તમને ફૂટબૉલ પસંદ છે?
જો હા, તો તેની એકએક વિગત તમને ખબર છે?
તો તમે લૉસએન્જેલેસ રામ્સ વિશે જાણતાં જ હશો.
જો નથી જાણતાં, તો તમારી જાણ માટે, ઑહિયોના એટર્ની હૉમરમાર્શમેન અને ખેલાડ-પ્રશિક્ષક ડેમનવેત્ઝેલે ક્લીવલેન્ડ રામ્સની સ્થાપના ૧૯૩૬માં કરી હતી. તેમણે આ નામ તેમની ફેવરિટ ટીમ ‘ફૉર્ધમરામ્સ’ પરથી રાખ્યું હતું. આ ટીમ નવી શરૂ થયેલી અમેરિકન ફૂટબૉલ લીગનો ભાગ હતી. ૧૯૩૭માં આ ટીમ નેશનલ ફૂટબૉલ લીગનો હિસ્સો બની. ૧૯૪૬ પછી આ ટીમ લૉસ એન્જેલેસ આવી ગઈ.
તમને થશે કે આ ટીમની વાત કેમ આરોગ્યના લેખમાં માંડી છે? તો વાત એમ છે કે આ ટીમનો પરિચય દેવો જરૂરી હતો કારણ કે ભારતમાં ફૂટબૉલ પ્રેમીઓ અને તેમાંય ફૂટબૉલનો રજેરજનો ઇતિહાસ જાણનારા ઓછા છે. તમે માંદા પડ્યા હો તો ઘણી વાર તમારી પ્રિય વ્યક્તિનો સ્પર્શ કે તે તમને મળવા આવે તો તે પણ તમને સાજા કરી દે છે. તેનો ઉત્તમ દાખલો લૉસ એન્જેલેસરામ્સનો છે. વાત એમ બની કે અમેરિકામાં એક ૧૮ વર્ષના યુવક ડેવિન ગિલ્ડનરને બહુ ઓછાને થાય તેવી સ્પાઇનલ કૉર્ડ ઈજા થઈ. તેને સર્ફર્સમા એલોપેથી પણ કહેવામાં આવે છે. આ ઈજાના કારણે તે હાલવાચાલવા માટે અસમર્થ થઈ ગયો.
પરંતુ લૉસ એન્જેલેસરામ્સના ખેલાડીઓ નોલન ક્રૉમવેલ અને આઇવરીસલીએ ૧૮ વર્ષના આ યુવાનને હિંમત આપી. જૂલાઈમાં ઉત્તર કેરોલિનાનો આ તરુણ સમુદ્રી લહેરો પર વહેવાની રમત –સર્ફના પાઠ ભણી રહ્યો હતો. તે વખતે તે તેનાં દાદાદાદીની પાસે ગયો હતો. સીલ બીચમાં અનેક કલાકોના અભ્યાસ પછી અચાનક તેને લાગ્યું કે તેને કંઈક થઈ રહ્યું છે. ડેવિને કહ્યું કે “મને એવું લાગ્યું કે હું કોઈ ખરાબ શેતરંજી પર સૂતો છું અને મારી પીઠ નીચે સળિયો છે.” “પછી મારા પગ પણ અટકવા લાગ્યાં.” તેને તેના પગમાં કંઈક થવા લાગ્યું. તેને લાગ્યું કે તેનો વેટસૂટ વધારે પડતો તંગ છે અથવા તો તેનું શરીર સર્ફિંગની ગતિ પ્રત્યે હજુ અનુકૂળ નથી. તેને તેની પીઠમાં પણ દુઃખાવો થઈ રહ્યો હતો. તેનો અભ્યાસ પૂરો થયો તે પછી તે તેની દાદીમાની કારમાં પાછળની સીટ પર સૂઈ ગયો. જ્યારે તેઓ સીલ બીચના ઘરે પહોંચ્યાં ત્યાં સુધીમાં તો ૧૮ વર્ષના આ તરુણને પગમાં જાણે શક્તિ જ ન હોય તેવું લાગ્યું. તે હવે ચાલી પણ નહોતો શકતો.
તેને ચિલ્ડ્ર્ન્સ એન્ડ વીમેન્સ હૉસ્પિટલ લૉંગ બીચમાં લઈ જવાયો. ત્યાં તેના પર બે કલાક એમ. આર. આઈ. કરાયો. તેઓ તેના પર શસ્ત્રક્રિયા કરવાના જ હતાં પરંતુ રિપૉર્ટ આવ્યો કે તેને બૅક્ટેરિયાનો ચેપ નથી લાગ્યો કે સ્પાઇનલ કૉર્ડમાં કોઈ ટ્રૉમા નથી. આથી તેમણે શસ્ત્રક્રિયા ટાળી. તે પછી અનેક દિવસો સુધી ડૉક્ટરો આનો ઉકેલ શોધતા રહ્યાં. સર્ફર્સમા યેલોપેથી કોઈ પણ સર્ફરને થઈ શકે છે, ચાહે તે યુવાન હોય કે તંદુરસ્ત. ૨૦૧૬માં યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટસ્ ઑફ હૅલ્થ્સ નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં એક અભ્યાસ પત્ર પ્રકાશિત થયો તે મુજબ, ત્યાર સુધીમાં માત્ર ૬૪ જ આવા કેસ જાણીતા હતાં. આને સરળ શબ્દોમાં કહેવું હોય તો સ્પાઇનલ કૉર્ડમાં લોહી જતું અટકી જાય છે. ડેવિનને કહેવામાં આવ્યું કે આવા નવ જ કેસો છે અને તેનો કેસ દસમો છે. ઉપરાંત ડેવિનનો કેસ કેલિફૉર્નિયામાં તો પહેલો જ હતો.
ડેવિન મિલર છેલ્લાં છ સપ્તાહથી ફરીથી ચાલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને મળવા લૉસ એન્જેલેસરામ્સના ક્રૉમવેલ અને સલી ગયા. તેમાંથી ક્રૉમવેલે કહ્યું કે “ડેવિને હકારાત્મક વિચારસરણીની શક્તિ બતાવી છે. જો તમે દૃઢ વિશ્વાસ રાખો તો તમારી સાથે સારું બને જ છે.” આ બંને ફૂટબૉલ ખેલાડીઓએ કહ્યું કે ગિલ્ડનરની સાજા થવા માટેની ઈચ્છાશક્તિ પ્રેરણાદાયક છે. આ ઈચ્છાશક્તિના કારણે જ તે રોજ ઘણી પ્રગતિ કરી રહ્યો છે. ડેવિને કહ્યું કે “પહેલાં તો હું મારા પગ સહેજે હલાવી શકતો નહોતો. પગ મરોડવો કે તેને હલાવવો- પગ બાબતે હું કંઈ પણ કરી શકું તે મારા માટે અદભૂત વાત છે.” ડેવિનની માતા કહે છે, “તે રોજ કંઈક અદભૂત કરે છે. તાજેતરમાં તેણે પોતાની મેળે બે ડગ ભર્યાં અને આજે મને લાગે છે કે તે સાત ડગલાં ચાલ્યો.” ડેવિન જોકે લૉસ એન્જેલેસરામ્સના તેના પ્રિય ખેલાડીઓને યશ આપે છે. તેણે કહ્યું, “આ પ્રેરણાદાયક છે. આ લોકો, તેઓ સુપરસ્ટાર છે અને તેઓ મારી તરફ એ રીતે જુએ છે, જાણે હું સુપરસ્ટાર છું. આ પ્રેરણા મને સાજા થવા માટેની હિંમત અને શક્તિ આપે છે.”