મોદીના હાથમાં એ-કયું-પ્રૅશર હતું?

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મહાબલિપુરમના દરિયા કિનારે પ્લાસ્ટિકનો કચરો ઊઠાવવાનું પ્રશંસનીય કાર્ય પરસેવો પાડીને કર્યું. આ વાત તો બધાંને સ્પર્શી જ ગઈ, પરંતુ સાથે લોકોના મનમાં કુતૂહલ જાગ્યું કે આ કાર્ય કરતી વખતે તેમના હાથમાં શું હતું. વડાપ્રધાને પોતે જ સ્પષ્ટતા કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમના હાથમાં ઍક્યુપ્રૅશર રૉલર હતું.

વડાપ્રધાને લખ્યું કે આ રૉલર હાથમાં ફેરવવાથી તેમનો તણાવ દૂર થાય છે અને તેમના ભારે કામકાજમાં તેઓ હળવાશ અનુભવે છે. આ હાથવગા સાધનથી બીજા પણ ઘણા ફાયદા થાય છે.

લાકડાના બનેલા આ સાધનમાં દાંતા હોય છે. ઍક્યુપ્રૅશર રૉલરનો ઉપયોગ અનેક લોકો કરતાં હોય છે. તેનાથી હાથના મસાજ બિંદુઓ દબાય છે. તે શરીરને પુનઃ ઊર્જાન્વિત કરી દે છે. જેમને ખૂબ કામ રહેતું હોય અથવા જેમને કામના લીધે ખૂબ તણાવ લાગતો હોય તેમના માટે આ સાધન ખૂબ ઉપયોગી છે.

આ સાધનના નિયમિત ઉપયોગથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે. તણાવ તો ઘટે જ છે. આ સિવાય બીજા કેટલાક આરોગ્યલક્ષી ફાયદાઓ પણ થાય છે, જેમ કે:

  • પેટની તકલીફો દૂર થાય છે

પેટમાં વાયુની તકલીફો દૂર થાય છે. જે લોકોને ‘તારક મહેતા કા ઉલટાચશ્મા’ના જેઠાલાલની જેમ પેટની તકલીફો રહેતી હોય તેમને આ સાધન ખૂબ ઉપયોગી છે. તેમણે આ સાધન અથવા બીજી કોઈ રીતે ઍક્યુપ્રૅશરની મદદ લેવી જોઈએ. તેનાથી પેટની આસપાસના સ્નાયુઓ અને બિંદુઓ સક્રિય થાય છે. જ્યારે તમે પગના તળિયે ઍક્યુપ્રૅશર આપો છો ત્યારે પેટમાં વાયુ ભરાઈ ગયો હોય તો તે નીકળવા લાગે છે. ચેપને અટકાવે છે.

 

  • સ્નાયુનો દુઃખાવો અને તણાવ ઘટે છે

એક્યુપ્રેશર એ રિફ્લૅક્સૉલૉજીની એક શાખા છે. તે દબાણ બિંદુઓ (પ્રૅશર પૉઇન્ટ) પર કામ કરે છે. તેનાથી શરીરનાં વિવિધ અંગોના કામકાજમાં સુધારો થાય છે. તણાવ ઘટે છે. ચિંતાને વધુ સારી રીતે સંભાળી શકો છો, દૂર કરી શકો છો. એટલું જ નહીં, સ્નાયુનો દુ:ખાવો હોય તો તે હળવો થાય છે. સ્નાયુમાં ગઠ્ઠા થયાં હોય તો તે દૂર થાય છે. શરીર અકડાઈ ગયું હોય તો તે ઢીલું થાય છે અને શરીરમાં રક્તપ્રવાહ પણ સારી રીતે સંચારિત થાય છે.

આ ચીનની ચિકિત્સા પદ્ધતિ છે. તે મુજબ, શરીરમાં રક્ત પ્રવાહની અદ્રશ્ય રેખાઓ હોય છે જેને મેરિડિયન કહે છે. આપણાં અંગોને શરીરના અન્ય ભાગો સાથે જોડતી આવાી ૧૪ મેરિડિયન હોય છે. ઍક્યુપંક્ચર અને ઍક્યુપ્રેશરના બિન્દુઓ (પૉઇન્ટ) આ મેરિડિયન પર રહેલા હોય છે.

જો આ બિન્દુ પર ઊર્જાનો પ્રવાહ બંધ થઈ જાય તો તેનાથી આરોગ્ય પર તકલીફ ઊભી થાય છે અને બીમારી જન્મે છે. આથી હાથ કે પગ પર દબાણ આપીને તે બિન્દુ પુનઃ ખુલે અથવા કાર્યરત્ બને તેમ કરવામાં આવે છે.

આ થેરેપીથી કેન્સર સંબંધિત થાક, માથાનો દુઃખાવો, માસિકમાં ગાંઠ પડે તે, કેમોથેરેપી પછી ઊબકા અને ઉલટી થવી, ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી થવી, વગેરે તકલીફોમાં પણ રાહત મળે છે.

તકલીફ એ છે કે પશ્ચિમની જેમ આ પ્રકારની ચિકિત્સા પદ્ધતિ પર વૈજ્ઞાનિક અભ્યાસ અને સર્વે નથી થતાં. આથી તેને યોગ્ય પ્રચાર-પ્રસાર મળવો જોઈએ તેટલો મળતો નથી. આમ છતાં, વર્ષ ૨૦૧૭માં ક્લિનિકલ જર્નલ ઑફ સ્પૉર્ટ્સ મેડિસિનમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો, તે મુજબ, સંશોધકોએ જે એથ્લેટોને ઈજા થઈ હોય તેમને એક જ દિવસે ત્રણ મિનિટ ઍક્યુપ્રૅશર, ત્રણ મિનિટ શૅમઍક્યુપ્રૅશર અને કોઈ ઍક્યુપ્રેશર નહીં- એ રીતની અજમાયશ કરી હતી.

અભ્યાસ પૂર્ણ થયા પછી જણાયું હતું કે શૅમઍક્યુપ્રૅશર કે કોઈ ઍક્યુપ્રૅશર નહીંની સરખામણીએ ઍક્યુપ્રૅશરથી ખેલાડીઓને દુઃખાવાની તીવ્રતા ઘટી હતી. જોકે વ્યગ્રતામાં કોઈ ફેરફાર નહોતો થયો.

‘સીએ: અ કેન્સર જર્નલ ફૉરક્લિનિશિયન્સ’માં એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જે મુજબ, કેમોથેરેપીના કારણે થતાં ઊબકા અને ઉલટીને ઘટાડવામાં પણ ઍક્યુપ્રૅશર અસરકારક છે.