ભારતની અફઘાનિસ્તાન સામેની મેચ રમાઈ ગઈ. ક્રિકેટ વિશ્વ કપમાં ઘણી ટીમોને તેમના ખેલાડીઓની ચુસ્તી અને સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાનના ખેલાડીઓ તો, ભારત સામે હારી ગયાં પછી તેમની ચુસ્તી-સ્ફૂર્તિ ઉપર તેમના દેશોના લોકોથી માંડીને વિશ્વના ઘણા લોકોએ તીખી ટીપ્પણી કરી. કોઈએ વ્યંગ કર્યો. તેમાંય તેનો કપ્તાન સરફરાઝ અહમદ મેચ દરમિયાન બગાસું ખાતાં ઝડપાઈ ગયો તેની તો ઘણાં બધાં લોકોએ ઠેકડી ઉડાવી.
એક વાઇરલ વિડિયોમાં એક પાકિસ્તાની ક્રિકેટ પ્રેમી કહે છે કે સરફરાઝ અહમદ અને શોએબ મલિક સહિતના પાકિસ્તાની ક્રિકેટરોએ મેચ પહેલાં બર્ગર ખાધાં હતાં. તેથી તેઓ હારી ગયાં. એક વ્યક્તિ જેનું ટ્વિટર હેન્ડલ UKRung છે તેણે લખ્યું કે સરફરાઝ અહમદે તો ચાર-ચાર બર્ગર ખાધાં. સ્વાભાવિક જ તેની અસર તેની રમત પર પડે જ.
હકીકતે પાકિસ્તાનની ટીમ શિશા કાફેમાં ગઈ હતી અને ત્યાં, કેટલાકના કહેવા મુજબ, બર્ગર અને ડીઝર્ટ વગેરે ઝાપટ્યાં હતાં. તેની અસર ક્રિકેટની રમત પર જોવા મળી હતી. બહુ સ્વાભાવિક છે કે આપણને પણ ભાવતું ભોજન વધુ ખવાઈ જાય તો આળસ ચડે છે. તો આ તો, ક્રિકેટરો છે જેમણે દોડવાનું છે. શૉટ મારવાના છે. ગેંદબાજી કરવાની છે. તેમણે તો ચુસ્તી-સ્ફૂર્તિનું વધુ ધ્યાન રાખવું પડે ને.
હવે આપણો આ મોહમ્મદ શમી જ જોઈ લો. ભુવનેશ્વર કુમારને ઈજા થતાં તે અફઘાનિસ્તાન સામેની મેચમાં રમ્યો. તેની આ વિશ્વ કપની પહેલી મેચ હતી. શમીએ ગત એક વર્ષમાં પોતાની રમતમાં તો જબરદસ્ત બદલાવ કર્યો જ છે, પણ સાથે તેની ચુસ્તી પણ પ્રશંસનીય છે. આઈપીએલ ૨૦૧૯માં તેની ઝલક જોવા મળી હતી. હકીકતે મોહમ્મદ શમી ખાવાનો શોખીન છે. પરંતુ ક્રિકેટ માટે તેણે તેનો ત્યાગ કર્યો.
ગત દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના ટ્રેનર શંકર બસુએ કહ્યું હતું કે “મોહમ્મદ શમીનું ફિટ રહેવું તેની સૌથી મોટી સફળતા છે. તે ગત વર્ષે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. તેની અંગત જિંદગીમાં પણ કેટલાક પ્રશ્નો હતા. પુનરાગમન કર્યા પછી તેણે એકદમ લગનથી પ્રશિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. મેં શમીને કહ્યું હતું કે ૨૦ દિવસ માટે આકરા પ્રશિક્ષણનો કોઈ ફાયદો નથી. તમારે સતત પ્રશિક્ષણ મેળવવું જોઈએ. હવે પ્રશિક્ષણ તેની જીવનશૈલી બની ગઈ છે. તમે તેની ઝડપ જુઓ. તે પાંચ મેચની શ્રેણીના અંતિમ ટેસ્ટના દિવસે પણ ઘટતી નથી.”
વાત તો સાચી છે. કેટલાક બૉલર કે ખેલાડી પ્રવાસની શરૂઆતમાં વન ડે કે ટેસ્ટમાં સારો દેખાવ કરે પરંતુ પ્રવાસ અંત તરફ જાય એટલે થાકી જાય. અથવા ઘાયલ થઈ જાય. કે પછી બીજા કોઈ બહાને આરામ કરવા ટીમમાંથી નીકળી જાય.
બસુએ વધુમાં કહ્યું કે “શમી નૉન વેજનો શોખીન છે. પરંતુ હવે તેણે આચર કુચર (જંક ફૂડ) ખાવાનું બંધ કરી દીધું છે. સંભવત: તે ભારતીય ટીમનો પહેલો ખેલાડી છે જેણે વારાફરતી વ્રત રાખવાનું શરૂ કરી દીધું. હવે તે દિવસની શરૂઆતમાં વધુ ખાતો નથી, પણ બીજા ભાગમાં તે સારી રીતે ખાય છે. તેણે પોતાની ચરબી ઘટાડી છે.”
શમીના કૉચ બદરુદ્દીન સિદ્ધિકીનું પણ કહેવું છે કે શમીએ ફિટ રહેવા માટે આકરી મહેનત કરી છે. તે ખેતરમાં સવાર-સાંજ ખુલ્લા પગે દોડતો હતો. આ દરમિયાન તેણે તેને ખૂબ જ ભાવતી બિરયાની છોડી દીધી હતી. છેલ્લું એક વર્ષ શમી માટે માત્ર શારીરિક જ નહીં, માનસિક રીતે પણ મુશ્કેલીઓથી ભરપૂર રહ્યું. તેની પત્ની સાથે ઘણો વિવાદ થયો. આવી સ્થિતિમાં શમીએ કોલકાતા છોડીને અમરોહાના સહસપુર ગામમાં પોતાનું સ્થાન બનાવી લીધું.
ગામમાં રહીને તેણે મહેનત કરી અને છ કિલો સુધી વજન ઘટાડ્યું. અહીં આવ્યાં પછી ખેતરમાં સવાર-સાંજ દોઢથી બે કલાક સુધી દોડતો હતો. આઈપીએલ શરૂ થતાં પહેલાં જ તેણે આ અભ્યાસ શરૂ કર્યો. તેની અસર હવે જોવા મળી છે. તે પહેલાંથી ફિટ નજરે પડી રહ્યો છે.”
જોયું મિત્રો? આમ ને આમ ક્રિકેટર નથી બનાતું. તેના માટે કેટલોય ત્યાગ કરવો પડે છે. તમારે પણ જો ચુસ્ત-સ્વસ્થ રહેવું હોય તો યોગ્ય આહાર નિષ્ણાત અને ફિટનેસ નિષ્ણાતની સલાહ લઈ તે મુજબ મંડી પડો. પછી જુઓ, ચુસ્ત અને સ્વસ્થ બની જાવ છો કે નહીં?