બિહારમાં ‘ચમકી’ તાવથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ બાળકોનાં મૃત્યુ થઈ ગયાં છે. તેમાં માત્ર મુઝફ્ફરપુરમાં જ સોથી વધુ બાળકો મૃત્યુને ભેટ્યાં છે. કિસ્સાની ગંભીરતા જોઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન, સ્વાસ્થ્ય પ્રધાન અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર મુઝફ્ફરપુરની હૉસ્પિટલમાં મુલાકાતે જઈ આવ્યા. આવો જાણીએ આ તાવ ‘ચમકી’ આખરે છે શું?
આ તાવને અંગ્રેજીમાં એક્યુટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમ કહે છે. ગુજરાતીમાં આપણે તેને ‘મગજનો તાવ’ કહીએ છીએ. આ બીમારીનાં મોટાં કારણોમાં આકરી ગરમી, કુપોષણ અને જાગૃતિનો અભાવ છે. આ બીમારીની સારવાર માટે લોકોને ઉચિત સંસાધનો ન મળવાના કારણે પણ આ સમસ્યા વધુ વકરી છે.
બિહારના મુઝફ્ફરપુરમાં આ ‘ચમકી’ તાવનો કિસ્સો બે દાયકા પહેલાં ૧૯૯૫માં પહેલી વાર પ્રકાશમાં આવ્યો હતો. તેની સૌથી વધુ અસર બાળકો અને તરુણોને વધુ થાય છે.
આ તાવ શરીરના ચેતાતંત્ર (નવર્સસિસ્ટમ) પર સીધી અસર કરે છે. ખૂબ જ તાવ સાથએ તેની શરૂઆત થાય છે. તે પછી આ તાવ શરીરના ચેતાતંત્ર પર અસર કરવા લાગે છે જેનાથી શરીરમાં તરફડાટ અને માનસિક અસંતુલનની સ્થિતિ પણ બની જાય છે. આ બીમારી સામાન્યત: ચોમાસાના સમયમાં (જૂનથી ઑક્ટોબર)ના સમય દરમિયાન થાય છે. જોકે, એપ્રિલ અને જૂનના મહિનામાં પણ તે જોવા મળે છે.
એક્યુટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમ ખૂબ જ ગરમી અને કુપોષણથી પીડાતાં બાળકોમાં ઝડપથી ફેલાય છે. આ બીમારીના વિશે લોકોમાં જાગૃતિનો પણ ઘણો અભાવ છે. જોકે બિહારમાં સ્વાસ્થ્ય પ્રધાન મંગળ પાંડેનું કહેવું છે કે એક્યુટ ઇન્સેફેલાઇટિસ અંગે મુઝફ્ફરપુર અને તેની આસપાસના જિલ્લાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
નિષ્ણાતોના માનવા મુજબ, અત્યધિક ગરમીમાં જો બાળકોને આંખીબાંયના કપડાં પહેરાવવામાં આવે અને તડકામાં બહાર નીકળવાની મનાઈ કરવામાં આવે તો તે થવાની સંભાવના ઓછી થઈ જાય છે. પરંતુ બાળકોને તડકામાં રમતારોકવાઅઘરા છે કારણકે ઉનાળામાં જ તેમને શાળાકીય રજાઓ હોય છે અને ત્યારે જ તેમને રમવાની વધુ ઈચ્છા થાય.
ડૉક્ટરોનું કહેવું છે કે એક્યુટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમ (AES) શબ્દથી પણ સંતુષ્ટ થઈ જવાની જરૂર નથી. તાલીમ નહીં પામેલા આરોગ્ય કાર્યકરો તરફડાટ, બેભાન થઈ જવા અંગે ઘણી વાર એઇસી શબ્દ વાપરતા હોય છે. પરંતુ તેના ચોક્કસ પ્રકારને પકડવો જરૂરી છે. તે ઇન્સેફેલાઇટિસ (વાઇરસ જેના કારણે મગજમાં બળતરા ઉત્પન્ન થાય છે) છે કે પછી મેનિન્જાઇટિસ (મગજ અને કરોડરજ્જુને આવરતી સંરક્ષણાત્મક પેશીઓમાં સોજો), એન્સેફેલોપથી (મગજના કામ કે તેના માળખાને બદલી નાખતા મગજના કોઈ પણ રોગ માટે વપરાતો બહોળો શબ્દ), સેરેબ્રલ મેલેરિયા (મેલેરિયાના ચેપથી થતી ચેતાતંત્રની ભારે જટિલતા) છે તે જોવું જોઈએ.
મુઝફ્ફરપુરના તાવ વિશે બે વિચાર ચાલી રહ્યા છે. કોઈ કહે છે કે આ ગરમીના મારના લીધે છે અને કોઈ કહે છે કે સ્થાનિક ફળ લીચીના કારણે છે. નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ (એનસીડીસી), નવી દિલ્હી અને સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ (સીડીસી), એટલાન્ટા (યુએસએ)ના નિષ્ણાતોએ આના પર અભ્યાસ કરેલો છે. તેમાં ડૉ. વીપીન વશિષ્ઠ પણ જોડાયેલા હતા. તેમનું કહેવું છે કે “લીચીનું ઝેર હોય કે કોઈ મિશ્ર બીમારીઓ, મૃત્યુને લીચીના ઉછેર સાથે મજબૂત સંબંધ છે.” આ બંને નિષ્ણાતોની ટીમોએ સરકારને જે રિપૉર્ટ આપ્યો છે તેના કારણે વર્ષ ૨૦૧૪ પછીથી એઇસીના કેસોમાં ઘટાડો થયો છે.
ઇન્ડિયન એસોસિએશન ઑફ પીડિયાટ્રિક્સ (આઈએપી)ના ડૉ. ટી. જે. જૉન, કે જે આ રોગચાળાને ઓળખવાની ટીમના હિસ્સા હતા, તેમણે કહ્યું છે કે જે કુપોષિત બાળકોએ લીચી ખાધી અને પછી જમ્યા વગર સૂઈ ગયા તેઓ ચોમાસા પહેલાંની ઋતુમાં સવારે ચારથી સાત વચ્ચે બીમાર પડી ગયાં. આ અભ્યાસે ભૂખ્યાં સૂઈ ગયેલાં બાળકોમાં સર્કરાનું સ્તર પણ ઓછું હોવાનું જાણ્યું હતું. ઉપરાંત તેમનામાં મિથેલિન સાઇક્લો પ્રૉપાઇલગ્લાઇસિન મળી આવ્યું હતું. તે એક ઝેરી રસાયણ છે જે લીચીમાં મળી આવે છે અને તે મગજને અસર કરે છે.
જોકે શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાંથી સો જેટલાં બાળકોને સાજાં કરાઈ તેમને રજા આપી દેવાઈ છે. આ હૉસ્પિટલના ડૉ. ગોપાલ શંકરનું કહેવું છે કે લીચી કરતાં ગરમીના પ્રકોપના કારણે બાળકોને અસર થઈ છે. અમુક વર્ષોમાં આ પ્રકારના કેસો નહોતા ત્યારે કંઈ બાળકોએ લીચી ખાવાનું બંધ નહોતું કર્યું. બીજી બધી જગ્યાએ દિવસે ગરમી અને ભેજ હોય છે પણ રાત્રે ઠંડક થઈ જાય છે. મુઝફ્ફરપુરમાં રાત્રે ભેજ વધી જાય છે, જેના લીધે દિવસ કરતાં પણ રાત આકરી નીવડે છે. આનો ઉપાય વરસાદ જ છે.