હૃદયરોગનો હુમલો કહીને આવતો નથી. જોકે પાશ્ચાત્ય તબીબી વિજ્ઞાને તેને ભાખવાની પદ્ધતિ જરૂર શોધી કાઢી છે. પરંતુ એ કેટલી સચોટ છે તે તપાસ અને અભ્યાસનો વિષય છે. હૃદયરોગના હુમલાને મહિનાઓ પહેલાં ભાખી શકાય છે. આ માટે દર્દીમાં હાજર હાઇપરકૉલેસ્ટેરોલેમિયા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, તમાકુનો વપરાશ, સ્થૂળતા, કસરતનો અભાવ વગેરે જોખમી પરિબળોનું આકલન કરવામાં આવે છે.
એક્સર્સાઇઝ ટ્રેડમિલ ટેસ્ટિંગ, સ્ટ્રેસ ઇકૉ, મલ્ટિપલ ઇમેજિંગ, કેલ્શિયમ સ્કૉર્સ સાથે સીટી સ્કેનિંગ અથવા એન્જિયોગ્રાફી વગેરે દ્વારા તણાવનું પરીક્ષણ પણ કરાય છે. આ બધાં દ્વારા હૃદય કેટલું તંદુરસ્ત છે તે ખબર પડે છે. જો તેની સારવાર ન કરાય તો એવી સંભાવના વધે છે કે દર્દીને હૃદયરોગનો હુમલો થશે.
ઘણી વાર દર્દીઓને હૃદયરોગનો હુમલો ખરેખર આવે તે પહેલાં તેમને છાતીમાં દુઃખાવો થવા લાગે છે. જો તે વખતે તેઓ ડૉક્ટર પાસે જાય અને તેની સારવાર કરાવે તો હૃદયરોગનો હુમલો ટાળી શકાય છે. જોકે હજુ વધુ સચોટ રીતે હૃદયરોગનો હુમલો ભાખવાની પદ્ધતિ શોધાઈ રહી છે અને આવી જ એક નવતર પદ્ધતિ છે સ્ટ્રેસ કાર્ડિયાક એમ.આર.આઈ.
સ્ટ્રેસ કાર્ડિયાક એમ.આર.આઈ.થી હૃદયરોગનું નિદાન જ નથી થતું પરંતુ સંભવિત જીવલેણ કિસ્સાઓને ભાખી પણ શકે છે તેમ ડયુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં થયેલા એક અભ્યાસમાં તારણ નીકળ્યું છે. આ અભ્યાસનાં તથ્યો જામા કાર્ડિયૉલૉજીમાં પ્રકાશિત થયાં છે.
વિશાળ અને અનેક કેન્દ્રમાં કરાયેલા અભ્યાસનાં પરિણામો સૂચવે છે કે કાર્ડિયાક મેગ્નેટિક રીઝૉનન્સ અથવા સીએમઆરમાં કૉરૉનરી આર્ટરી રોગની તીવ્રતા ઓળખવા માટે ઇકૉકાર્ડિયોગ્રામ, કેથેટરાઇઝેશન અને સ્ટ્રેસ ન્યુક્લિયર એક્ઝામના બદલે સંભવિત-બિન આક્રમક, બિનઝેરી વિકલ્પ છે.
ડ્યુક કાર્ડિયૉવેસ્ક્યુલર મેગ્નેટિક રીઝૉનન્સ સેન્ટરના સહ નિર્દેશક અને વરિષ્ઠ લેખક રૉબર્ટ જ્યુડ કહે છે કે, “સંશોધનના તારણથી જાણવા મળે છે કે સ્ટ્રેસ સીએમઆર હૃદયરોગના જીવલેણ તબક્કાની અચૂક આગાહી કરીને મૃત્યુ નિવારી શકે છે. આપણે કેટલાક સમયથી જાણીએ છીએ કે સીએમઆર કૉરૉનરી આર્ટરી રોગનું નિદાન કરવામાં તો અસરકારક છે પરંતુ હજુ પણ તેનો સામાન્ય વપરાશ નથી.”
“બહોળા વપરાશમાં એક અડચણ એ છે કે તેની આગાહી અંગે માહિતીનો અભાવ છે, જે આ ટૅક્નૉલૉજીની હરીફ ટૅક્નૉલૉજી પાસે છે. અમારો અભ્યાસ કેટલીક શંકાઓ નિર્મૂળ કરે છે, જોકે સીએમઆર અને અન્ય ટૅક્નૉલૉજી વચ્ચેની સીધી સરખામણી નિશ્ચયાત્મક હશે.”
જ્યુડ અને તેમના સાથીઓએ અમેરિકાની સાત હૉસ્પિટલોમાં સીએમઆર કરાવનાર ૯,૦૦૦થી વધુ દર્દીઓની માહિતીનું વિશ્લેષણ કર્યું હતું અને ૧૦ વર્ષ તેનું અનુસરણ કર્યું હતું.
હૃદયરોગનો કોઈ ઇતિહાસ ન હોય અને પરંપરાગત દવાખાનાનાં ધોરણ મુજબ જેમને ઓછું જોખમ છે તેવા દર્દીઓ માટે, જેમનું અસાધારણ સીએમઆર સ્કેનવાળા દર્દીઓનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય સીએમઆર સ્કેનવાળા દર્દીઓ કરતાં ૩.૪ ગણી વધુ છે. સમગ્ર દર્દીઓમાં સંશોધકોને અસાધારણ સ્ટ્રેસ સીએમઆર અને મરણાધીનતા વચ્ચે મજબૂત તંતુ જણાયો હતો. અને દર્દીની ઉંમર, લિંગ અને હૃદયનાં જોખમી પરિબળોને ધ્યાનમાં લીધા બાદ પણ આમ જણાયું હતું.
જ્યુડનું કહેવું છે કે “બિનઆક્રમક કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટિંગ એ કૉરૉનરી આર્ટરી રોગવાળા કે આ રોગની શંકા હોવાના દર્દીઓના દવાખાના પ્રબંધનમાં એક આધારશિલા છે. હૃદયની દીવાલની ગતિ, કોષનું મૃત્યુ અને નીચા રક્તપ્રવાહની હાજરી ઓળખવામાં બીજાં પરીક્ષણો કરતાં સીએમઆર વધુ સારી રીતે કામ કરે છે તેમ નોંધતા જ્યુડ ઉમેરે છે કે આ ટૅક્નૉલૉજીનો ફાયદો એ છે કે તેમાં કોઈ રેડિયેશન તમારા શરીરને અડતું નથી. ન્યુક્લિયર સ્ટ્રેસ ટેસ્ટમાં રેડિયેશન તમારા શરીરને અડે છે અને અમેરિકામાં સામાન્યતઃ ન્યુક્લિયર સ્ટ્રેસ ટેસ્ટ જ ઉપયોગમાં લેવાય છે.
આની પાછળનું કારણ? જ્યુડ કહે છે, “સ્ટ્રેસ સીએમઆરનો મર્યાદિત ઉપયોગ થાય છે તેની પાછળ અનેક કારણો છે, જેમાં સારી ગુણવત્તાની પ્રયોગશાળાઓની પ્રાપ્યતા, જે દર્દીઓ મેગ્નેટાઇઝેશનમાં જવા નથી માગતા તેમને બાકાત રાખવા અને દર્દીઓનાં પરિણામો અંગેની માહિતીનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. જોકે જ્યુડ કહે છે કે આ અભ્યાસનાં તારણો બાદ સ્ટ્રેસ સીએમઆર અને અન્ય પદ્ધતિઓ વચ્ચે લોકો સરખામણી અથવા અભ્યાસ કરી શકશે.