નવી શક્યતા અને આશાઓ સાથે નવા વર્ષનો ઉદય થઈ ચુક્યો છે, જે આવનારા વર્ષમાં અવનવા અનેક પરિવર્તન લાવી શકે છે. ઝેન ઝી અને આલ્ફા પેઢીએ પરિવર્તનનાં મૂળ નાખી દીધા છે, જે આવનારી પેઢી માટે અનેક શક્યતાઓના બારણાં ખોલશે.સ્વપ્ન્દ્રષ્ટા તરીકે આપણી પેઢીએ જો આકાશે ઉડવાના સપનાં સેવ્યા છે, અને ઝેન ઝી અને આલ્ફા પેઢીએ આર્ટિફિશ્યલ ઇન્ટિલિજન્સ દ્વારા એ સપનાંઓ સાકાર કરવાના મૂળ રોપ્યા છે તો મેડિકલ, સ્પેસ અને બીજાં અનેક ક્ષેત્રે ભવ્યાતિભવ્ય ફેરફારો સાથે આવનારી પેઢી અનેરા ભાવિનું નિર્માણ કરવા જઈ રહી છે.
કેમ?
2025થી આવી રહી છે જનરેશન બીટા. 2010-24 ના સમયગાળામાં જન્મેલી જનરેશન આલ્ફા કરતાં આ જનરેશન વધુ એડવાન્સ્ડ હશે એવું કહેવાય છે. એ પણ જાણી લો કે, 2025માં અને એ પછી જે પેઢી આ દુનિયામાં પગ મૂકશે એ જનરેશન બીટા તરીકે ઓળખાશે. આ બીટા જનરેશન દુનિયાની કુલ વસ્તીના 16 % જેટલો હિસ્સો બનવા અને ભવિષ્યનું નિર્માણ કરવા જઈ રહી છે ત્યારે આવનારા સમયની નાની ઝાંખી જાણવાની, એની કલ્પના કરવાની મજા પડશે.
વર્ચ્યુલ રિયાલિટીમાં જ ઉછરનાર બીટા પેઢી ભવિષ્યની અનેક શક્યતાઓને પડકારશે. આ પેઢીના મોટાભાગના કામ એક ક્લિક દ્વારા જ થશે. સ્માર્ટ સિસ્ટમ સાથે સતત ટેવાયેલ આ પેઢી માટે કોડિંગ અને અલ્ગોરીધમ સાથે કામ કરવું સામાન્ય હશે. ડિજિટલી એકટીવનેસ એમની ઇમજીનેશન ક્ષમતામાં વધારો કરશે. કહીએ કે એમની કલ્પનાશક્તિ તીવ્ર બનશે, જેના લીધે સપનાંઓ હકીકતમાં ફેરવાશે. લોકોના જીવન વધારે અત્યાધુનિક અને કલ્પનામાં ન આવે એટલા સરળ બનશે.
આવનારો સમય ગ્લોબલ નેટવર્કિંગ વધારશે. દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે વાતચીત જ નહીં, વ્યવહાર કરવો પણ સામાન્ય બનશે. આ લોકો દરેક પળે એકબીજાના સંપર્કમાં આવતા વર્ચુઅલ સબંધો સુધરશે. ડિજિટલ યુગમાં ફિઝિકલ સબંધો અને વ્યવહાર વચ્ચે બેલેન્સ કરવાની કુશળતા આ પેઢી શીખવાડશે, કેમકે ફિઝિકલ કોન્ટેક્ટ સાચવવા એ તેમના માટે સૌથી મોટી ચેલેન્જ હશે. અહીં તેમની કસોટી પણ થશે.
આવનારો સમય સો ટકા રચનાત્મકતા અને આર્ટિસ્ટ્રીનો હશે, કેમ કે મહેનતના બધા કામ Ai દ્વારા થશે. મશીનો દ્વારા ઘણા લોકોનાં કામ બંધ થશે. એક સમયે જ્યારે દુનિયા ઓટોમેશન મોડ પર સ્થિર થશે ત્યારે એક સરખી રીતે થતા દરેક કામ ટેક્નોલોજી દ્વારા થતાં હશે.
અફકોર્સ, પરિવર્તન અને સગવડોની સાથે આ પેઢી સામે ઘણી સમસ્યાઓ પણ ઝળૂંબતી હશે. સાઈકોથેરાપીસ્ટ અને કાઉન્સેલર સોનલ ખંગારોટ કહે છે એમ, Ai દ્વારા કામ લેવાથી તેમની સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં ઘટાડો થશે અને આગળ જતા આ સમસ્યા મોટું સ્વરૂપ લેશે. સ્ક્રીન ટાઈમના વધુ ઉપયોગથી લોકો અત્યારથી જ ધીરજ ગુમાવી રહ્યા છે અને એમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી રહી છે ત્યારે આવનારી પેઢી માટે આ સમસ્યા વધુ વિકરાળ બનશે. માનસિક સમસ્યા અને એકલતા એ આવનારી પેઢીની સૌથી મોટી સમસ્યા હશે. સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી અસર પણ સંભવતઃ આ લોકો જ અનુભવશે. જો પર્યાવરણ સાથે સંતુલન નહીં જાળવે તો એની સામે ટકવું મુશ્કેલ થશે. ઇન્ફોર્મેશનના ઓવરલોડ સામે સાચા રસ્તાઓ ઓળખવા એ પણ એમની સામે સૌથી મોટો પડકાર બનશે.
ભવિષ્યવેતા માર્ક મેકક્રીન્ડલના મત મુજબ જનરેશન બીટા એક અનોખી પેઢી સાબિત થશે, જેનું ભવિષ્ય ટેક્નોલોજીથી લખાશે. જ્યાં માનવ મૂલ્યોને સાચવવા ડગલેને પગલે અઘરા બનશે. આપણી પેઢી જો એમને એ બન્ને વચ્ચે સંતુલન કરતાં શીખવશે ત્યારે જ અને તો જ તેઓ સફળતાની નવી ઉંચાઈ સર કરી શકશે. આ સમસ્યાથી બચવા તેઓને માઈન્ડફુલનેસ પ્રોગ્રામ્સની તાલીમ ખૂબ જરૂરી બનશે. માનસિક તણાવ સામે લડવા માટે તે લોકોનો ઈમોશનલ ગ્રોથ મહત્વપૂર્ણ સાબિત થશે. માનવીય સંવેદનશીલતા જ તેઓના ટકવા માટેનો સૌથી મોટો આધાર બની રહેશે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)