ત્રીજી T20I મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ પર રોમાંચક વિજય…

ભારતીય ક્રિકેટ ટીમે 29 જાન્યુઆરી, બુધવારે હેમિલ્ટનમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને અત્યંત રોમાંચક એવા સુપર ઓવર પરિણામમાં પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતે પાંચ-મેચોની શ્રેણીને 3-0ની સરસાઈ સાથે કબજામાં લઈ લીધી છે.


ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.


એના જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ ભારે નાટ્યાત્મક વળાંકોવાળો બની રહ્યો હતો. જીતની એકદમ નજીક આવવા છતાં ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન કરી શકી હતી. આમ, મેચ ટાઈ થઈ હતી અને પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો.


સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન અને માર્ટિન ગપ્ટીલે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ફેંકેલી ઓવરમાં 6 બોલમાં 17 રન ઝૂડી કાઢ્યા હતા.


ભારતના રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડીએ ફાસ્ટ બોલર ટીમ સાઉધીની ઓવરમાં 20 રન ફટકારતાં ભારતે મેચ અને એ સાથે જ સિરીઝ જીતી લીધી હતી.


રોહિત શર્માને 'પ્લેયર ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો.


હવે ચોથી મેચ 31 જાન્યુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.