રિટેલ બજારમાં સરકારની ‘દાળ’ નહીં ગળતાં કેન્દ્ર લાલઘૂમ

નવી દિલ્હીઃ દેશમાં દાળની વધેલી કિંમતોએ ગૃહિણીઓનું બજેટ બગાડી દીધું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારે બ્રાઝિલથી દાળ અને ખાદ્ય તેલની આયાતની પહેલ કરી છે, જેથી બજારમાં પુરવઠો વધે તો ભાવ ઘટવાની ધારણા સરકારને હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમા જથ્થાબંધ બજારમાં કિંમતો ઘટવા છતાં રિટેલ માર્કેટમાં દાળની કિંમતો ઘટવાનું નામ નથી લેતી. જેથી સરકારે રિટેલ ઇન્ડસ્ટ્રીને છૂટક બજારમાં ભાવઘટાડો કરવાની ચેતવણી આપી હતી.

સ્થાનિક જથ્થાબંધ બજારોમાં અડદ દાળ, ચણા દાળ, મસૂર કે તુવેર દાળની કિંમતો પાંચથી 20 ટકા સુધીનો ઘટાડો થયો છે અને સરકારના તમામ પ્રયાસો છતાં રિટેલ માર્કેટમાં કિંમતો હજી પણ ઊંચી છે, જેથી સરકાર કાર્યવાહી કરવાના મૂડમાં છે.

કન્ઝ્યુમર અને ખાદ્ય પુરવઠા મંત્રાલયના અધિકારીઓએ હાલમાં દાળોની કિંમતોને લઈને રિટેલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને મોટી રિટેલ ચેઇન કંપનીઓની સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. સરકારે નિર્દેશ આપ્યા છતાં રિટેલ માર્કેટમાં દાળની કિંમતો નહીં ઘટતાં નારાજી વ્યક્ત કરી હતી. હવે સરકારે રિટેલર્સ પર 15થી 20 ટકા દાળની કિંમતો ઘટાડવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે. સરકારને લાગે છે કે રિટલર્સ વધુ માર્જિન રળી રહ્યા છે. હવે જો દાળોની કિંમત નહીં ઘટે તો સરકાર ખુલ્લા બજારમાં દાળોનું વેચાણ કરવાનું પણ વિચારી રહી છે.

જથ્થાબંધ બજારોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં તુવેર અને અડદની કિંમતોમાં સરેરાશ 10થી 20 ટકાનો ઘટાડો થયો છે, પણ રિટેલ બજારમાં કિંમતો ટસની મસ નથી થતી, જેથી સરકાર લાલઘૂમ છે અને આકરાં પગલાં લેવાના મૂડમાં છે.