કેટલાક લોકો એવા હોય, જેઓ કહેતા હોય, ‘મુઝે નીંદ ન આયે” તો કેટલાક લોકોને ઉઠાડવા માટે પ્રભાતિયાં ગાવાંથી લઈને ઘણું બધું કરવું પડે. જો બાળક હોય તો તેમની ઈચ્છા મુજબ તેમનો મનપસંદ નાસ્તો દૂધ સાથે તૈયાર રાખવો પડે. મોટા હોય તો પાશ્ચાત્ય જગતની કુટેવ અપનાવીને પથારીમાં ચા પીવે પછી જ ઊઠે.
પરંતુ આમાંના કેટલાક વીરલા એવા હોય જેમને ખૂબ જ ઊંઘ આવતી હોય. તમે કહેશો કે ઊંઘ તો આવે. શિયાળાનો સમય હોય, મસ્ત ઠંડું વાતાવરણ હોય, રજાઈ હોય અને ત્યારે ન ઊંઘીએ તો ક્યારે ઊંઘીશું? ઉનાળાની બળબળતી ગરમીમાં કે પછી ચોમાસાના બાફી નાખે તેવા વાતાવરણમાં?
આ દલીલ આંશિક સાચી છે પરંતુ સમયની માગ એવી હોય છે કે તમારે સમયસર ઊઠીને દુનિયા સાથે કદમતાલ મિલાવવા ભણવા કે પોતાના નોકરીધંધે નીકળવું જ પડે. હા, રવિવાર કે રજાનો સમય હોય તો થોડી વધુ ઊંઘ લો તેમાં કંઈ ખોટું નથી.
કેટલાક લોકોને તો નિદ્રાદેવીનું એવું વરદાન પ્રાપ્ત હોય છે કે તેઓ ગમે ત્યાં ઊંઘી શકે. બેઠાંબેઠાં, બે કામની વચ્ચે સોફા પર કે પછી લાંબો વાંસો કરવાની જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ શકે. આવા લોકોને ગરમી, ભેજ, ઠંડી કોઈ વસતુ નથી નડતી. પરંતુ જો આ લોકો જરૂર કરતાં વધુ ઉંઘતા હોય તો સાવધાન થવાની જરૂર છે, કેમ કે યુરોપની હાર્ટ જર્નલમાં પ્રકાશિત નવા વૈશ્વિક અભ્યાસ મુજબ, સૂચવેલા એક રાતમાં છથી આઠ કલાકથી વધુ ઊંઘ લેનાર લોકોમાં વહેલી ઉંમરે મૃત્યુની અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગની વધુ સંભાવના છે.
અભ્યાસ કહે છે કે ઊંઘ માનવના આરોગ્ય માટે જરૂરી છે અને લોકો તેમના કુલ કલાકોનો ત્રીજો ભાગ ઊંઘવામાં ગાળે છે. આ વાતને વધુ ને વધુ અગત્યના જીવનશૈલી વર્તન તરીકે જોવામાં આવે છે. તેના લીધે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને મૃત્યુ પર અસર થઈ શકે છે. વધુ ઊંઘના કારણે થાય છે એવું કે શરીરની ઊર્જાનો વ્યય ઓછો થાય છે જેના લીધે કાર્ડિયોવેસ્ક્યુલર પરિણામોનું જોખમ વધે છે. ભૂખ તેમજ ગ્લુકોઝ પાચન વગેરેમાં પણ ગરબડ થાય છે. કેટલાક અભ્યાસો મુજબ, વધુ ઊંઘ સાથેના લોકોને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અથવા મૃત્યુનું ખૂબ મોટું જોખમ હોય છે.
આ અભ્યાસના હેતુ માટે, ચીનની મેકમાસ્ટર ઍન્ડ પેકિંગ યુનિયન મેડિકલ કૉલેજના ચુંગશી વાંગના નેતૃત્વમાં સંશોધકોની ટીમે ૨૧ દેશોના સાત અલગ-અલગ ભૌગોલિક પ્રદેશોના કુલ ૧,૧૬,૬૩૨ પુખ્ત લોકોની ઊંઘ વિશેની માહિતી એકત્ર કરી. આ દેશોને અભ્યાસની શરૂઆતમાં વિશ્વ બૅન્કના વર્ગીકરણમાંથી સકળ રાષ્ટ્રીય માથાદીઠ આવકના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા. તેમાં ચાર ઉચ્ચ આવકવાળા દેશો હતા- કેનેડા, સ્વીડન, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત્સ. ૧૨ મધ્ય આવકવાલા દેશો હતા- આર્જેન્ટિના, બ્રાઝિલ, ચીલી, ચીન, કૉલમ્બિયા, ઈરાન, મલેશિયા, પેલેસ્ટાઇન, ફિલિપાઇન્સ, પૉલાન્ડ, દક્ષિણ આફ્રિકા અને તુર્કી. પાંચ ઓછી આવકવાળા દેશો હતા- બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, તાન્ઝાનિયા અને ઝિમ્બાબ્વે.
અભ્યાસ મુજબ, “અલગ-અલગ દેશોમાં સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરીને પ્રમાણભૂત પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી જેથી જનસંખ્યાકીય પરિબળો, સામાજિક આર્થિક દરજ્જો, જીવનશૈલી વર્તણૂંક (જેમ કે ઊંઘનો સમયગાળો, ધૂમ્રપાન, દારૂનું સેવન, શારીરિક પ્રવૃત્તિ અને આહાર), રોગનો ઇતિહાસ, રોગ સંદર્ભે પરિવારનો ઇતિહાસ અને શરૂઆતમાં લેવાતી દવાઓ અને ૭.૮ વર્ષના સમયગાળામાં આ પરિમાણોનું આકલન કરાયું
અભ્યાસના અંતે એવું તારણ આવ્યું કે જે લોકો ભલામણ કરાયેલી સૌથી વધુ માત્રા (એટલે કે દિવસના આઠ કલાક)થી વધુ ઊંઘતા હતા તેમને હૃદય બંધ પડી જવાનું અને સ્ટ્રૉકનું જોખમ વધુ હતું. આ વ્યક્તિઓને મરવાનું જોખમ ૪૧ ટકા વધુ હતું. આ તારણોએ એમ પણ બતાવ્યું કે જે લોકો રાત્રે છ કલાક કરતાં વધુ સૂતા હતા અને દિવસે પણ ઝપકી લેતા હતા તેમને આ રોગનું જોખમ વધુ હતું અને જે લોકો દિવસે ઝપકી લે પરંતુ રાત્રે છ કલાક કરતાં ઓછું ઉંઘે તેમની સરખામણીએ વહેલું મૃત્યુ આવવાની સંભાવના રહે છે.
અભ્યાસ મુજબ, સારી વાત તો એ જ છે કે ચાહે રાત્રે સૂવો કે રાત્રે વત્તા દિવસે, પણ એક દિવસમાં છથી આઠ કલાક જ સૂવું જોઈએ.
તો મહેમૂદનું ગીત ગાવ, “જાગો સોનેવાલો” કે પછી “જાગો મોહન પ્યારે નવયુગ ચૂમે નૈન તિહારે’ કે પછી ‘ભોર ભયેં પનઘટ પે’ ગાવ, સવારમાં કોઈ સરસ મીઠું ગીત સાંભળીને સમયસર ઉઠવાનો ક્રમ નવા વર્ષમાં અપનાવશો ને.