તમે Mobile/ YouTube/ WhatsApp/ TV ઉપર કબજિયાતના ઉપાય તરીકેની અનેક જુલાબની દવાઓ અને ફાઇબર સપ્લીમેન્ટ લેવાની ચિત્રવિચિત્ર પ્રકારની જાહેરાતો જોઈને આજ સુધીમાં કબજિયાતને મહારોગનું નામ આપી દીધું જ હશે, પણ આટલું યાદ રાખો કે કબજિયાતનો અર્થ ગમે ત્યારે સંડાસ જવું પડે અને મુશ્કેલીથી જોર કરીને સખત અને સુકાઈ ગયેલા મળને 15થી 30 મિનિટ સુધી ટોઇલેટ બેઠા પછી શરીરની બહારા કાઢી નાંખવાની ક્રિયા છે, જેમાં મળદ્વારની ચામડી ઘસાવાને કારણે કોઈ વાર લોહી નીકળે. લાંબો વખત આવી અકુદરતી પરિસ્થિતિ રહે તો હરસ, મસા અને ભગંદર થાય, વારેવારે પેટ ભારે લાગે અને દુર્ગંધ મારતો વાયુ નીકળ્યા જ કરે. પેટમાં દુ:ખે, આંકડી પણ આવે, અકળામણ થાય, જમો ત્યારે પરાણે જમતા હો તેવી લાગણી થાય. આવું વધારે વખત રહે તો કબજિયાતની ચિંતા થાય, જેની લીધે કોઈક વાર ડિપ્રેશન પણ આવી જાય.
આમ જુઓ તો મળત્યાગ કરવાની ક્રિયા ઘણી સરળ છે. જ્યારે હાજત થાય ત્યારે આંતરડાં આ પ્રકારનું સિગ્નલ (સૂચના) તમારા મગજને મોકલે છે, તમે જાણેઅજાણે આ સિગ્નલને ગણતરીમાં લેતા નથી. છાપું વાંચવાનું, કોઈની સાથે ગપ્પાં મારવાનું અને બીજાં ઘણાં તમારી દૃષ્ટિએ અગત્યનાં કામ તમારી પાસે છે. જેમાં શરીરની દૃષ્ટિએ આ ખૂબ અગત્યનું કામ મળત્યાગ કરવાનું તમે કરતા નથી. શરીરનાં બધાં કામ ઘડિયાળને કાંટે કરવાં જોઈએ તેની સદંતર ઘોર ઉપેક્ષા કરો છો. પરિણામ તમારે જ ભોગવવાં પડે છે. મળ મોટા આંતરડામાં પડી રહેવાથી તેમાંથી પાણી મોટું આંતરડું ખેંચી લે છે પરિણામે તે સુકાઈ સખત થાય છે અને નીકળતાં વાર લાગે છે અને કબજિયાત થાય છે.
કબજિયાતના અગત્યના કારણ સિવાય બીજાં પણ કારણો છે. તમારા ખોરાકમાં 25થી 30 ગ્રામ ફાઇબર (રેસાવાળા પદાર્થ) હોવા જોઈએ જે તમે લેતા નથી. કાચા શાકભાજી, ફણગાવેલાં કઠોળ, તાજાં ફળો લેવાની ટેવ રાખો તો કબજિયાત થશે નહિ. પાણી ઓછું પીતા હો (ચાર ગ્લાસથી ઓછું) તોપણ કબજિયાત થશે, તમારી મોટી ઉંમર હોય, સિગારેટ-તમાકુ લેવાની ટેવ હોય, વજન વધારે હોય, દવાની આડઅસર હોય, માનસિક તનાવ હોય, સેન્સિટિવ સ્વભાવ હોય ત્યારે પણ કબજિયાત થાય. આંતરડાનું કૅન્સર હોય અથવા આંતરડાના બીજા કોઈ સામાન્ય રોગ હોય ત્યારે અને યુવાનીમાં જ જુદા જુદા પ્રકારની પેટ સાફ કરવાની અને જુલાબની દવાઓ લેવાની ટેવ હોય ત્યારે પણ કબજિયાત થાય જ, એમાં શંકા નથી.
કબજિયાતનું નિદાન કેવી રીતે થાય?
આમ તો કબજિયાતને ડોક્ટરો રોગ ગણાવતા નથી એટલે તેની દવા વડે સારવાર પણ નથી પણ આને લીધે થનારા Complicationના ડરથી નિદાન કરવાનું નક્કી કરે છે. લોહીની તપાસ, ઝાડાની તપાસ અને Colonoscopy/ સીગ્મોઈડોસ્કોપીની તપાસથી બીજા કોઈ રોગ છે કે નહિ એ નક્કી કર્યા પછી તમારી હાજતની ટેવ વિશે પૂછીને સારવાર કરે છે. ખાસ તપાસ આંતરડાના કૅન્સર માટે, હરસ, મસા અને ભગંદર માટે કરવી પડે છે. એક્સ-રે સોનાગ્રાફી પણ કરવી પડે. આ બધું તો ઠીક પણ કબજિયાતની સાચી સારવાર જીવનશૈલીનો ફેરફાર કરવાની છે.
જીવનશૈલીનો ફેરફાર એટલે શું?
1. હાજતનો સમય ચોક્કસ પાળો: ચોક્કસ ટાઇમે તમને ભૂખ લાગે છે અને તમે જમો છો તે જ રીતે જ્યારે હાજત થાય ત્યારે તેનો સમય પાળો. ટોઇલેટને લાઇબ્રેરી કદાપિ ન બનાવો, ટેવ પાડશો તો પાંચ મિનિટમાં પેટ સાફ થઈ જશે.
2. તમને ગમે તે કસરત કરો: થોડા પ્રવૃત્તિશીલ રહો. આળસુ બેસી રહેશો તો વજન વધશે અને વજન વધશે તો કસરત નહીં કરી શકો. આ વિષચક્ર તોડો.
3. જુલાબ લેવાની ટેવ ગમે તેવી જૂની હોય તો તાત્કાલિક છોડી દો: આ ટેવ સિગારેટ-તમાકુ જેવી છે. બે—ચાર દિવસ જરૂર લાગે તો ઇસબગુલ લો, પણ Self Medication- જુલાબની દવાઓ તો લેવાની બંધ કરવી જ પડશે. નહીં તો લાંબેગાળે મોટા આંતરડાના રોગ, સંગ્રહણી, ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (આઈ. બી. એસ.) થઈ જશે. એનીમા લેવાની ટેવ પણ છોડવી પડશે. ઈસબગુલ લેવાની રીત પણ જાણી લો. એક ગ્લાસ ગરમ પાણી કે દૂધમાં ત્રણથી ચાર ચમચી ઈસબગુલ નાંખી 15થી 20 મિનિટ રાખી મૂકો. જ્યારે સુંવાળા ફાલુદા જેવું થઈ જાય ત્યારે સવારથી સાંજ સુધી એક એક ચમચી દર બે કલાકે લઈ તે પૂરું કરો. જરૂર લાગે તો આ ગ્લાસમાં કોઈ પણ ફળ, સૂકોમેવો નાંખી શકો છો. આવું ચારેક દિવસ ઈસબગુલ લો.
દરમિયાન પહેલા જણાવ્યા તેવા ફાઇબરવાળા પદાર્થો લો. પેટ સાફ આવશે. કબજિયાત થશે નહિ. કબજિયાતની ચિંતા અને ટેન્શન નહિ થાય.
4. પાણી વધારે પીઓ : ધીરે ધીરે વધારીને સવારે ઊઠી અને તરત ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો અને આખા દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીઓ. તાંબાનો લોટો, પિત્તળનો લોટો, થર્મોસ કે બોટલનું પાણી ગમે તે ચાલશે. પાણીમાં ગજબની તાકાત છે. શરીરનો બધો કચરો જલદીથી અને સંપૂર્ણ રીતે નીકળી જાય માટે પૂરતું પાણી પીઓ. મળને નરમ રાખશે. પેટ સાફ રાખવામાં અને કબજિયાત નહિ થવામાં મદદ કરશે. ગરમ કે ઠંડુ જે ફાવે તે લઈ શકો છો.
5. વ્યસનોથી દૂર રહો: ગુટકા, સિગારેટ, દાંતે લગાડવાની પેસ્ટ દ્વારા તમાકુની ટેવ ન પાડો. તેમાં નિકોટીન આવે છે નસો નબળી પડી જશે. વધારે પડતી ચા, કૉફી, ચૉકલેટ અને કોલા આ બધામાં કેફીન આવે છે. આ પીણાં બે વખત સુધી બરાબર છે. વધારે વખત લેવાથી હેરાન થશો. દારૂની ટેવ પણ ખોટી છે. તેનાથી લિવર ખરાબ થશે. પાચનક્રિયામાં વાંધો આવશે.
6. માનસિક તનાવ દૂર કરવા પ્રયત્ન કરો : મેડિટેશન, રિલેક્ષેશન અને આસનોથી માનસિક તનાવ દૂર કરવા પ્રયત્ન કરો, વર્તમાનમાં જીવો, અહંકારને છોડો, આયોજનવાળી જિંદગી જીવો, ગુસ્સો, નારાજગી, અફસોસ અને વાતવાતમાં જૂઠું બોલવાની ટેવ અને ખોટું લગાડવાની ટેવ છોડી દો. વર્તમાનમાં જીવો. અપેક્ષાની જિંદગી છોડી દો. ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા ન કરો. તનાવ દૂર થશે. કબજિયાત દૂર થશે.
7. કબજિયાત દૂર કરવાનો નવો રસ્તો: રોજ 100 ગ્રામ જેટલી કાળી દ્રાક્ષ ખાઈ જાઓ (રસ નહિ), અથવા રાત્રે સૂતી વખતે ગરમ દૂધ (200 મિલી.) માં ચારથી છ અંજીર અથવા ખજૂર નાંખી અને રાત્રે સૂતી વખતે પી જાઓ. મૂળ વાત ફાઇબર લેવાની છે. ફાઇબરથી કબજિયાત જતી રહેશે.
8. દવાની આડઅસરથી થતી કબજિયાત માટે દવા બંધ કરો: (ઉઘરસની દવા (કોડીન) અને ડિપ્રેશનની દવાથી થનારી કબજિયાત માટે દવા બદલો. આ જ રીતે, એન્ટિએનીમિક દવાઓ (આયર્ન પ્રેપરેશન્સ) મેલેરિયાની દવા, વાની દવા અને એન્ટિબાયોટીકથી થનારી કબજિયાત માટે કાં તો દવા બંધ કરો અથવા ડોક્ટરની પાસે બીજી આડઅસર વગરની દવા લો.
9. નાનાં બાળકોની કબજિયાત માટેના ઉપાય: તમે જે ઉપાય તમારી કબજિયાતને દૂર કરવા અમલમાં મૂક્યા તે બધા જ તમારાં બાળકો અમલમાં મૂકે તેમ કરો. ફાઇબરવાળો ખોરક અને કસરત કે રમતગમતમાં ભાગ લેવા કહેશો.
(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)