીકા તરફ બેઠો. અર્જુન પગ તરફ. ભગવાનની આંખ ખૂલી ત્યારે એમની નજર પહેલા અર્જુન પર પડી. ત્યાર બાદ દુર્યોધન પર. એમની વિનંતીના જવાબમાં ભગવાને કહ્યું કે, ‘બેમાંથી એક વિકલ્પ પસંદ કરો. હું જે બાજુ રહીશ એ બાજુ હું એકલો જ રહીશ. શસ્ત્ર નહીં ઉપાડું. મારી પહેલી નજર અર્જુન પર પડી છે એટલે પહેલા પસંદગી કરવાનો હક્ક એનો છે.’ દુર્યોધનના આશ્ચર્ય વચ્ચે અર્જુને શ્રીકૃષ્ણને માગી લીધા. યાદવોની અતિપ્રતાપી સેના દુર્યોધનને મળી.
સારથી તરીકે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના માર્ગદર્શક બન્યા. મહાભારતનું યુદ્ધ પાંડવોના પક્ષે ત્યારે જ જીતાઈ ગયું હતું. ઇન શોર્ટ, ‘leadership counts’ એટલે કે નેતૃત્વ મહત્વનું છે. ‘જેનો સેનાપતિ આંધળો તેનું લશ્કર ખાડામાં.’
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)