પાણીને જીવનજળ કહ્યું છે. આપણા શરીરમાં ૬૨થી ૬૫ ટકા પાણી હોય છે. સામાન્ય વ્યક્તિને પાણી વગર પાંચ દિવસથી વધારે ચાલે નહીં. તમારે બેથી અઢી લિટર પાણી પીવું જોઈએ. બેથી અઢી લિટરમાં પાણી સાથે પીણાં પણ ગણાય તો સવાલ એવો થાય કે પીણાં તો ઘણાં જ છે. પણ આ પીણાંમાં સારા કયા અને ખરાબ એટલે નુકસાનકારક કયા? પહેલાં આપણે કેટલાં પીણાં (પાણી હોય તેવા પ્રવાહી) પીએ છીએ તેની વિગત જોઈએ.
ઉનાળામાં, તમારે હીટ સ્ટ્રોકથી બચવા માટે તમારા શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખવું જોઈએ.
|
યાદ રાખો કે પાણીથી માંડીને લસ્સી સુધીના કોઈપણ પીણાં સારા કે ખરાબ કહેવા માટે તેના ગુણદોષ જાણવા જોઈએ.
- દરેક પીણું ચોખ્ખું હોવું જોઈએ:
પાણી અને તેમાંથી બનાવેલાં બધાં જ પીણાં જંતુમુક્ત – (બૅક્ટિરિયા-વાયરસ- એલર્જન-ફુગ પેરેસાઈટ કૃમી વગેરે) હોવા જોઈએ.
પાણીને પીણું બનાવતા પહેલા પાણીને ઉકાળીને, ગાળીને એકવાગાર્ડમાં પસાર કરીને ચોખ્ખું બનાવવું જોઈએ. આમ જો ના થાય તો આ પાણી કે પીણું પીવાથી મરડો, ઝાડા, ટાઇફોઈડ, કૉલેરા, કૃમિના રોગો થાય.
ઘરમાં તો ચોખ્ખું શુદ્ધ પાણી પીવાની વ્યવસ્થા તમે કરી હોય પણ જ્યારે બહાર કોઈ પણ પીણા બનાવેલા હોય તેમાં જે પાણી નાખ્યું હોય એની શુદ્ધતા વિષે ખાતરી ના હોય તો એવાં પીણાં પીવાનું ટાળજો. પીધા વગર ના રહેવાય તો પેટના રોગોથી પીડાવાની તૈયારી રાખશો.
2. ખૂબ ખાંડ નાખેલી હોય તેવાં પીણાં ના પીશો:
ખાંડમાં ફક્ત કૅલરી હોય પણ તેમાં પોષકતત્ત્વના નામે મીંડું. એક ગ્રામ ખાંડમાં પાંચ કૅલરી અને એક ચમચીમાં પાંચ ગ્રામ ખાંડ હોય એટલે કે એક ચમચી ખાંડની ૨૫ કૅલરી ગણાય. જેટલી વધારે કૅલરી તમારા શરીરમાં જાય એટલું તમારું વજન વધે.
‘વધારે વજન એટલે રોગને આમંત્રણ’ એ ન્યાયે ઢીંચણના સાંધાનો વા, બી.પી. ડાયાબિટીસ, સ્ટ્રોક અને હાર્ટએટેક આ બધા રોગો કૅલરી વધે તેવા ખાંડવાળા બધાં જ પીણાં વધારે પીવાની ટેવથી થઈ શકે. આવાં પીણાંમાં બધાં જ શરબતો, ચા, કૉફી, ચૉકલેટ, કોકો, દૂધ, છાસ, Soft drinks વગેરેનો સમાવેશ થાય છે.
3. કેફીન આવે તેવાં પીણાં ના લેશો:
કોકોકોલા, ચૉકલેટ, ચા અને કૉફી આ બધામાં કેફીન છે, જેનાથી ટેવ પડે છે, વધારે પીવાનું મન થાય છે. કારણ તાત્કાલિક સ્ફૂર્તિ આવે છે. પણ શરીરમાં ૬૦ મી. ગ્રામથી વધારે કેફીન લેશો તો લિવર ખરાબ થશે. ૨૦૦ મી. ગ્રામથી વધારે એકસાથે લેવામાં હાર્ટએટેક આવશે.
ગર્ભવતી સ્ત્રી ૭૦ મી. ગ્રામથી વધારે કેફીન લે તો બાળક ખોડવાળું આવી શકે. ૧૦૦ મી. ગ્રામ જેટલું કેફીન રોજ લેવામાં આવે તો એસિડિટી, અલ્સર અને હાર્ટબર્ન અચૂક થશે. ૫૦ મી. ગ્રામ જેટલું કેફીન લેવાથી તમને તાવ આવશે અને તાવ ઉતારવા મેટાસિન કે ઍસ્પિરિન આપશો તોપણ કેફીનને લીધે તાવ જલદી નહીં ઊતરે.
વધારે કેફીનથી માથું પણ દુખે અને વધારે કેફીનથી (૧૦૦૦ મી. ગ્રામથી વધારે) શરીરમાં ધ્રુજારી થાય, બાથરૂમ વધારે જવું પડે. શ્વાસ ચઢે, માથું દુખે, હૃદયના ધબકારા અનિયમિત થાય. એક કપ ચામાં કેફીનનું પ્રમાણ ૨૦ મી. ગ્રામ, કૉફીના કપમાં ઇન્સ્ટન્ટ કૉફીમાં ૬૦ મી. ગ્રામ, બુકોફીમાં ૮૪ મી. ગ્રામ, એક કોકોકોલામાં ૪૦ મી. ગ્રામ, ચૉકલેટાલિક્વીડ)માં ૪૦ મી. ગ્રામ કેફીન હોય. બને ત્યાં સુધી ૫૦ થી ૬૦ મી. ગ્રામ કેફીનથી વધારે લેશો નહીં.
4. ક્રિમ એટલે કે ચરબી વધારે હોય તેવાં પીણાં પણ પ્રમાણસર લો:
જ્યારે તમે દૂધવાળી ચા, કૉફી, કોલ્ડકોફી, લસ્સી, ક્રિમવાળું દૂધ, વધારે ચરબી વાળો દૂધપાક, મિલ્ક શેક, બાસુંદી, ખીર, દૂધપૌવા વગેરે લો છો ત્યારે ચરબી તો વધારે લો છો જ પણ ખાંડ પણ લો છો.
વધારે ચરબીવાળા પીણાથી તમારા શરીરમાં કૉલેસ્ટ્રોલ વધશે પરિણામે હાર્ટએટેક અને બી.પી. બંને થવાની શક્યતા વધી જશે. ચરબીવાળા ખોરાકથી વજન પણ વધશે અને પહેલાં જણાવેલી ઘણી તકલીફો થશે. આ કારણથી રોજ આવાં પીણાં લેવાનું ટાળશો. રોગ થતા અટકશે.
5. તાજાં ફળોના રસ લેવા પડે:
તાજાં ફળોની છાલ જ્યાં કાઢી નાખવાની હોય ત્યાં છાલ વગર અને જ્યાં છાલ કાઢવાની ના હોય ત્યાં હોલ ફ્રુટનો રસ (ગર્ભ પલ્પ સાથે) કાઢીને સવાર સાંજ લેવો જોઈએ.
શરીરમાં લોહી બનાવવા, એન્ઝાઈમ, હોર્મોન અને ન્યુરો ટ્રાન્સ્કીટર્સ બનાવવા માટે ખૂબ વિટામિન અને મિનરલ્સ જોઈએ જે ફ્રુટ જ્યુસમાંથી ખૂબ મળે. ફળના ગર્ભ(પલ્પ)માં ખૂબ ફાઇબર હોય જેથી કબજિયાત ના થાય, જેથી હરસ ભગંદર થતા અટકે.
ફળોના રસમાં ખાંડ ‘કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ’ના સ્વરૂપે હોય જેથી ડાયાબિટીસ ના થાય. હોય તો વધે નહીં.
ફાઇબરનો એક વિશેષ ફાયદો શરીરમાં ખોરાક લીધો હોય તેના સ્ટાર્ચ અને ચરબી જે આંતરડામાં જલદી પાચન ન થવાથી ચોંટી ગયા હોય તે ફાઈબરથી દૂર થાય, જેથી વજન ઓછું થાય અને હાર્ટઍટેક ના આવે.
6. કાચા શાકભાજીના રસ લેવા જોઈએ:
તાજા ફળોના રસની માફક તાજાં શાકભાજીના રસ પણ લેવાથી શરીરને જોઈતા આયર્ન, કોબાલ્ટ, મૈંગેનીઝ, વિટામિન ‘બી’ કૉમ્પ્લેક્ષ, વિટામિન ‘સી’ વગેરે ખૂબ પ્રમાણમાં મળે છે અને ઉપરના બધા જ ફાયદા થાય છે.
7. બધા જ પ્રકારના કઠોળની પ્રવાહી દાળ (મગ, અડદ, ચણા વગેરે) લેવી જ જોઈએ:
આપણા શરીરને જરૂરી બધા જ પ્રોટીન આ બધા કઠોળમાંથી મળે છે. શરીરના દરેક અંગોની વૃદ્ધિમાં અને રિપેરીંગમાં આ પ્રોટીન ખૂબ મદદ કરે છે. તેનાથી ગમે તેવી ભૂખ લાગી હોય તોપણ જલદીથી પેટ ભરાઈ જાય છે તેથી વજન કાબૂમાં રહે છે. વિશેષમાં કઠોળમાં રહેલા ફાઈબર્સથી પણ પેટ સાફ રહે છે. વજન ઓછું થાય છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
8. ફક્ત અર્ક (એસેન્સ) નાખેલા શરબતો લેવા જોઈએ નહીં:
આ બધા જ શરબતોમાં ન્યુટ્રિશનની રીતે કાંઈ ના હોય, ખાંડ વધારે હોય અથવા સેકેરિન હોય. આ બંને વસ્તુ તમને નુકસાન જ કરે. ડાયાબિટીસ થવાના ચાન્સ વધે. સૅકેરિનથી સ્વાદ તો બગડે જ પણ તમને કૅન્સર થવાના ચાન્સ વધી જાય.
9. શાકભાજીના / ટમેટાના સૂપ:
હોટેલમાં કે પાર્ટીમાં સૂપ બને ત્યાં સુધી ના લેવાય તો સારું. ઘરમાં બનાવેલ સૂપ જ પીઓ. ભૂખ ઓછી લાગશે. વજન ઓછું થશે.
10. તેલ, ઘી, માખણ વગેરે પ્રમાણસર લેવાના છે :
૩૦થી ૪૦ ગ્રામ (ત્રણથી ચાર ચમચી) તો કોલેસ્ટ્રોલ વધશે નહીં. ખાસ ધ્યાન રાખો કે તમારા શરીરનું વજન ઘી-તેલ અને તેમની બનાવટોથી જ વધે છે.
11. છેલ્લી વાત રહી આલ્કોહૉલની—જે કદાપિ ના લેવાય:
આલ્કોહૉલથી ટેવ પડે, વજન વધે, લિવર ખરાબ થાય. ગોલ બ્લેડર અને પેન્ક્રિયાસના કેન્સર થવાના ચાન્સ વધે. રોજના બે પેગના મર્યાદામાં આલ્કોહૉલ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય તેવો રિપોર્ટ છે, પણ આવો પ્રયોગ કરવાની જરૂર નથી.
પાણી અને પીણાંની પસંદગીના ઉપરના બધા જ પોઇન્ટસ નક્કી કરી પીણાં ને પાણી લેશો, જેથી શરીરની સુખાકારી જળવાઈ રહે, લાંબું જીવાય અને તંદુરસ્ત રહેવાય.
(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)