શિયાળો આવે એટલે એક રાહત થાય ગરમીથી છૂટકારો મેળવવાની! આ ઋતુમાં સવાર સવારમાં ઘરની બહાર જોવા મળતું ધુમ્મસ કોઈ કવિ માટે કવિતાની પ્રેરણા બને! ફિટનેસ જાળવવા રોજ મોર્નિંગ વોક લેનારને વાતાવરણ આહ્લલાદક લાગે! પણ વ્યક્તિ-વ્યક્તિએ પ્રકૃતિ અલગ હોય છે! કમનસીબે, આવી ખુશનૂમા ઠંડકમાં કોઈને એલર્જીનો સામનો પણ કરવો પડતો હોય છે!
જરૂરી નથી કે, આ શિયાળાની ઠંડક દરેકને માફક આવે! કોઈકને શરદી થાય તો કોઈકને છીંક આવવી શરૂ થઈ જાય. તો ઘણાંને વાયરસના બેક્ટેરીયાને લીધે અનેક પ્રકારની એલર્જીનો સામનો કરવો પડતો હોય છે. આવી એલર્જીમાં ત્વચા તેમજ શ્વાસોશ્વાસ સંબંધી તકલીફો જોવા મળે છે. એના ખાસ કારણોમાં, આ ઋતુમાં વધ-ઘટ થતું તાપમાન, વાતાવરણમાં સવાર-સાંજ છવાતું ધુમ્મસ, ઓછો સૂર્યપ્રકાશ મળવો. આ બધાં કારણે, જે વ્યક્તિની મેટાબોલિઝમ્ અને ઈમ્યુન સિસ્ટમ એટલે કે, શરીરની ચયાપચયની ક્રિયા તેમજ રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને માટે સમસ્યા વધી જાય છે.
શરદીમાં થનાર એલર્જીઃ
- ગળામાં કફને લીધે કર્કશતા આવવી અથવા ખાંસી આવવી
- ત્વચામાં ખંજવાળ આવવી તેમજ ત્વચા લાલ થઈ જવી
- કાનમાં તકલીફ હોય તો ઓછું સંભળાવું
- ગળામાં સોજો આવે અને ખોરાક ગળવામાં તકલીફ થાય
- શ્વાસમાર્ગમાં અવરોધ લાગે અને શ્વાસ લેવામાં તકલીફ થાય
- કન્જ્કટિવાઈટીસ (આંખો લાલ થઈ જવી)
શરદીની એલર્જીના લક્ષણોઃ
- નાક બંધ થવું અથવા સતત ગળતું રહેવું
- નાકની ત્વચા લાલ થઈ જવી અથવા નાકમાં સોજો આવવો
- સતત છીંકો આવે કે ઉધરસ આવે અને અસ્થમા એટલે કે, દમનો એટેક આવવો
- શરીર દુઃખવું તેમજ માથું ભારે થવું, આંખો ભારે લાગવી
શરદીમાં એલર્જી થવાના કારણોઃ
ઘણાં લોકોને ઘરમાં પાળેલાં પ્રાણીઓના વાળ, એ લોકોની લાળ તેમજ યૂરીનને કારણે પણ એલર્જી થતી જોવા મળે છે.
આ ઋતુમાં તકલીફો વધી જાય છે. કેમ કે, પ્રાણીઓ પણ આખો દિવસ ઠંડકને કારણે ઘરમાં જ ફરતાં રહેતાં હોય છે. ઉપરાંત, ઘરનાં બારી-બારણાં ઠંડીને કારણે બંધ રાખવામાં આવે છે. જેને લીધે વેન્ટીલેશન ઓછું થાય છે. સાવચેતીરૂપે પ્રાણીઓને દર અઠવાડિયે સ્નાન કરાવવું. ડોક્ટર પાસે રેગ્યુલર ચેક-અપ માટે તેમને લઈ જવા.
ઘણીવાર ઉનથી બનેલા સ્વેટર, જર્સી, સ્કાર્ફથી પણ એલર્જી થઈ જાય છે. જો ઉન સારી ક્વોલિટીનું ન હોય તો પણ ત્વચા લાલ થઈ જાય છે. એ માટે સિંથેટીક ઉનના ગરમ કપડાં તેમજ કોટનના કપડાં હિતાવહ છે.
કઈ રીતે કરશો એલર્જીથી બચાવ?
- જો ધૂળને કારણે એલર્જી થતી હોય તો ઘરમાં ઝાડૂને બદલે વેક્યુમ ક્લીનર વાપરવું
- તાપમાનમાં આવતાં પરિવર્તનથી સાવચેત રહેવું
- પડદા, બેડશીટ અઠવાડિયે એક વાર ધોઈ લેવા
- પડદા, બેડશીટ અને ગાલીચાને સમયાંતરે તડકામાં મૂકવા
- પાળતુ પ્રાણીઓના વાળને કારણે થતી એલર્જીથી બચવા તેમનાથી દૂર રહેવું, બને ત્યાં સુધી તેમને બેડરૂમની બહાર રાખવા.
- પ્રાણીઓને દર અઠવાડિયે સ્નાન કરાવવું. પ્રાણી સાથે આખો દિવસ રહ્યાં હોવ તો રાત્રે સૂતાં પહેલાં સ્નાન કરી લેવું. કપડાં બદલી લેવાં.
બદલાતી ઋતુ માટે ઘરગથ્થૂ ઉપાયોઃ
શરદી કફ માટે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ ટાળવો. શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરના રસોડામાં જ ઘણો એવો ખોરાક છે જે ઔષધીની ગરજ સારે છે. જેમ કે,
- અદરખ (આદુ)
આદુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ રહેલાં છે. શિયાળામાં શરદી માટે થોડું આદુ ઝીણું વાટીને પાણીમાં ઉકાળીને એ પાણી હુંફાળૂં પીવાથી શરદી તેમજ કફમાં રાહત થાય છે. ગળાને પણ આરામ મળે છે.
- સુપ
ટમેટાં, બીટ, ગાજર અને પાલકનું વેજીટેબલ સુપ પીવાથી પણ શરદીમાં રાહત થાય છે.
- મધ
લીંબુપાણીમાં મધનું એક ચમચી મિશ્રણ પણ દુઃખતા ગળાને રાહત આપે છે. મધમાં એન્ટીબેક્ટેરીયલ ગુણધર્મ છે, જે શરદીને દૂર રાખે છે.
- ખજૂર
1-2 ખજૂર ખાઈને ગરમ પાણી પીવાથી શરદી અને કફમાં રાહત થાય છે. ઉપરાંત શરીરને પોષણ પણ મળે છે.