ઉપવાસ શા માટે કરવા જોઈએ?

ધાર્મિક અર્થમાં તમે ગમે તે પદ્ધતિથી અથવા ગમે તે પ્રકારનો ખોરાક ખાઓ પણ તમારે ઉપવાસ શા માટે કરવો જોઈએ અને તે પણ શરીરશાસ્ત્રની દૃષ્ટિએ કેવી રીતે કરવો જોઈએ તે પણ જાણવું એટલું જ મહત્વનું છે. ખાસ કરીને, અત્યારે શ્રાવણ મહિનો શરૂ છે અને આપણે ત્યાં શ્રાવણ એ ઉપવાસનો મહિનો ગણાય છે ત્યારે આવો, એ જાણીએ કે આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસ શા માટે અને કઇ રીતે કરવા જોઇએ?

એક રીતે જોઈએ તો તમારા શરીરમાં જેટલા ટૉક્સિક પદાર્થો એટલે કે શરીરને અરુચિકર અથવા ન ગમે તેવા પદાર્થો હોય તે ચારથી પાંચ પ્રકારે તમારા શરીરમાં દાખલ થાય.

(૧)  તમે શ્વાસોચ્છ્વાસ લો છો ત્યારે તમારા શરીરમાં જાણે અજાણે તમારી મરજી હોય કે ના હોય હવામાં રહેલા બેક્ટિરિયા વાયરસ, ફૂગ, ધૂળ, ધુમાડો અને એલર્જી ઉત્પન્ન કરનારા પદાર્થો દાખલ થાય છે. બીડી કે સિગારેટ પીવાની ટેવથી પણ તમારા ફેફસાંમાં ખરાબ પદાર્થો દાખલ થાય છે.

(૨)  પાણી, ફળોના રસ, ચા, કોફી, કોલા, સૉફ્ટ ડ્રિક્સ, દૂધ, છાસ, દાળ, કઢી, મગનું પાણી, ઉકાળો અને મિલ્ક શેક્સ લો છો ત્યારે તેમાં પણ ભળેલાં શરીરને નુકસાન કરનારા પદાર્થો શરીરમાં દાખલ થાય છે.

(૩) ખોરાક વાટે તમે જે ખાઓ છો તે વનસ્પતિજન્ય બધા જ પ્રકારનાં શાકભાજી ફળ, સૂકો મેવો, અનાજ, કઠોળ, કંદમૂળ તેમાં ભળેલાં જંતુનાશક દ્રવ્યો જીવાત, તેને રાંધતી વખતે તેમાં ભળી જતી તમને નુકસાન કરનારી બધી જ વસ્તુઓ તેમજ બધા જ પ્રાણીજ પદાર્થો

(જો તમે માંસાહારી હો તો) જે તે પ્રાણીને લાગેલા રોગના જંતુઓવાળા હોય તે પણ તમારા શરીરમાં જાય છે. આમાં તમે કોઈ પણ રોગ માટે જે દવા લીધી હોય તે પણ ગણવાની અને જાણી જોઈને તમાકુ ખાવાની કે કેફી દ્રવ્યો (ડ્રગ્સ) લેવાની ટેવ હોય તેમાં પણ ઝેરી પદાર્થો આવે તે પણ ગણાય.

(૪) તમારી ચામડી મારફતે ઇન્જેકશન વાટે દાખલ થતી દવા, શરીરની ચામડીના સંપર્કમાં આવનારી દરેક વસ્તુને પણ ગણવાની.

(૫) તમારા શરીરમાં સામાન્ય રીતે લેવાતા ખોરાકનું વિભાજન કરીને લીવર સારા પદાર્થો પોતાની પાસે રાખે છે ખરાબ પદાર્થો બહાર કાઢી નાખે છે. જે બહાર કાઢી નાખવાના ખરાબ પદાર્થો હોય તેને ટૉક્સિક પદાર્થો કહેવાય.

તમારી ઑફિસ કે બિઝનેસ હોય અથવા તમે નોકરી કરતા હો જેમાં તમારી જવાબદારી વાળી જગા હોય ત્યારે ચઢી ગયેલું કામ ઘણી વાર તમે ઘેર લાવીને કરો છો જેને તમે ‘બેકલોગ’ કહો છો. જ્યારે તમારા શરીરમાં ઉપરની પાંચ રીતે દાખલ થયેલા પદાર્થો (ટૉક્સિક પદાર્થો) જેને તમે હોલીસ્ટીક મેડિસિનના મત પ્રમાણે ‘ફ્રી રેડિકલ’ તરીકે ઓળખી શકો તેનો ભરાવો થઈ જાય ત્યારે શરીરનો બેકલોગ’ વધી ગયો કહેવાય.

સામાન્ય સંજોગોમાં શરીર આવા ઉપર જણાવેલી રીતે દાખલ થયેલા ટૉક્સિક પદાર્થોને જે વાયુ રૂપે હોય તેને ફેફસાં મારફતે, જે પ્રવાહી(પાણી)માં ઓગળી શકે તેવાને કિડની મારફતે અને જે ઘન (સોલીડ) કચરા સ્વરૂપ હોય તેને આંતરડાના છેવટના ભાગ રેક્ટમ મારફતે કાઢી નાંખે છે. મનુષ્ય જન્મે ત્યાંથી મૃત્યુ સુધી આ ત્રણે અવયવ લિવરની આજ્ઞા પ્રમાણે સરસ રીતે કામ કરે છે. તમે કસરત અથવા થોડી શારીરિક પ્રવૃત્તિઓ કરતા હો, તમારી જીવન શૈલી પ્રમાણમાં વધારે ટેન્શન વાળી હોય નહી, ખોરાક પાણી અને હવામાં પ્રમાણમાં પ્રદૂષણ ઓછું હોય એ રીતે તમે ધ્યાન રાખતા હો તો મોટે ભાગે ‘બેકલોગ’ થાય નહીં.

તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે તમારું મગજ શાંત હોય. રાત્રે તમારી શારીરિક પ્રવૃત્તિ પણ કશી જ ના હોય અને રાત્રીના 10 થી સવારના 6 કે 7 વાગ્યા સુધી તમે કશું જમતા પણ ના હો તે વખતે તમારા શરીરમાં આખો દિવસની પ્રવૃત્તિ પછી વધેલી શક્તિ લિવરને અને તેની દોરવણી નીચે ચાલતા ફેફસાં, કિડની અને તમારા આંતરડાને મળે જેને લીધે આ બધા અવયવ મારફતે બધા જ ટૉક્સિક પદાર્થો બહાર નીકળી જાય. જ્યારે તમે પૂરેપૂરી નિદ્રા લઈને ઊઠો ત્યારે આને કારણે તમને તાજગીપણું લાગે. શરીરમાં એકઠા થયેલા પદાર્થો રોજરોજ નીકળી જાય માટે આ પ્રમાણે થાય. આનાથી વિરુદ્ધ રાત્રે તમે મોડા સુધી ઉજાગરા કરતા હોય, ખાવાપીવાના વધારે શોખીન હો અને ભૂલેચૂકે એવા વાતાવરણમાં રહેતા હો કે તમારા શરીરમાં ફેફસાં મારફતે વાતાવરણના પ્રદૂષણમાં રહેલા ખરાબ પદાર્થો પણ વધારે જતા હોય ત્યારે તમે અનુભવ કરશો કે તમે જ્યારે સવારે ઊઠશો ત્યારે તાજગી અનુભવવાને બદલે સુસ્તી લાગશે. આનું કારણ રાત્રીના આરામના સમયમાં શરીરનો કચરો કાઢી નાખનારા ત્રણે અંગને સાફસૂફીને પૂરતો સમય નથી મળતો અને વધારે કચરાનો ભરાવો (બેકલોગ) થઈ ગયો છે. આવા સંજોગોમાં તમારે ઉપવાસ કરવો જોઈએ.

તમે જ્યારે આખા દિવસ કે અર્ધા દિવસ માટે જમો નહીં ત્યારે તમારી હોજરીને પોતાના કાર્ય માટે શક્તિ ઓછી જોઈએ. પણ આટલું ધ્યાન રાખશો કે ઉપવાસ એટલે ફક્ત હોજરીને આરામ આપો તો શરીરની દૃષ્ટિએ આ વાત પૂરી થતી નથી તમારે મગજને અને શરીરના સ્નાયુ અને સાંધાઓને પણ આરામ આપવાનો છે તો જ શરીરમાં બચેલી શક્તિનો લિવર, ફેફસાં, કિડની અને આંતરડાનો ઉપયોગ કરીને જેટલો બને તેટલો વધારાનો ભરાઈ ગયેલો (બેકલોગ) કચરો એટલે ટૉક્સિક પદાર્થો બહાર કાઢી નાખશે. માટે જ તમારે ઉપવાસ કરતી વખતે શારીરિક રીતે ઘરમાં આરામ કરવાનો અને માનસિક રીતે પણ ટેન્શન રાખવાનું નહીં. તો જ ખરો ઉપવાસ કર્યો કહેવાય.

 

તમને ખબર નહીં હોય પણ બજારમાં બાવીસ જાતની ફરાળી વાનગીઓ મળે છે. ઘરમાં પણ તમે મોરૈયો, કઢી, રાજગરાના લોટની પૂરી અને સુરણ – બટાકા – શક્કરિયા – રતાળુ વગેરે ફરાળી વાનગી તરીકે તમે ખાઓ છો. રોજની કૅલરીની જરૂરતથી પણ આવા ફરાળ કે ખાઓ ત્યારે વધારે કૅલરી લો છો એનો જો તમને ખ્યાલ ન હોય તો એટલું જાણશો કે આને ઉપવાસ ન કહેવાય, આનાથી તો વજન વધે અને બેકલોગ પણ વધે.

ડાયેટિંગના ઉપવાસની વાત પણ યાદ રાખશો. આંધળુકિયા કરીને ખોરાક ૯૦૦ કૅલરીથી ઓછો કદાપિ ના લેશો. શરીરને નુકસાન થશે. અને ‘એનોરેક્ષીઆ નર્વોઝા’ નામનો રોગ થવાનો ભય પણ રહેશે. શરીરમાંથી વધી ગયેલો કચરો કાઢવાનો હોય ત્યારે અથવા વજન ઓછું કરવાનું હોય ત્યારે શરીરને ઉપવાસની ધીરે ધીરે ટેવ પાડશો. શરીરના ઠેકાણા ના હોય ખાધા વગર ચાલતું ના હોય, વજન વધારે હોય, ઉંમર વધારે હોય, શરીરમાં કોઈક રોગ હોય અને કસરત કરવાનો કંટાળો આવતો હોય કે કરતા જ ના હોય ત્યારે ઉપવાસ ભલેને ધાર્મિક માન્યતા અનુસાર હોય પણ ઓચિંતાનો શરૂ કરશો તો તમને ચોક્કસ નુકસાન થશે. ઉપવાસ કરવાની મઝા એ છે કે તે જ દિવસે ખાવાનું વધારે મન થાય છે.

શરીરમાં ટૉક્સિક પદાર્થો ભરાઈ જાય ત્યારે તમને અનેક પ્રકારના લક્ષણો થશે. કોઈ પણ કારણ વગર બેચેની અને ગભરામણ થાય. સુસ્તી બહુ લાગે. કશું ગમે નહીં. શરીરના ગમે તે ભાગમાં દુખાવો થાય, આંખો બળે, ખાવાનું મન ન થાય, કબજિયાત થાય, શરીર ગરમ લાગે, અશક્તિ પણ લાગે, તાવ પણ આવે, ખાવાનું ભાવે નહીં. ટૂંકમાં કાંઈ ખબર ના પડે આ ટૉક્સિક પદાર્થો એટલે કે ફ્રી રેડિકલને શરીરની બહાર જલદી કાઢી નાખવામાં ના આવે તો તમને ડાયાબિટીસ બી.પી., સ્ટ્રોક, હાર્ટઍટેક અને કૅન્સર જેવા દર્દો થઈ શકે. કાને સંભળાય પણ નહિ, ચામડી ઉપર કરચલી પણ પડી જાય. ટૂંકમાં ઘણી તકલીફો થાય.

આવું બધું ના થાય માટે તમારે ઉપવાસ કરવાનો છે અને આવા ઉપવાસ કરતી વખતે પહેલા સમજાવેલા નિયમો ધ્યાનમાં રાખીને ઉપવાસ કરવાના છે. ઉપવાસથી શરીરને આરામ મળશે. મન શાંત થશે અને કચરો નીકળી જવાથી તમારું શરીર સુસ્ત રહેશે મન આનંદમાં રહેશે અને આયુષ્ય લાંબું થશે. ઉપવાસ કરો ધ્યાન રાખીને કરો અને લાંબું જીવો.

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)