કોઈનો રંગ જો ભૂરો પડવા લાગે તો આપણે એમ કહીએ છીએ કે મૃત્યુ નજીક છે. કોઈનું મૃત્યુ એકાએક થાય તો પણ તેના દેહનો રંગ ધીમેધીમે ભૂરો થવા લાગે છે. કેમ આવું થાય છે? આનું કારણ એ છે કે શરીરમાં જ્યારે રક્તપ્રવાહનો સંચાર ઓછો કે બંધ થવા લાગે છે ત્યારે આમ થાય છે. એટલે કે દેહ ફિક્કું અને ભૂરું થવા લાગે છે.
જો મૃત્યુ પછી આવું થાય તો તેમાં કોઈ ચિંતાનું કારણ ન હોઈ શકે, પરંતુ જો જીવંત વ્યક્તિમાં આવું થાય તો ચોક્કસ ચિંતા કરવી જોઈએ. કારણકે તેનું મૃત્યુ થઈ શકે છે. જે બાળકો ભૂરા રંગના હોય તેમને અંગ્રેજીમાં ‘બ્લુ બેબી’ કહે છે. તેના લક્ષણને બ્લુ બેબી સિન્ડ્રૉમ પણ કહે છે. બ્લુ બેબી સિન્ડ્રૉમ એટલે બે પરિસ્થિતિ જેના કારણે શિશુઓમાં સાઇનૉસિસ થાય છે. આનું કારણ એ હોય છે કે આવા શિશુમાં રક્તપ્રવાહ તો વહે છે પરંતુ તેમાં ઑક્સિજનનું પ્રમાણ બહુ ઓછું હોય છે. સામાન્ય રીતે રક્ત હૃદયથી ફેફસાં તરફ ત્યારે ધકેલાય છે જ્યારે તેને ઑક્સિજન મળે છે. તે પછી રક્ત હૃદય તરફ પાછું વળે છે અને આ રીતે શરીરમાં રક્તસંચાર ચાલતો રહે છે. પરંતુ જ્યારે હૃદય, ફેફસાં કે રક્તમાં કોઈ ખામી આવી જાય ત્યારે રક્તમાં ઑક્સિજન ઓછો હોય છે. આના કારણે વ્યક્તિની ત્વચાનો રંગ ભૂરો પડવા લાગે છે.
જો કે તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, આયર્ન સપ્લીમેન્ટથી આવાં શિશુ જેને બ્લુ બેબી કહે છે તે અને પુખ્ત વયનના લોકો જેમને સાઇનૉટિક કૉન્જેનિટલ હાર્ટ ડિસીઝનું નિદાન થયું છે તેમની બચવાની શક્યતા વધે છે. પીજીઆઈ કાર્ડિયૉલૉજી વિભાગે હાથ ધરેલા આ પ્રકારના પ્રથમ અભ્યાસમાં આ તથ્ય બહાર આવ્યું છે. આ રોગથી રક્તમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું થાય છે અને દર્દીની ત્વચા, આંગળી અને હોઠ ભૂરા પડવા લાગે છે.
અભ્યાસ મુજબ, આનાથી સાઇનૉટિક કૉન્જેનિટલ હાર્ટ ડિસીઝથી ગ્રસ્ત બાળકો અને પુખ્તોને રોગ થવાનું અને મૃત્યુનું પ્રમાણ ઘટે છે. આ અભ્યાસ ચંડીગઢના પીજીઆઈએમઇઆર તેમજ ઍડ્વાન્સ્ડ કાર્ડિયાક સેન્ટરના કાર્ડિયૉલૉજી વિભાગના વડા, પ્રાધ્યાપક યશ પૉલ શર્માના માર્ગદર્શનમાં ડૉ. સબરી ક્રિષ્નને કર્યો છે. તેને તાજેતરમાં મુંબઈમાં કાર્ડિયૉલૉજી સોસાયટી ઑફ ઇન્ડિયાની પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ડૉ. શર્માએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં એક એવો વાદ છે કે આવાં બ્લુ બેબી કે પુખ્તોને આયર્ન ન આપવું જોઈએ કારણકે તેમનામાં તે અતિશય પ્રમાણમાં હોય જ છે. મૂળભૂત રીતે, આ પ્રથમ અભ્યાસ છે જે ડૉક્ટરોની માન્યતા બદલી નાખશે કે જે દર્દીઓ સાઇનૉટિક અથવા બ્લુ છે તેમનામાં લોહતત્ત્વ ભરપૂર હોય છે. અમારા સંશોધને પૂરવાર કર્યું છે કે આવા દર્દીઓને મૌખિક કે આઈવી આર્યન આપવાથી તેમના રક્તમાં ઑક્સિજનનું પ્રમાણ વધ્યું છે અને આ રીતે તેમની સ્થિતિ સુધરે છે.
આ દર્દીઓમાં શ્વાસની મોટા પાયે તંગી હોય છે. તેઓ લાંબું અંતર ચાલી શકતા નથી. માત્ર બે મિનિટ ચાલવાથી તેમને ખૂબ જ થાક લાગે છે અને શ્વાસની તંગી થાય છે. તેમને સ્ટ્રૉક આવવાની સંભાવના ભરપૂર હોય છે. પરંતુ અભ્યાસ પછી જણાયું કે આ દર્દીઓને જો આયર્ન સપ્લીમેન્ટ આપવામાં આવે તો તે પછી તેઓ છ મિનિટ સુધી લાંબું ચાલી શકે છે.
આ અભ્યાસમાં સાઇનૉટિક હાર્ટ ડિસીઝથી ગ્રસ્ત ૨૮ બાળકો અને પુખ્તોને સમાવિષ્ટ કરાયા હતા. તેમને છ મિનિટ ચાલવાની કસોટી પણ કરાવાઈ હતી.
આ ૨૮ દર્દીઓ પૈકી ૧૫ પુરુષો હતા અને ૧૩ સ્ત્રીઓ હતી. ૨૧.૪ ટકા દર્દીઓમાં આયર્નની ઉણપ જણાઈ હતી. તેમને આઈવી આયર્ન અપાયું હતું. બાકીના દર્દીઓને મોઢેથી આયર્ન અપાયું હતું. દર્દીઓમાં હીમોગ્લૉબિન, હીમાટૉક્રિટ, એસપીઓટુ, સીરમ ફેરિટિન વગેરેનું પ્રમાણ વધ્યું હતું અને તેઓ ત્રણ મહિના પછી છ મિનિટ ચાલી શક્યા હતા.
આઈવી આયર્ન આપવાથી કોઈ એલર્જીવાળી પ્રતિક્રિયા આવી નહોતી. સાઇનૉટિક હાર્ટ ડિસીઝવાળા દર્દીઓમાં આયર્ન ઉણપ માટે મોઢેથી અને આઈવી આયર્નની સારવાર કરી શકાય છે. આ પૈકી મોઢેથી તથા આઈવી આયર્નમાંથી આઈવી આયર્ન એ આયર્નની ઉણપ માટે શ્રેષ્ઠ સારવાર મનાય છે.