ખોટા આહારવિહારના કારણે ઘણા લોકોને પેટની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તેનાથી આરામ મેળવવા લોકો ડૉક્ટર પાસે દોડી જતા હોય છે. જો સમયસર તેનો ઉપાય કરવામાં ન આવે તો આ તકલીફ ઘર કરી જવાની સંભાવના રહે છે. આવામાં વાયુનો ઈલાજ કરવા માટે ઘર પર જ તમને કેટલીક દવાઓ મળી જાય તો?
જી હા. તમારા ઘરે વાયુની તકલીફની દવા છે, પરંતુ તમને તેની ખબર જ નથી. તમારા રસોડામાં જ આ દવાઓ રહેલી છે. આવો તેની વાત કરીએ.
ધાણાભાજી
ધાણાભાજીને ‘વંડર સ્પાઇસ’ પણ કહેવાય છે. ધાણાભાજીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવામાં થાય છે. પરંતુ તેની પાછળ ખરું કારણ આરોગ્યનું છે અને એટલે જ આપણા પૂર્વજોએ તેનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી ભોજનમાં કર્યો. ધાણાભાજી પેટની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તે માટે એક ચમચી ધાણાભાજીનું ચૂર્ણ ગરમ પાણીમાં મેળવીને લો. તમે ઈચ્છો તો તેમાં મધ પણ નાખી શકો છો.
આદુ
ગેસની સમસ્યામાંથી રાહત મેળવવા આદુ લો. તે માટે આદુ, વરિયાળી અને એલચીને સમપ્રમાણમાં લ્યો અને પાણીમાં ભેળવી દો. તેમાં એક ચપટી હિંગ પણ નાખો. દિવસમાં એક કે બે વાર પીવાથી તમને પેટમાં આરામ મળશે.
લીંબુ અને બેકિંગ સોડા
લીંબુની સોડા જેઠાલાલ અને ગોકુલધામવાળા રોજ પીવા જાય છે. તમે પણ પીતા હશો. પરંતુ સ્વાદ માટે પીવી અને આરોગ્ય માટે પીવી તેમાં ફેર છે. જ્યારે તમને પેટની તકલીફ થશે ત્યારે તમે સોડાની દુકાને દોડી જશો? કદાચ તમારે જવું હશે તો પણ પેટની તકલીફના કારણે ઘરની બહાર નીકળવાની તમારામાં ત્રેવડ નહીં હોય. ઘરે પણ તમે સોડા બનાવી શકો છો. લીંબુ, મરી, સંચળ અને બેકિંગ સોડા અથવા ઇનો દ્વારા. તમને લીંબુ સોડાનો સ્વાદ પણ આવશે અને તમારા પેટને આરામ પણ મળી જશે.
લસણ
લસણમાં રહેલાં તત્ત્વો પેટની સમસ્યામાંથી રાહત આપે છે. પાણીમાં લસણની કેટલીક કળીઓ ઉકાળો. હવે તેમાં મરી અને જીરું મેળવો. તેને ગાળો અને ઠંડું થયા પછી તે પીઓ. દિવસમાં બેથી ત્રણ વાર પીવાથી તમને ગેસની સમસ્યામાંથી જલદી રાહત મળી શકે છે.
હિંગ
ગેસ થાય ત્યારે હિંગવાળું પાણી પીવાથી આરામ મળે છે. આપણા પૂર્વજો એટલે જ શાક-દાળ વગેરેમાં હિંગનો વઘાર કરવાની આપણને ટેવ પાડી છે. પરંતુ હવે આપણે સ્વાદ માટે થઈને આ બધું ભૂલતા જઈએ છીએ જેથી તકલીફો ઊભી થાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હિંગ મેળવો અને દિવસમાં બે-ત્રણ વાર તે પીવો. તમને ટૂંક સમયમાં આરામ મળશે. જો હિંગવાળું પાણી ન ફાવે તો હિંગમાં થોડું પાણી મેળવી તેની ચટણી તૈયાર કરો. પેટ પર તેને ઘસીને લગાડી દો. થોડી વાર સૂઈ જાવ. તમારી પેટની તકલીફ છૂમંતર થઈ જશે.
વરિયાળી
વરિયાળી પેટની તકલીફ માટે ઉપયોગી છે. પાણીને ગરમ કરી તેમાં વરિયાળી મેળવીને પીવાથી આરામ મળે છે.