હૈદરાબાદઃ સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા’ દર્શાવતા અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે આજે સ્વદેશ નિર્મિત દ્રષ્ટિ 10 સ્ટારલાઈનર અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) ભારતીય નૌકાદળને સોંપી હતી. દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર 36 કલાકની સહનશક્તિ અને 450 કિગ્રા પેલોડ ક્ષમતા ધરાવતુ એડવાન્સ ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) પ્લેટફોર્મ છે.ફ્લેગ-ઓફ સમારોહનું નેતૃત્વ મુખ્ય અતિથિ એડમિરલ આર હરિ કુમાર (PVSM, AVSM, VSM, ADC), નૌકાદળના વડા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે નૌકાદળની જરૂરિયાતો સાથે તેના રોડમેપને સંરેખિત કરવા તેમ જ ભાગીદારો અને ક્ષમતાઓની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા સંરક્ષણ અને સુરક્ષામાં ‘આત્મનિર્ભરતા’ને સક્ષમ કરતા અદાણીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ISR ટેક્નોલોજી અને મેરીટાઈમ સર્વોપરિતામાં આત્મનિર્ભરતા માટે ભારતની શોધમાં પરિવર્તનકારી પગલું છે. દ્રષ્ટિ 10નું એકીકરણ આપણી નૌકાદળ ક્ષમતાઓને વધારશે, સતત વિકસતા દરિયાઈ સર્વેલન્સ અને જાસૂસીમાં અમારી સજ્જતાને મજબૂત બનાવશે.
UAV સિસ્ટમની વાયુયોગ્યતા ધરાવતા નાટોના STANAG 4671 (પ્રમાણભૂત કરાર 4671) પ્રમાણપત્ર સાથેનું એકમાત્ર ઓલ-વેધર લશ્કરી પ્લેટફોર્મ છે. તેને અલગ અને અવિભાજિત એરસ્પેસ બંનેમાં ઊડવાની મંજૂરી આપવામાં આવે છે. UAVને હવે હૈદરાબાદથી પોરબંદર સુધી નૌકાદળની દરિયાઈ કામગીરીમાં સામેલ કરવા માટે લઈ જવામાં આવશે. તેલંગાણાના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી ડી. શ્રીધર બાબુએ કહ્યું હતું કે હૈદરાબાદમાં અદાણી એરોસ્પેસ પાર્ક નવીનતા અને સ્વદેશીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી વિશ્વ કક્ષાની સુવિધા છે, જે ભારતીય બુદ્ધિમત્તાનું પ્રમાણપત્ર છે. આપણે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં તમામ યોગ્ય પગલાં લીધાં છે.