એપ્રિલ ફૂલ બનાવવાના બદલે છોડ વાવી એપ્રિલ કૂલ બનાવો. આવા સુંદર સંદેશાઓ ફરી રહ્યા છે ત્યારે વૃક્ષનું મહત્ત્વ નહીં સમજીએ તો ગરમી તો વધતી જ જશે પરંતુ પ્રદૂષણના કારણે હવા અશુદ્ધ રહેવાથી અનેક રોગો આપણા શરીરમાં ઘર કરી જશે.
વાતાવરણમાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જ જાય છે. ખુલ્લી હવામાં શ્વાસ લેવાને આમ તો સારું મનાય છે, પરંતુ આજકાલ ખુલ્લી હવામાં શ્વાસ લેવાનો અર્થ થાય છે આપણે સામે ચાલીને બીમારીઓને નિમંત્રણ આપીએ કે આવ, બીમારી મને ગળે વળગ. દૂષિત હવાની ઝપટમાં હૃદય, શ્વાસ સંબંધી રોગી, વૃદ્ધ અને બાળકો જલદીથી આવી જતા હોય છે. વધતાપ્રદૂષણનેરોકવા માટે સરકાર પોતાની રીતે તો કામ કરી જ રહી છે પરંતુ બધું સરકારથી થતું નથી. જેમ કે સરકાર સ્વચ્છતા રાખવા કહે છે પરંતુ આપણું ઘર આપણે અસ્વચ્છ રાખીએ તો શું સરકાર ઘરની અંદર આવીને અસ્વચ્છતા તપાસવાની છે?
આથી સમાજની પણ જવાબદારી બને છે કે તે જુએ કે વાતાવરણ શુદ્ધ રહે. આના માટે તમે ઘરની અંદર અને બહાર કેટલાક એવા છોડ રોપી શકો છો જે વાયુને શુદ્ધ કરવાનું કામ કરે છે. તો આવો જાણીએ કયા એવા છોડ છે જે દૂષિત હવાને શુદ્ધ કરે છે?
તુલસીનો છોડ એવો છોડ છે જે શરદી, ઉધરસ વગેરે બીમારીઓમાં તો રાહત આપે જ છે પરંતુ સાથે હવાને શુદ્ધ પણ કરે છે. તે વાતાવરણમાં ઑક્સિજન છોડે છે.
એરેકાપામ એવો છોડ છે જે ઘરની અંદરના કાર્બન ડાયૉક્સાઇડનેઑક્સિજનમાં બદલી નાખે છે. તેની લંબાઈ ખાસ હોતી નથી. આથી તમે સરળતાથી ઘરની અંદર લગાવી શકો છો.
આ જ રીતે બૉસ્ટનફર્નનું કદ વધુ હોય છે. તે તમારા ઘરની બાલ્કની અને ઘરના પ્રવેશદ્વારની શોભા વધારવાની સાથે જ હવાને શુદ્ધ પણ કરે છે.
લીમડાનોરોપો માત્ર સુંદરતા જ નથી વધારતો પરંતુ દૂષિત હવાને સાફ પણ કરે છે. લીમડાનો છોડ મોટો હોય છે. તેથી સલાહ એ છે કે તેને ઘરની બહાર જ લગાવો. તે દૂષિત હવા સાફ કરવા ઉપરાંત રાતના સમયે ઑક્સિજન પણ છોડે છે.
કેળાનું ઝાડ પણ બહારની હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેને લગાવવાથી ઘરની અંદર શુદ્ધ હવા આવે છે.
લેડી પામ દૂષિત હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેના રોપાને ઘરની અંદર લગાવવાથી વધુ ફાયદો મળે છે.
સ્નેકપ્લાન્ટ ઝેરી વાયુ જેમ કે નાઇટ્રૉજનઑક્સાઇડ, ટ્રાઇક્લૉરૉઇથેલીન, બેન્ઝીન, ટૉલ્યૂનીનેશોષીને શુદ્ધ હવા આપવાનું કામ કરે છે. એક રીતે જુઓ તો ભગવાન શંકરની જેમ ઝેર તે પી જાય છે અને આપણને અમૃત જેવી શુદ્ધ હવા આપે છે. તેને તમે ઘરના કોઈ પણ ખૂણે મૂકી શકો છો.
ગર્બેરાડેઇઝી જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. તે રંગબેરંગી ઝાડવાં કાર્બન મૉનૉક્સાઇડ અને બેન્ઝિન જેવા દૂષિત વાયુને શોષી લે છે. તેને તમે તમારા બેડરૂમમાં લગાવી શકો છો.
ઇંગ્લિશ આઇવરી એવો રોપો છે જેને તમે ઓછા પ્રકાશવાળી જગ્યાએ લગાવી શકો છો. તે છોડ વાતાવરણમાં હાજર ઝેરી વાયુને શુદ્ધ કરીને આપણને શુદ્ધ હવા આપે છે.
વાંસ અર્થાત્ બામ્બુ પામ હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેના છોડના બે કદ હોય છે. એક મોટું અને એક નાનું. તેને તમે ઘરની અંદર પણ લગાવી શકો છો. તે પણ આપણને દૂષિત હવાને શુદ્ધ કરીને આપે છે.
આમ, છોડમાં રણછોડ છે તે કહેવત એમ ને એમ નથી પડી. છોડ, ઝાડ અનેક રીતે આપણને ઉપયોગી થાય છે. તેનાથી ગરમી ઓછી થાય છે. વરસાદ સારો પડે છે. પરંતુ ચમકાટવાળા વિકાસની દોડમાં આપણે વૃક્ષોનું નિકંદન કાઢતા જઈ રહ્યા છે અને બીજી તરફ વધુ ગરમી અને ઓછા વરસાદ કે ઘણી વાર પૂર લાવે તેવા વરસાદની ફરિયાદ કરીએ છીએ પરંતુ તેના માટે ક્યાંક આપણે જ જવાબદાર નથી ને? તે જોવું રહ્યું.