અમદાવાદઃ સાઇકલ ચલાવવાથી તણાવ દૂર થાય છે. એ વ્યાયામ કૌશલ્ય વિકસાવવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને કોઈ પણ પ્રકારના વ્યસનને ના કહેવા માટે મદદ કરે છે અને સાઇકલિંગ એ સક્રિય અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રવેશદ્વાર છે.
વિશ્વ અને ભારત માદક દ્રવ્યોના દુરુપયોગના જોખમ સામે લડી રહ્યું છે અને ‘26 જૂન’ એ ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદે હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ છે, ત્યારે હાઈ ઓન લાઇફ ફાઉન્ડેશને સિમ્બાલિયન સાઇકલિંગ ક્લબ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સહયોગથી અમદાવાદમાં ડ્રગ્સના અને માદક દ્રવ્યો સામે જાગૃતિ ફેલાવવા માટે સાઇકલ-એ-થોનનું આયોજન કર્યું હતું. આ સાઇકલોથોનમાં ૫૦થી વધુ સાઇકલિસ્ટ એ ભાગ લીધો હતો અને 20 કિમીનું અંતર કાપીને ‘Say No To Drugs’ અને સ્વસ્થ જીવનશૈલી જીવવાનો સંદેશ આપ્યો હતો.
આ સાઇકલોથોન વૈષ્ણોદેવી પાસે આવેલા સરદારધામથી શરૂ થઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. સાઇકલોથોનનો રૂટ 20 કિલોમીટરનો હતો. આ સાઇકલોથોનમાં ૫૦ જેટલા સાઇકલસવારોએ ભાગ લીધો હતો.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર શૈલેન્દ્ર મિશ્રાને હસ્તે સાઇકલથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. તેમની સાથે હાઈ ઓન લાઇફ ફાઉન્ડેશનના સાગર બ્રહ્મભટ્ટ અને કૃણાલ શાહ તથા સિમ્બાલિયન સાઈકલિંગ ક્લબના જિગ્નેશ પટેલ ઉદઘાટનમાં હાજર રહ્યા હતા.