“તારી આ જ તકલીફ છે. તું ટીવી બંધ કર્યા વગર જ સૂઈ જા છો.”
“તમને મેચ જોવાનો શોખ છે તે વાત સાચી, પણ મેચ જોતાંજોતાં તમે ક્યારે સૂઈ જાવ છો તે તમને ખબર જ નથી પડતી. આખી રાત આજે ટીવી ચાલુ રહ્યું હતું.”
“બા, તમે ફલાણા બાપુની કથા જરૂર સાંભળો. પરંતુ ઊંઘ આવે તો કહેજો અથવા આ રિમોટથી ટીવી બંધ કરીને પછી સૂજો, હોં?”
આવા સંવાદો તમારા ઘરમાં પણ થતા હશે. તમે કહેશો, હા, પણ તેને આરોગ્ય સાથે શું લાગેવળગે? આ વિભાગમાં તેની વાત કેમ?
તો જાણી લો કે નવો અભ્યાસ સૂચવે છે કે ટીવીની સામે સૂઈ જવાથી તમને સ્થૂળતા વધવાનું જોખમ રહેલું છે! ખાસ કરીને સ્ત્રીઓને તો આ જોખમ વધુ છે. જે સ્ત્રીઓ રાત્રે કૃત્રિમ પ્રકાશ સામે સૂવે છે, તેમને તો આ જોખમ વધુ છે. તેમનું વજન વધવાની શક્યતા વધુ છે. તેઓ આગામી પાંચ જ વર્ષમાં જાડી થઈ શકે છે, તેમ એક અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યાસ લગભગ ૪૪ હજાર લોકો પર કરાયો હતો.
આ અભ્યાસ જામા ઇન્ટર્નલમેડિસિનમાં પ્રકાશિત કરાયો છે. તેમાં કહેવાયું છે કે જો તમારે સ્થૂળતા ન આવવા દેવી હોય તો શયનખંડ (બેડરૂમ, યૂનૉ)માંથી પ્રકાશ અને પડદા (ટીવી સ્ક્રીન) હટાવી દો. અભ્યાસ લેખકોનું આમ કહેવું છે. યુએસના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયરન્મેન્ટલ હૅલ્થ સાયન્સના સંશોધકોએ ૪૩,૭૨૨ મહિલાઓ પર ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી સંશોધન કરીને આ તારણ કાઢ્યું છે. આ મહિલાઓ ૩૫ વર્ષથી લઈને ૭૪ વર્ષની હતી. આ જૂથે તેમના વજન, બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) અને રાત્રે કૃત્રિમ પ્રકાશ હોય છે કે કેમ તેના વિશે માહિતી આપી હતી.
રાત્રે સૂતી વખતે કૃત્રિમ પ્રકાશથી વજન વધવાનું જોખમ વધે છે અને ચરબી વિકસે છે તેમ અભ્યાસમાં જણાયું છે. જે મહિલાઓ કૃત્રિમ પ્રકાશ સામે નહોતી સૂતી તેમની સરખામણીએ જે મહિલાઓ પ્રકાશ કે ટેલિવિઝન સામે સૂતી હતી તેમને હવે પછીનાં પાંચ વર્ષમાં પાંચ કિલો કે તેથી વધુ વજન વધવાની શક્યતા ૧૭ ટકા વધી ગઈ હતી. જો તેઓ જાડી ન હોય તો જાડી થવાની શક્યતા ૨૨ ટકા વધી હતી અને મેદસ્વી થવાની શક્યતા તો ૩૩ ટકા વધી ગઈ હતી.
લેખકોનું કહેવું છે, “આ પરિણામો સૂચવે છે કે રાત્રે કૃત્રિમ પ્રકાશમાં સૂવાથી વજન વધવાનું પરિબળ અને મેદસ્વિતા અથવા વધુ પડતું વજન થવાનું જોખમ હોય છે.” સંશોધકોએ નોંધ્યું હતું કે કૃત્રિમ પ્રકાશમાં સૂવાથી બીજી બિનઆરોગ્યપ્રદ વર્તણુંક પણ દેખાઈ આવે છે, જેમ કે બેઠાડુ જીવનશૈલી અને સામાજિક-આર્થિક ગેરલાભ. જોકે, અભ્યાસ પર ટીપ્પણી કરતા સરે યુનિવર્સિટીના પ્રાધ્યાપક માલ્કમવૉનસ્કાન્ઝે કહ્યું કે આ તથ્યો સંપૂર્ણપણે જીવવિજ્ઞાન સંબંધિત સમજ ધરાવે છે. અમને ખબર છે કે મોડી સાંજે પ્રકાશથી આપણી શરીરની ઘડિયાળ વિલંબિત થાય છે.
પ્રયોગાત્મક અભ્યાસ પરથી અમને ખબર છે કે રાત્રે પ્રકાશથી આપણી ચયાપચયની ક્રિયા પર અસર પડે છે. અને આ અસર એ રીતે પડે છે કે ચયાપચય ખામીનું જોખમ વધી જાય છે.
royalpublishing.org પર પ્રકાશિત એક લેખમાં જણાવાયું છે કે છેલ્લાં ત્રણ અબજ વર્ષથી જીવના તમામ પ્રકારમાં એક જૈવિક ઘડિયાળનો તાલ વિકસ્યો છે. આના લીધે ઘડિયાળ ન પહેરી હોય તો પણ સૂર્યોદય અને સૂર્યાસ્તની જાણ થઈ જાય છે. સૂર્યપ્રકાશ અને અંધારાના રોજિંદા ચક્રના કારણે શરીરનો તાલ પણ ગોઠવાઈ ગયો છે, પણ જ્યારથી કૃત્રિમ પ્રકાશ એટલે કે ઇલેક્ટ્રિક લાઇટ આપણા જીવનમાં આવી છે ત્યારથી આ તાલ ખોરવાઈ ગયો છે. વસતિ વધવાના કારણે અને ખાસ તો મિલકતની ભૂખ વધવાના કારણે ઈમારતોની ગીચતા વધી રહી છે. પરિણામે ધોળા દિવસે પણ આપણે ઘર કે ઑફિસમાં લાઇટ કરવી પડે છે. રાત્રે પણ લાઇટ જરૂરી બની ગઈ છે. આના લીધે આપણી જૈવિક ઘડિયાળનો તાલ બગડી જાય છે. તેનાથી સૂવા કે જાગવાનું ચક્ર, શરીરની અંદરનું તાપમાન, અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ અને સ્ત્રાવ છૂટવો, આ બધું ખોરંભાઈ જાય છે. તેનાથી સ્તન અને પ્રૉસ્ટેટ કેન્સર, ડાયાબિટીસ અને ડીપ્રેશન જેવા રોગોનું પ્રમાણ વધે છે.