ભારતમા સરકારી બસ સેવા નિગમોમાંથી ગુજરાત એસ.ટી સૌરા સારી સુવિધામાંની એક છે. ગુજરાત એસ.ટી ફરી એક વખત નવી સિદ્ધિ મેળવી છે. ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (OPRS)નો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ મેળવી છે. સમગ્ર ભારતમાં દૈનિક 75 હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પહેલા સ્થાને છે. રાજ્યમાં વર્ષ 2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાઈ હતી. ત્યારે છેલ્લા 2 વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટો બૂક કરીને એસ.ટી નિગમને કુલ 1,036 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓને ધ્યાને લઈને વર્ષ 2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2011થી માસ્ટર ફ્રેન્ચાઇઝીના કરાર થકી મુસાફરો Abhibus, પેટીએમ જેવી એપ્લિકેશન મારફતે પણ ઓનલાઈન એસ.ટી બસની ટિકિટ બુકિંગ કરાવી શકે છે. નિગમ દ્વારા દિવ્યાંગ મુસાફરો સરળતાથી બુકિંગ કરી શકે તે માટે દિવ્યાંગ બુકિંગનું વેબ-મોબાઈલ એપ્લિકેશનમાં અલગથી પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કર્યા પછી એસ.ટી નિગમે તબક્કાવાર મુસાફરોની સુવિધાઓ વધારો કર્યો છે, જેમાં વર્ષ 2015માં એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ એપ્લિકેશન (GSRTC Official) લોન્ચ કરી હતી. મુસાફરો મોબાઈલ- વેબ એપ્લિકેશન www.gsrtc.in મારફતે બૂક કરાયેલી ટિકિટોનું રિશિડ્યુલ, કેન્સલેશન તેમજ PNR સ્ટેટ્સ વગેરે સરળતાથી જાણી શકે તે માટે તમામ વિકલ્પો આપવામાં આવ્યા છે. આ એપ્લિકેશન દ્વારા મુસાફરોને તેમની મુસાફરીની ટિકિટ 60 દિવસ અગાઉ બૂક કરાવી શકશે. જો મુસાફરીમાં જો કોઈ ફેરફાર થાય તે સમય ટિકિટની રિશિડ્યુલની સુવિધા વિનામૂલ્યે મુસાફરોને નિગમ દ્વારા આપવામાં આવે છે. જે સ્થળે નિગમનું બસ સ્ટેન્ડ કે બુકિંગ કાઉન્ટર ન હોય તેવા સ્થળે મુસાફરો બુકિંગનો લાભ લઈ શકે તે માટે નિગમ દ્વારા બુકિંગ એન્જસી આપવામાં આવી છે, જેમાં નિગમ ખાતે 205 બુકિંગ એજન્ટ કાર્યરત છે.