ઋતુ સંક્રમણના સમયગાળા દરમિયાન એટલે કે એકસાથે બે પ્રકારની ઋતુનો સમન્વય થતો હોય એવા સમયગાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ કે બે પ્રકારના ઋતુ ફેરફારને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટવાના ચાન્સ વધુ હોય છે. આવા સમયે સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. એમાં પણ ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે થોડું વધુ ધ્યાન રાખવું આવશ્યક છે, કારણ કે બદલાતી ઋતુમાં અગર આહારનું ધ્યાન ન રાખવામાં આવે તો શરીર નબળું પડે છે અને રોગ થતાં વાર લાગતી નથી. સૌથી વધુ બીમારી આ જ સીઝનમાં ફેલાય છે.
આ બીમારીમાં સૌથી વધુ પ્રમાણ છે પાચનને લગતા રોગોનું. અપચો થવો, પાચન મંદ પડવું, ગૅસ, ઍસિડિટી, પિત્ત જેવી તકલીફોનું પ્રમાણ આ ગાળામાં વધે છે. આ ઋતુ માણસની પાચનશક્તિ મંદ પાડી દે છે. એમાંય બહાર, ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થ પાચનને લગતી બીમારીઓને આમંત્રણ આપે છે. રસ્તા પર થતાં કાદવ-કીચડને કારણે અમુક પ્રકારનાં ધાન્યો તેમ જ લીલાં શાકભાજી પર માટી અને સૂક્ષ્મ જીવાણુ હોવાના ચાન્સ રહે છે. એ દ્વારા પણ અમુક પ્રકારના રોગ ફેલાઈ શકે છે. એ ઉપરાંત, વરસાદને કારણે ટાઈફોઈડ અને કૉલેરા, તો મચ્છરને લીધે મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ વધે છે. આપણે ત્યાં સામાન્ય રીતે જુલાઈ પછી ટાઈફોઈડના કેસમાં મોટો વધારો જોવા મળે છે.
આ સીઝનમાં ત્વચામાં ખીલ થવાં, સ્કિનની એલર્જી થવી તેમ જ વાળ ખરવાનું પ્રમાણ વધવું, ખોડો થવો, વગેરે સમસ્યા પણ જોવા મળે છે. જે હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે થાય છે. એ નિવારવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ, પણ બહારનું અસ્વચ્છ પાણી અથવા કોઈ પણ પ્રકારનાં બહારનાં પીણાં (બહાર રેંકડી-હાથલારીમાં મળતા જ્યુસ, લીંબુ શરબત સોડા તથા દૂધમાંથી બનેલાં પીણાં) લેવાનું ટાળવું જોઈએ.
વર્ષાઋતુની શરૂઆતના સમયમાં બીમારીથી બચવા તેમ જ શરીરને સ્વસ્થ રાખવા માટે આહારનિયંત્રણ જરૂરી છે. આવા સમયે બહારના અસ્વચ્છ ખાદ્ય પદાર્થની જગ્યાએ રોગપ્રતિકારકતા વધે એવા પ્રકારના આહારનું સેવન કરવું જોઈએ, જેવા કે અલગ અલગ પ્રકારના ગરમ તાજા સૂપ, ઋતુમાં મળતાં તાજાં ફળ, જેવાં કે જાંબુ, જરદાળુ, રાસબરી, કેળાં, મકાઈ, પેરુ, વગેરે ફળોમાં વિટામિન્સનું પ્રમાણ સારું હોય છે, જે આપણને રોગપ્રતિકારકતા બક્ષે છે. ફણગાવેલાં કઠોળ, હળદરવાળું દૂધ, પ્રોબાયોટિક્સ, સૂકા મેવા, વગેરેનો ઉપયોગ આ ઋતુમાં કરવો લાભદાયી છે. વરસતા વરસાદમાં મસાલા અથવા હર્બલ ચાને કઈ રીતે ભૂલી શકાય? ગરમ મસાલેદાર અદરખવાળી ચાનો ઉપયોગ કફ નિવારવા માટે તેમ જ સ્ફૂર્તિ અને શરીરમાં ગરમાવો લાવવા માટે જરૂરી બને.
ચોમાસાની ઋતુમાં હળદર તેમ જ અદરખ (આદું)નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, ઈમ્યુનિટી વધારવા માટે તો આ એક જાદુઈ ઔષધિ છે. એમાં પણ એનું દૂધની સાથેનું સેવન તમારી ઈમ્યુનિટી તો વધારશે જ, સાથે સાથે અપચાને લીધે પેટમાં બળતરા હોય તો એ શાંત કરવા માટે પણ ઉપયોગી થઈ શકશે. કફ, શરદી, ખાંસી જેવી તકલીફો આ સીઝનમાં સામાન્ય છે, પણ આદું-હળદર આ બધી તકલીફો નિવારવા માટે મહત્ત્વનો ભાગ ભજવશે.
આ સીઝનમાં અગર તમે ભૂખ્યા છો તો બહારના નાસ્તા આરોગવાની જગ્યાએ ગરમ ગરમ સ્વાદિષ્ટ શાકભાજીના સૂપ બનાવીને પીવાની ટ્રાય કરો, ખૂબ મજા આવશે. એની અંદર સ્વાદ મુજબ મરીનો પાવડર, લસણ, આદું, વગેરે પણ ઉમેરી શકાય, જેથી એ સ્વાદિષ્ટ બને.
લસણનો થોડોઘણો પણ આહારમાં ઉપયોગ આ સીઝનમાં તમારા રોગપ્રતિકારક તંત્રને સુધારવામાં મહત્ત્વનો ફાળો આપશે, કારણ કે લસણમાં પણ ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલાં છે. આ ઉપરાંત, લસણ ચયાપચયને સુધારે છે. લસણ શરદી-ખાંસી તેમ જ તાવ સામે રક્ષણ આપે છે આથી એનો ઉપયોગ આ ઋતુમાં કરી શકાય.
ફળ તેમ જ શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલાં એને વ્યવસ્થિત રીતે સાફ કરવાં અને દસથી ૧૫ મિનિટ પાણીમાં પલાળી રાખવાં, જેથી એમાંના પેસ્ટિસાઈડ્સ દૂર કરી શકાય. આ સમયે માખી-મચ્છરનો ઉપદ્રવ વધુ થતો હોવાથી લારીમાંથી લાવેલાં ફળ, શાકભાજી સરખાં સાફ થાય એ જરૂરી છે. માખી-મચ્છર સહિતનાં જીવડાં અનેક બીમારી ફેલાવવામાં નિમિત્ત બને છે એ તો બધા જાણતા જ હશે.
ચોમાસામાં ગરમ તેમ જ તાજો ખોરાક લેવાય એ વધુ હિતાવહ છે. સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ, ફ્રાઈડ ફૂડ, વગેરેનો આ સીઝનમાં ત્યાગ કરવો. વધુપડતો તીખો આહાર પણ ન લેવો. પુષ્કળ પાણી પીવું, જેથી પાચનને લગતી તકલીફો નિવારી શકાય. આહાર દ્વારા રોગપ્રતિકારકતા વધારીને વરસતા વરસાદનો આનંદ માણીએ.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)