ન્યૂરોસાયન્સની જર્નલ ‘ફ્રન્ટિયર્સ’માં તાજેતરમાં પ્રકાશિત એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે જે મહિલાઓ ગર્ભનિયંત્રણ માટે મુખ વાટે દવા લે છે તેઓ જટિલ લાગણીઓના હાવભાવ ઓછા ઓળખી શકે છે.
મુખ વાટે લેવાતી ગર્ભનિયંત્રણની દવા જો મોટા પ્રમાણમાં લેવાય તો, તેની લાંબા ગાળે અનિચ્છનીય અને પ્રતિકૂળ અસરો પડી શકે છે. ‘ઑરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ ઇમ્પૅર કૉમ્પ્લેક્સ ઇમૉશન રીકગ્નિશન ઇન હૅલ્ધી વીમેન’ નામના અભ્યાસમાં કહેવાયું છે કે “મૌખિક ગર્ભનિયંત્રણ દવાના વ્યાપક ઉપયોગ છતાં તેની લાગણી, અનુભૂતિ અને વર્તન પર અસરો વિશે બહુ ઓછી જાણકારી છે. જોકે સાંયોગિક તથ્યો બતાવે છે કે મૌખિક ગર્ભનિયંત્રણ દવાઓથી અન્ય લોકોના હાવભાવને ઓળખવાની ક્ષમતા પર અસર પડે છે જેના આંતરવ્યક્તિત્વ સંદર્ભમાં ગંભીર પરિણામો આવી શકે છે.”
મહિલાઓમાં લાગણી અને ઓળખ પર મૌખિક ગર્ભનિયંત્રણ દવાની અસરોની તપાસ કરવા સંશોધકોએ એ તપાસ કરવા પ્રયાસ કર્યો કે જે મહિલાઓ મૌખિક ગર્ભનિયંત્રણ દવાઓ લે છે કે તેઓ, જે મહિલાઓ મૌખિક ગર્ભનિયંત્રણ દવાઓ નથી લેતી તેની સાપેક્ષમાં લાગણીની જટિલ અભિવ્યક્તિઓને સમજવામાં ઓછી ચોક્કસ હોય છે કે કેમ.
અભ્યાસના હેતુ માટે, સંશોધકોની ટીમે મહિલાઓનાં બે જૂથો રચ્યાં અને તેમને લાગણી ઓળખવાનું એક કામ સોંપ્યું. પહેલા જૂથમાં ૪૨ તંદુરસ્ત મહિલાઓ હતી જેઓ મૌખિક ગર્ભનિયંત્રણ દવાઓ લેતી હતી, જ્યારે બીજા ગ્રૂપમાં ૫૩ તંદુરસ્ત મહિલાઓ હતી જેઓ આ દવા નહોતી લેતી.
જર્મનીમાં ગ્રેફ્સ્વાલ્ડ યુનિવર્સિટીમાં ફિઝિયૉલૉજિલકલ એન્ડ ક્લિનિકલ સાઇકૉલૉજી/સાઇકૉથેરેપી વિભાગમાં સંશોધક એલેક્ઝાન્ડર લિશ્કે આ અભ્યાસના વરિષ્ઠ લેખક પણ છે. તેમણે કહ્યું, “મૌખિક ગર્ભનિયંત્રણ દવાઓથી મહિલાઓની લાગણી ઓળખવાની ક્ષમતામાં નાટકીય રીતે ખામી સર્જાઈ. આપણે લગભગ રોજ આપણા જીવનસાથીઓની સાથે રોજબરોજની વાતચતીમાં આ કદાચ નોંધતા હોઈશું. અમે અનુમાન કર્યું હતું કે આ ખામીઓ ઘણી ગંભીર હશે. તેથી મહિલાઓની એક કાર્ય દ્વારા કસોટી કરવી જોઈએ, જેથી તેમનામાં રહેલી આવી ખામી પકડાય. આ રીતે અમે ખૂબ જ પડકારજનક કામનો ઉપયોગ કર્યો. આ કામમાં ચહેરામાં આંખથી લઈને જટિલ લાગણીશીલ અભિવ્યક્તિઓને ઓળખવી જરૂરી હતી. આવી અભિવ્યક્તિઓમાં તિરસ્કાર અને ગર્વનો પણ સમાવેશ થતો હતો. તે ડર કે ખુશી જેવી સાદી લાગણી કરતાં જુદી અને જટિલ અભિવ્યક્તિ હતી.”
વિશ્લેષણ કરતાં જણાયું કે બંને જૂથો સાદી લાગણીઓને ઓળખવામાં તો સરખા હતા, પરંતુ જટિલ અભિવ્યક્તિઓને સાચી રીતે ઓળખવામાં ગર્ભ નિયંત્રણ દવા લેતી મહિલાઓનું જૂથ કાચું પડ્યું. ચોક્કસ આંકડામાં વાત કરીએ તો, દવા લેતી મહિલાઓ, દવા ન લેતી મહિલાઓ કરતાં જટલિ લાગણી ઓળખવામાં ૧૦ ટકા ઓછી ચોક્કસ હતી.
મેડિકલ ન્યૂઝમાં જણાવાયા પ્રમાણે, લિશ્કેએ કહ્યું કે “ઍસ્ટ્રૉજન અને પ્રૉજેસ્ટેરૉનના ચક્રીય ફેરફારોથી મહિલાઓની લાગણી ઓળખવાની ક્ષમતા પર અસર થથાય છે. મગજના પ્રદેશ પર પણ તે અસર કરે છે. મૌખિક ગર્ભનિયંત્રણ દવા ઍસ્ટ્રૉજન અને પ્રૉજેસ્ટેરૉનના સ્તરને ઘટાડી દે છે. પરિણામે સ્વાભાવિક છે કે મહિલાઓની લાગણી ઓળખવાની ક્ષમતા પર અસર થાય જ.”
મૌખિક નિયંત્રણ દવા મહિલાઓ પોતાને ગર્ભ ન રહી જાય તે માટે લેતી હોય છે. પુરુષ જ્યારે ગર્ભનિયંત્રણ સાધન ન વાપરે અને તેની પત્ની કે પ્રેમિકાને મૌખિક નિયંત્રણ દવા લેવાનું કહે ત્યારે ઘણી વાર પત્ની કે પ્રેમિકા માની જતી હોય છે. પરંતુ તેમાં ઉપર કહ્યું તે સિવાયનું જોખમ પણ રહેલું છે. જો સ્ત્રી દવા લેવાનું ભૂલી ગઈ તો તેને ગર્ભ રહી જવાનો સંભવ રહે છે. જોકે આ માટે હવે તો મોબાઇલમાં બર્થ કંટ્રૉલ રિમાઇન્ડર જેવી ઍપ પણ આવે છે. પુરુષ મજા માટે કૉન્ડોમ ન વાપરે અને સ્ત્રીને દવા લેવાનું કહે ત્યારે તેનાથી માત્ર ગર્ભાવસ્થા જ ટળે છે, ગુપ્ત રોગ કે એઇડ્સ જેવો મહા રોગ નહીં. વળી મૌખિક ગર્ભ નિયંત્રણ દવાથી લાંબા ગાળે સ્ત્રીની સેક્સની ઈચ્છા પણ ઘટે છે.
ઘણી સ્ત્રીઓને આ દવા એટલે પસંદ છે કારણકે તેનાથી તેમનું માસિક નિયમિત થાય છે. તેઓ સરળતાથી જાણી શકે છે કે કઈ તારીખે તેમને માસિક આવશે. વળી દવાથી માસિક ધર્મ દરમિયાન થતો દુઃખાવો કે મરોડ ઓછા થાય છે અને થોડી હળવાશ રહે છે. વળી, ઘણી સ્ત્રીઓ આ દવા એટલે પણ લેવાનું પસંદ કરે છે કારણકે તેનાથી તમે માસિકને પાછું ઠેલી શકો છો. આથી કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કે કોઈ લગ્ન જેવા જાહેર કાર્યક્રમ, તો તેમાં ઉત્સાહભેર ભાગ લઈ શકાય તે માટે સ્ત્રીઓ આ દવા લેતી હોઈ શકે.