વ્હેલ માછલીના આકારવાળું અને દુનિયાનું સૌથી મોટું વિમાન ‘એરબસ બેલૂગા’ 23 નવેમ્બર, બુધવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતર્યું હતું. એને જોવા માટે લોકોની ભીડ જમા થઈ હતી. આ સુપર ટ્રાન્સપોર્ટર વિમાન મુંબઈમાં આ પહેલી જ વાર આવ્યું છે. એને જોઈને એરપોર્ટ પર હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયું હતું.
આ વિમાન આકાશમાં ઉડતું હોય ત્યારે એવું લાગે જાણે વ્હેલ માછલીએ આકાશ પર કબજો કરી લીધો છે. એરબસ કંપનીએ વિમાનનું નામ બેલૂગા નામની વ્હેલ માછલી પરથી જ રાખ્યું છે.
મસમોટા વાહનો અને અવકાશી યોજનાઓ માટે વપરાતા સાધનો જેવી મોટી, ભારી-ભરખમ ચીજવસ્તુઓ-સામાનનું પરિવહન કરવા માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે.