વિકી કૌશલ. નામ તો સૂના હી હોગા. તમે કહેશો કે આ સંવાદ તો રાહુલ માટે છે. તો જવાબએ છે કે રાહુલ માટે આ સંવાદ પેટન્ટ થોડો કરાવેલો છે? ગમે તે વ્યક્તિ જેનું નામ જાણીતું હોય તેના માટે વાપરી શકાય. ખરું ને? વિકી કૌશલ અનેક ફિલ્મોમાં તેના અભિનયના કારણે હવે ઘરેઘરે જાણીતું નામ બની ગયું છે.
‘મસાન’ તેની પહેલી ફિલ્મ. તેમાં તેણે સારો અભિનય કરી પોતાની નોંધ લેવડાવી. તે પછી ‘સંજુ’માં સંજય દત્તના હસમુખા દોસ્તના કારણે તે વધુ ચર્ચામાં આવ્યો. કમલેશ કન્હૈયાલાલ કપાસી ઉર્ફે કમલીના પાત્રમાં તેના અભિનયે લોકોમાં તે પ્રશંસાને પાત્ર બન્યો. આ ફિલ્મના લીધે હવે તેને મુખ્ય ધારાની ફિલ્મો મળવા લાગી.
‘મસાન’માં સૂકલકડી વિકી કૌશલ હવે તેની આગામી ફિલ્મ ‘ઉડી’માં મજબૂત બાંધાના સૈન્ય અધિકારીનું પાત્ર ભજવી રહ્યો છે. તમને થશે (થવું જ જોઈએ) કે સૂકલકડી દેખાવનો વિકી કૌશલ અચાનક મજબૂત બાંધાનો બન્યો કેવી રીતે?
વિકી કૌશલે આ ધરખમ ફેરફાર કર્યો પોતાના શરીરનું ૧૫ કિલો જેટલું વજન વધારીને. વર્ષ ૨૦૧૬માં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સરહદ પાર કરીને ત્રાસવાદીઓ પર આક્રમણ કરેલું અને ત્યાંની ચોકીઓ ધ્વસ્ત કરેલી તેના પરથી આ ફિલ્મ બની છે.
વિકી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર પોતાના વધેલા શરીરનો વિડિયો મૂક્યો છે. તે તેનો પગ સંપૂર્ણ ઉત્કૃષ્ટતા સાથે ઊંચો કરે છે. વિકીએ એક્ટૉમૉર્ફ પ્રકારનું શરીર બનાવ્યું છે અને તેણે સ્વીકાર્યું છે કે ૧૫ કિલો શરીર વધારવું એ તેના માટે સરળ કામ નહોતું.
પ્રશ્ન એ થાય કે આ વળી એક્ટૉમૉર્ફ કઈ બલા છે?
તો જવાબ એ છે કે એક્ટૉમૉર્ફ એ એવી વ્યક્તિ છે જે કુદરતી રીતે પાતળો છે પરંતુ તેને વજન વધારવું છે અને તે માટે તેને ખૂબ મોટી સંખ્યામાં કેલેરીની જરૂર છે. એક્ટૉમૉર્ફમાં માનવામાં ન આવે તે રીતની ઝડપી પાચનની ક્ષમતા હોય છે, તેથી તેમના માટે વજન વધારવું મુશ્કેલ હોય છે.
વિકીએ પોતાના આ પરિવર્તન અને ‘ઉડી’ માટે કઠિન કસરત વિશે આમ લખ્યું:
“Throwback to those late night training sessions for #UriTheSurgicalStrike … gaining 15kgs of muscle weight wasn’t an easy task for this ectomorph… a big shout out to my dear ‘jallaad’ trainer @rakeshudiyar and his team @amol_kyatam and Mangesh for constantly making me sweat, scream and cry so that I could reach my goals. #HowIsTheJosh”
અર્થાત્ “ઉડી ધ સર્જિકલ સ્ટ્રાઇક માટે ગત રાત્રે પ્રશિક્ષણ સત્રો કર્યા….આ એક્ટૉમૉર્ફ માટે ૧૫ કિલો વજન વધારવું સરળ નહોતું….હું મારા ધ્યેય સુધી પહોંચી શકું તે માટે મારી પાસે સતત પરસેવો પડાવ્યો, (કસરતના કારણે) હું બૂમો પાડી ઉઠતો અને રડી પણ પડતો તે માટે મારા પ્રિય ‘જલ્લાદ’ પ્રશિક્ષક રાકેશ ઉડિયાર અને તેમની ટીમના અમોલ ક્યાતમ અને મંગેશને અભિનંદન…”
‘સંજુ’ ફિલ્મના આ અભિનેતાને તેની ભૂમિકા માટે રાકેશ ઉડિયારે પ્રશિક્ષણ આપ્યું છે.
કેટલીક ટિપ:
૧. વધુ સૂવો: જ્યારે તમે તમારા શરીરને થોડોક આરામ આપો છો ત્યારે તમે ખરેખર તો તમામ પ્રશિક્ષણમાંથી બેઠા થતા હો છો અને તમારા સ્નાયુ પણ વિકસે છે. ૨. વધુ ખાવ: જો તમે પાતળા હો, તો તમારે તમારા શરીરને જોઈતું ઈંધણ પૂરું પાડવા થોડીથોડી વારે ખાવું જોઈએ. તમારા આહારમાં વધુ કેલેરી હોય તેવો ખોરાક હોવો જોઈએ અને તમારે દર થોડા કલાકે ખાવાની ટેવ પાડવી જોઈએ. ૩. સાચી કસરતો: સ્ક્વેટ, ડેડલિફ્ટ, શૉલ્ડર પ્રેસ, બેન્ચ પ્રેસ અને રૉ જેવી સાચી કસરત કરવાથી તમારા સ્નાયુ ઝડપથી બનશે. |
કોઈ કામ સરળ નથી હોતું. ચાહે તે વજન ઘટાડવાનું હોય કે વધારવાનું. વિકી કૌશલના આ કામથી તમને સમજાયું હશે કે અભિનેતા બનવું સરળ નથી હોતું. ક્યારેક વજન વધારવું પડે તો ક્યારેક ઘટાડવું પણ પડે. પરંતુ જો તમે એક્ટૉફૉર્મ પ્રકારના વ્યક્તિ હો તો તમને ઉપરોક્ત ટિપ ઉપયોગી નિવડશે તેવી જરૂર આશા છે.