વાયુ પ્રદૂષણથી દેશની જનતા હવે તોબા પોકારતી જાય છે. શુદ્ધ હવા મળવી મુશ્કેલ બનતી જાય છે. દિલ્લી હોય કે મુંબઈ, કોલકાતા હોય કે બેંગ્લુરુ, અમદાવાદ હોય કે ચેન્નાઈ, મોટાં શહેરોમાં તો વધુ મુશ્કેલી છે. વાહનો, કારખાનાંઓ, ગીચ મકાનો વગેરેના કારણે વાયુ પ્રદૂષણ વધુ છે અને શુદ્ધ હવાનો અભાવ પણ જણાય છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ પણ તમાકુ જેટલી જ ખરાબ અસર તમારાં ફેફસાંને કરે છે.
હવે તો સર્વોચ્ચ ન્યાયાલય પણ આ બાબતે ખૂબ જ કડક બન્યું છે. દેશભરમાં દિવાળી અને નાતાલ જેવા તહેવારો પર ફટાકડા નિશ્ચિત સમયમર્યાદામાં જ ફોડવા તેવો આદેશ અપાયો છે. કેટલાંક પ્રકારનાં વાહનોના વેચાણ પર આગામી સમયમાં પ્રતિબંધ આવી જવાનો છે. આમ છતાં ઔદ્યોગિક એકમોના કારણે વાયુ પ્રદૂષણમાંથી સરળતાથી મુક્તિ મળે તેમ નથી.
બીજી તરફ, હવાને શુદ્ધ રાખતાં અને કાર્બન ડાયૉક્સાઇડ શોષી ઑક્સિજન પૂરા પાડતાં વૃક્ષો પણ ઘટતાં જાય છે. તેથી હવા પ્રદૂષિત થાય છે. તેમાં નાઇટ્રૉજન ઑક્સાઇડ, ઑઝોન વગેરે હાનિકારક તત્ત્વો વધુ હોય છે.. તેનાથી ખૂબ વિપરિત સ્થિતિમાં ફેફસાનું કેન્સર પણ થઈ શેક છે.
જોકે આનો આયુર્વેદમાં ઉપાય છે. ઝેરી પ્રદૂષકોના કારણે શરીરમાં ત્રિદોષમાં અસંતુલન સર્જાય છે. તેનાથી માત્ર શારીરિક નહીં, પરંતુ માનસિક અસરો પણ ખૂબ જ પડે છે. આથી અહીં આપણે વાયુ પ્રદૂષણની ખરાબ અસરોથી બચવાના આયુર્વેદિક ઉપાયો જોઈશું.
નસ્ય કર્મ: તેનાથી નાકમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે. આમ, હવામાં પ્રદૂષકોના કારણે થતી એલર્જીને રોકવામાં તે મદદ કરે છે. પંચકર્મમાંનું એક કર્મ એટલે નસ્ય કર્મ છે. તે માત્ર અને માત્ર કોઈ નિષ્ણાતના નિરીક્ષણ હેઠળ જ થવું જોઈએ. સવારમાં અને રાત્રે સૂતી વખતે ગાયના ઘીનાં બે ટીપાં દરેક નસકોરામાં નાખવાનું કામ જોકે ઘરે પણ થઈ શકે છે. તે નાકમાં રહેલા પ્રદૂષકોને બહાર કાઢે છે અને સાથે પ્રદૂષકોને નાક વાટે શ્વસનતંત્રમાં ન ચાલ્યા જતા પણ અટકાવે છે.
સીસમ તેલના કોગળા: પ્રદૂષકોને આપણા શરીરમાં જતા રોકવામાં નાક ચાળણીની વધુ અસરકારક ભૂમિકા ભજવે છે પરંતુ કેટલાકને મોઢેથી શ્વાસ લેવાની ટેવ હોય છે. આવામાં તેલના કોગળા સારા રહે છે. એક ચમચી તેલને મોઢામાં મૂકી તેને પંદર મિનિટ રહેવા દો અને પછી તેને થૂંકી નાખો. તેનાથી મોઢામાં રહેલા નુકસાનકારક બૅક્ટેરિયા દૂર થાય છે અને હવામાં રહેલાં એલર્જીજનક તત્ત્વો સામે લડત અસરકારક રીતે આપી શકે છે.
પ્રાણાયામ: અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભ્રસ્તિકા જેવા પ્રાણાયામથી નાકમાં હવા જવાનો રસ્તો સાફ થાય છે અને પ્રદૂષણની ખરાબ અસરો દૂર થાય છે. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે. શરીર પણ સારું રહે છે. વજન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
અભ્યંગ અથવા તેલમાલિશ: તેલ માલિશ…સર જો તેરા ચકરાયે…જૉની વૉકરનું ગીત યાદ આવી ગયું ને? આયુર્વેદમાં તેલમાલિશનો મહિમા ઘણો મોટો છે. યોગ્ય રીતે તેલમાલિશ કરવાથી રક્તપરિભ્રમણ સુધરે છે. શ્વાસમાં કે ત્વચા દ્વારા લોહીમાં ભળેલા ઝેરી તત્ત્વોથી છૂટકારો મળે છે. સીસમના તેલ અથવા અન્ય આયુર્વેદિક તેલથી શરીરનું માલિશ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને શરીર સ્ફૂર્તિવાળું લાગે છે.
સ્વેદન: તેનો અર્થ થાય છે પરસેવો પાડવો. હવે મોટા ભાગે બેઠાડું જીવન થઈ ગયું છે. ગૃહિણી માટે પરસેવો વળે તેવાં કામો રહ્યાં નથી. તેના માટે ઇલેક્ટ્રિક યંત્રો આવી ગયાં છે. માત્ર રસોઈ થોડા ઘણા અંશે પરસેવો કરે છે. આ જ રીતે પુરુષ માટે જે લોકો ટ્રાફિક પોલીસમાં છે કે પછી ખેતમજૂરી કરે છે તેવા અપવાદોને બાદ કરતાં પરેસેવો પડે તેવાં કામો રહ્યાં નથી. ઉનાળામાં પણ હવે લોકો સતત એ. સી. અને પંખામાં રહેવા લાગ્યા છે. પરસેવો પડે તો શરીરની અશુદ્ધિ બહાર નીકળે. જો કુદરતી રીતે પરસેવો બહાર ન નીકળે તો તેના માટે આયુર્વેદિક રસ્તો અપનાવવો પડે. દશમૂળ ઔષધિનો ઉપયોગ કરીને સર્વાંગ સ્વેદન કરવાથી શરીરની અશુદ્ધિઓ પ્રવાહી રૂપે પરસેવા થકી બહાર નીકળે છે. તુલસીના તેલ, નીલગીરીના તેલ કે ચાના તેલ વગેરે દ્વારા ચહેરા પર વરાળ લેવી જોઈએ. તેનાથી નાકમાંથી પ્રદૂષકો બહાર નીકળે છે.
આ ઉપરાંત લીમડાના પાણીથી ત્વચા અને વાળ ધોવાથી પણ ત્વચામાંથી પ્રદૂષકો બહાર નીકળે છે.