ચાલો મનમોહક ચકલી પક્ષીને બચાવીએ: ‘વિશ્વ ચકલી દિવસ’

આંગણામાં ચકલીઓનો કલબલાટ સૌને ગમે, પરંતુ માનવજાતની બેદરકારી, ઉદાસીન વલણ અને બેફામ શહેરીકરણને કારણે આ નાનકડા પ્યારા પક્ષી, પ્રકૃતિની આ સુંદરતમ રચનાનું અસ્તિત્વ આજે જોખમમાં આવી ગયું છે. ચકલી પક્ષી પૃથ્વી પરથી વિલુપ્ત થઈ રહ્યું છે. આ પક્ષીઓની જાતિને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે દુનિયાભરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ દુનિયાભરમાં લોકોને એમનાં ઘરઆંગણામાં, બાલ્કનીમાં કે અગાસી પર ચકલીઓ તથા અન્ય પક્ષીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરીને તેમજ ચણ નાખતા રહીને એમનું રક્ષણ કરવા અને પક્ષીઓ માળા બાંધીને રહી શકે એ માટે વધુ ને વધુ ઝાડ ઉગાડી સુરક્ષિત, આદર્શ વાતાવરણ બનાવવાનો સંકલ્પ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.