અમદાવાદની 146મી રથયાત્રાની તસવીરી ઝલક…

 અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન આવા માટે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નવા રથમાં વિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદની રથયાત્રા રંગેચંગે સંપન્ન થાય એ માટે સુરક્ષા સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે પ્રથમ વખત એન્ટિ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. હિટ ટીમ અને 3ડી મેપિંગ ટેક્નોલોજીથી પ્રથમ વખત સમગ્ર રૂટનો 3ડી મેપ તૈયાર કર્યો છે.

આ પ્રકારનું 3D મેપિંગ, AI ઇમેજિંગ અને 360 ડિગ્રી મોનિટરિંગ સિસ્ટમનો સમન્વય કે જ GPS સક્ષમ સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમની મદદથી અમદાવાદ પોલીસ રથયાત્રાના રૂટ પર પળેપળની સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે.  સવારથી શરૂ થયેલી રથયાત્રા કોટ વિસ્તારમાં થઈને સાંજે નિજમંદિરે પરત ફરશે.

જમાલપુર નિજ મંદિરથી પ્રસ્થાન થયેલા ભગવાનના ત્રણેય રથ બપોર સુધીમાં મોસાળ સરસપુરમાં પહોંચે છે. જ્યાં ઢોલ-નગારા અને માનવમેદની વચ્ચે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યા બાદ મામેરું ભરવામાં આવે છે. ભગવાનનાં દર્શન કરવા માટે શહેરમાં માનવ મહેરામણ ઊભરાય છે.

જગન્નાથજીના મંદિરેથી નીકળેલી રથયાત્રા પરંપરાગત માર્ગ પર- શહેરના જમાલપુર, ખમાસા, દાણાપીઠ અને મહાનગરપાલિકાની કચેરીથી આગળ વધી રહેલી રથયાત્રા મોસાળ સરસપુર જઈ ભોજન અને વિરામ લે છે.

ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી નવા રથમાં બિરાજમાન હતા. રથયાત્રાના રૂટ પરના તમામ માર્ગો પર ભાવિક ભક્તો ભગવાનનાં દર્શનની એક ઝલક મેળવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ રથયાત્રામાં અખાડા દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. 

બીજી તરફ બાગેશ્વરની ઝાંખીએ પણ આકર્ષણ જમાવ્યું, જેનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વખતે પણ જુદા-જુદા થીમ સાથે શણગારેલી ટ્રકો એ રથયાત્રામાં ભાગ લીધો હતો. લાકડી દાવ, બોડી બિલ્ડિંગ અને જોખમી કરતબ કરતાં અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાનની રથયાત્રા હોય એટલે ઉત્સાહી અને ભાવિક ભક્તોની  ભજન મંડળીઓ તો હોય જ.

આ વખતે રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાઈ છે અને રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ આપવામાં આવશે.

રથયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં જગન્નાથજીની નાની પ્રતિકૃતિ, રંગબેરંગી પહેરવેશ, શરીર પર ચિત્રો,  ટેટુ લખાણ સાથે ભજન મંડળીઓએ વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું. જે વિસ્તારમાંથી જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ ત્યાં સ્થાનિક આગેવાનો, સામાજિક સંગઠનો અને ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રીને મળે છે. રથયાત્રાના પ્રારંભે CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી છે. તેમની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)