કોંગો તાવ: ખતરનાક અને જીવલેણ!

ગુજરાતમાં હમણાં એક તાવનો વાયરો વધતાં માત્ર ગુજરાતમાં જ ચિંતા નથી જાગી પરંતુ રાજસ્થાનમાં પણ જાગી છે. સ્વાઇન ફ્લુ કે ચિકનગુનિયાની વાત નથી, પણ કોંગો તાવની વાત છે. ગુજરાતમાં આ તાવથી અત્યાર સુધીમાં ત્રણનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. અને ૧૭ કેસ પૉઝિટિવ જણાયાં છે.

એટલે જ આ તાવ વિશે જાણકારી મેળવી સચેત રહેવું જરૂરી બન્યું છે.

ખાસ કરીને પશુઓ પાળતા હોય તેમને આ તાવ આવવાની સંભાવના વધુ છે. કોંગો તાવ વિષાણુ જનિત રોગ છે. પશુઓની ચામડી પર ‘હિમોરલ’ નામનું પરોપજીવી મળી આવે છે જે આ રોગનું વાહક છે. નવાઈની વાત એ છે કે આ તાવ જે વિષાણુથી થાય છે તે વિષાણુ જેને ત્યાં ઉતારો લે છે તેને હાનિ નથી પહોંચાડતું. એટલે કે તે જે પશુ પર રહે છે તે પશુને આ રોગ થતો નથી.

આ રોગ સૌ પહેલાં ૧૯૪૪માં ક્રિમિયા નામના દેશમાં જોવા મળ્યો. તેના પરથી તેને ક્રિમિયન હેમરેજિક ફીવર આવું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ ૧૯૬૯માં એવી ખબર પડી કે ક્રિમિયન હેમરેજિક ફીવર જેના લીધે થાય છે તે રોગજનક તત્ત્વ એ જ છે જે ૧૯૫૬માં કોંગોમાં થયેલી બીમારી માટે જવાબદાર હતું! એટલે પછી ફોઇબાએ નવું નામ પાડી દીધું. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર!

જે લોકો માલધારી છે એટલે કે ભેંસ, બકરી વગેરે પાળે છે તે ઉપરાંત કૂતરાં પાળે છે તેવા લોકો કે આવાં પ્રાણીઓના સંપર્કમાં આવતાં લોકોને આ તાવ આવવાની સંભાવના હોય છે. પરંતુ આ તાવ આવી ગયો પછી તે જીવ લઈને પણ જાય તેવું બની શકે છે, એટલે જ આ રોગને નજરઅંદાજ કરવાની જરૂર નથી.

કઈ રીતે ખબર પડે કે કોંગો તાવ આવ્યો છે?

હેમરેજ નામ પરથી જ આમ તો ખ્યાલ આવી ગયો હશે કે આ તાવમાં લોહી ઝડપથી વહેવા લાગે છે. આ વિષાણુની ઝપટમાં આવ્યા પછી દર્દીના શરીરમાંથી ઝડપથી લોહી પડવા લાગે છે. તે તો ઠીક, પણ શરીરનાં અલગ-અલગ અંગો પણ એકબીજાની સાથે જાણે, સંકલન કર્યું હોય તેમ હડતાળ પર ચાલ્યાં જાય છે, એટલે કે કામ કરવાનું બંધ કરી દે છે.

આ પ્રકારનો તાવ આવે

  • એટલે શરીર ધગધગવા લાગે,
  • શરીરનાં અંગો તૂટે,
  • ચક્કર આવે,
  • માથું દુઃખે,
  • આંખમાં બળતરા થાય,
  • પ્રકાશ પસંદ ન પડે,
  • પીઠ દુઃખવા લાગે,
  • ઝાડા-ઉલટી થાય,
  • ગળું બેસી જાય,
  • પેટમાં દુઃખાવો થાય.

આ સિવાય..

  • હૃદયના ધબકારા ઝડપી થઈ જાય,
  • લસિકા નળી મોટી થઈ જાય,
  • ચામડી પર લાલ ચકામાં થઈ જાય.

 

આ પ્રકારના તાવથી મૃત્યુનો દર ૩૦ ટકા છે. તાવ થયાના બીજા સપ્તાહમાં સામાન્ય રીતે મૃત્યુ થતું હોય છે. જે દર્દીઓ સાજા થઈ જાય છે તેમને બીમારી થયાના નવમા કે દસમા દિવસે તબિયત સુધરવા લાગે છે.

વિવિધ લેબોરેટરી ટેસ્ટના કારણે ડૉક્ટર આ રોગનું નિદાન કરતા હોય છે.

આ રોગ ન થાય તે માટે આ વાઇરસને અટકાવવો અઘરો છે. ઘણી વાર આવડા મોટા ત્રાસવાદી સુરક્ષા દળોને થાપ આપીને આપણા દેશમાં ઘૂસી આવતા હોય તો પછી આ તો વાઇરસ છે. પાળીતાં પ્રાણીઓના શરીરમાં ક્યારે ઘર કરી જાય તે ખબર પડતી નથી. આથી પરોપજીવીનું નિયંત્રણ કરવું અઘરું છે. પ્રાણીઓ માટે કોઈ રસી હજુ સુધી બની નથી.

હા, માણસોને તેનો ચેપ ન લાગે તે માટે કંઈક પગલાં જરૂર લઈ શકાય છે. સીસીએચએફ એટલે કે કોંગો તાવની સામે એક રસી બની છે ખરી, પરંતુ તે હજુ પૂર્વ યુરોપમાં જ વપરાય છે અને તે પણ નાના પાયે. પરંતુ સમગ્ર વિશ્વમાં માનવ માટે કોઈ સુરક્ષિત અને અસરકારક રસી નથી બની.

આનો ઉપાય એક જ છે. આ રોગ વિશે બને તેટલી વધુ જાગૃતિ આણવી. જે લોકો પ્રાણીઓ પાળતાં હોય તેમના સુધી આ રોગની માહિતી પહોંચાડવી. તેમને જો ઉપરોક્ત લક્ષણો દેખાતાં હોય તો તેમણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરી લઈ ટ્રીટમેન્ટ શરૂ કરાવી દેવી જોઈએ.