તમે જો સ્ત્રી હો તો નાની ઉંમરે તમે એક રમત જરૂર રમ્યા હશો. દોરડા કૂદવાની. દોરીને છેડે લાકડાની ડાંડી બાંધી હોય અને તે બંને હાથમાં પકડીને બે પગે અથવા સાઇકલ ફેરવતા હોય તેમ એક પગ કૂદી બીજો પગ ફરીથી કૂદાવવાનો એ રીતે તમે દોરડા કૂદ્યા હશો. તમે શાળામાં પી.ટી.ના વર્ગમાં કૂદકા મારવાની કસરત પણ જરૂર કરી હશે. તે વખતે તમને કદાચ આ ગમ્મત લાગી હશે અથવા તો બની શકે કે તે કસરત ફાલતુ પણ લાગી હોય પરંતુ મોટી ઉંમરે તમને હવે સમજાશે કે આ કસરત કેટલી ઉપયોગી છે.
નવા અભ્યાસ મુજબ, દર સપ્તાહે માત્ર છ જ મિનિટ કૂદકા મારવાની સીધી, સાદી અને સરળ અને વળી મફત કસરતથી મોટી ઉંમરની મહિલાઓમાં ઑસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટી શકે છે. મેદાનથી કે કોઈ ખોખા કે પેટી પર ઊભા રહીને કૂદકા મારવાની કસરત રમત માટે વૈજ્ઞાનિકોને લાગે છે કે તેમાં પૂરતું બળ વપરાય છે, પગ અને નિતંબના સ્નાયુઓ પર ભાર આવે છે અને આથી ઉંમર સાથે પાતળાં થતાં જતાં હાડકાં અટકે છે.
ઑસ્ટિયોપોરોસિસ એવો રોગ છે જેમાં હાડકાં નબળાં પડતાં જાય છે અને તેથી હાડકાં તૂટવાની સમસ્યા વધુ હોય છે. માન્ચેસ્ટર મેટ્રોપૉલિટન યુનિવર્સિટીના ડૉ. ગેલિન મૉન્ટગોમેરીએ પચાસથી સાઇઠની ઉંમરમાં રહેલી ૧૪ મહિલાઓ પર આ કસરતોનું પરીક્ષણ કર્યું. તેઓ કહે છે, “આ હલનચલન ખરેખર સરળ છે અને તમે તમારા ઘરે તમારી અનુકૂળતાએ તેને કરી શકો છો. હાડકાંના આરોગ્ય માટે માત્ર ચાલવું જ પૂરતું નથી અને અમને આશા છે કે આનાથી વધુ મહિલાઓ આ ખૂબ જ અસરવાળી કસરતો કરવા માટે પ્રોત્સાહિત થશે.”
અભ્યાસમાં ભાગ લેનારી મહિલાઓને મેદાનમાં તેમના હાથ ઉપર રાખીને કૂદકા મારવામાં – કાઉન્ટર મૂવમેન્ટ જમ્પથી શ્રેષ્ઠ પરિણામો મળ્યાં હતાં. તેના પછી તરત જ ખોખાં પરથી કૂદકો મારવાની કસરત કરવામાં આવી હતી. આઠ ઈંચના એક ખોખા પરથી મહિલાઓએ કૂદકો મારવાનો હતો. તે પછી મહિલાઓએ પંજા પર આવીને છેલ્લે તેમની એડી પર નીચે આવવાનું હતું. અભ્યાસમાં હાડકાંની ઘનતા માપવામાં નહોતી આવી પરંતુ કસરત દરમિયાન જમીન પર ઉતરવાની અસર નોંધપાત્ર હતી.
મહિલાઓના સ્નાયુઓ પર ભારને ઇલેક્ટ્રૉડ દ્વારા માપવામાં આવ્યો હતો. તે એમ મનાય છે કે હાડકાંને મજબૂત કરવા માટે પૂરતો છે. અગાઉના અભ્યાસોમાં સ્નાયુની અસર અને બળના આવાં જ માપ જોવામાં આવ્યાં છે.
ડૉ. મૉન્ટગૉમેરી કહે છે કે કસરતની અસર હાડકાંની ખનીજ ઘનતામાં દર વર્ષે બે ટકા ચોખ્ખો વધારો કરે છે. તે ઑસ્ટિયોપોરોસિસને દૂર રાખવા પૂરતો છે. દેશમાં ૩૫ લાખ લોકો ઑસ્ટિયોપોરોસિસ સાથે જીવે છે પણ આ સ્થિતિ મહિલાઓમાં, ખાસ કરીને તેઓ મેનોપૉઝની સ્થિતિમાં હોય ત્યારે, વધુ જોવા મળે છે. પચાસથી વધુ ઉંમરની પાંચે એક સ્ત્રીમાં ઑસ્ટિયોપોરોસિસ હોય છે. જ્યારે પુરુષોમાં સાત ટકા પ્રમાણ જોવા મળે છે. પચાસથી વધુ ઉંમરની અડધી સ્ત્રીઓ આ સ્થિતિના કારણે હાડકાં તોડી બેસે છે. તેને ‘બ્રિટલ બૉન ડિસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કસરત હાડકાંને મજબૂત કરવા માટે જાણીતી છે, પરંતુ આધેડ વયની સ્ત્રીઓને કામનું દબાણ હોય છે, ઉપરાંત બાળકો તેમજ ઘરડાં સાસુસસરાની કાળજી લેવાની હોય છે. તેથી તેમની પાસે બહુ ઓછો સમય હોય છે. જો હાડકાં સારાં રહે તે માટે વધુ અસરવાળી કસરત જરૂરી છે જેથી વૃદ્ધિના કોષોને ઉત્તેજન મળે.
અભ્યાસ જર્નલ ઑફ ઇલેક્ટ્રૉમાયોગ્રાફી એન્ડ કિનેસિયોલૉજીમાં પ્રકાશિત થયો હતો. તેમાં ભાગ લેનારી મહિલાઓએ દર ચાર સેકન્ડે એક કૂદકો માર્યો હતો. તે પછી લાંબો સમય આરામ કર્યો હતો. તે પછી દર પંદર સેકન્ડે એક કૂદકો માર્યો હતો.
અભ્યાસમાં સૂચવાયું છે કે એક સપ્તાહમાં ત્રણ વાર ત્રીસ કૂદકા ઑસ્ટિયોપોરોસિસને રોકવા માટે લાભદાયક છે. ડૉ. મૉન્ટ્ગૉમેરી કહે છે કે “મહિલાઓને ટૂંકા આરામ સાથે કસરત પૂરી કરવા બે મિનિટ લાગશે.”
જોકે નિષ્ણાતો સૂચવે છે કે પોતાના આરોગ્ય વિશે ચિંતિત વૃદ્ધ લોકોએ નવી કસરત શરૂ કરતા પહેલાં તેમના ડૉક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ.