અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે અને એના કારણે અમલી કરવામાં આવેલા લોકડાઉનમાં મજૂર અને ગરીબ વર્ગના લોકો પોતાની રોજગારી બંધ થઈ જવાથી સૌથી વધારે મુશ્કેલીમાં મૂકાયા છે.
આ માહોલમાં કોરોના સામે લડવા જરૂરી સુવિધાઓ વિકસાવવા માટે સરકારે સમાજના વિવિધ વર્ગના લોકોને ઉદાર હાથે દાન આપવાની અપીલ કરી છે અને સમાજના તમામ વર્ગ તરફથી એને બહુ સારો પ્રતિસાદ પણ મળી રહયો છે. ગુજરાતમાં અનેક એવા દાતાઓ આગળ આવ્યા છે અને એમણે સરકારના રાહત ફંડમાં ખોબલેને ખોબલે દાન આપી દાનની રીતસરની ગંગા વહાવી છે.
પણ અહીં તો એક એવા દાતાની વાત કરવી છે કે જેમણે બધાથી કંઈક અલગ રીતે દાન આપ્યું છે. એમ કહો કે, વ્યક્તિએ પોતાના ખજાના ખાલી કરી દીધા છે.
વાત છે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની. ચારેકોરથી વહેતી દાનની સરવાણી વચ્ચે આ હકાભા ગઢવીએ તો પોતાની પાસે ઘરખર્ચ માટે ફક્ત 50,000 રુપિયા રાખીને બાકીની તમામ બચતની રકમનું દાન આપવાની જાહેરાત કરી છે!
લોકો બહુ બહુ તો પોતાની સંપત્તિના દસ-વીસ કે પછી કોઇ એકાદ અઝીમ પ્રેમજી જેવા હોય કે પચાસ કે પંચોતેર ટકા દાનની જાહેરાત કરે, પણ આ તો આખેઆખી બચત દાન કરી દેવાની? કેમ આ નિર્ણય?
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા હકાભા ગઢવી કહે છે, મારી બે દીકરી આરતી બા અને મીરા બા એ મને એક રાત્રે કહ્યું કે, પપ્પા, આપણે કોઈ દાન નથી કરવું? એ ક્ષણે મને એમ થયું કે હવે કંઈ જ રહેવા દેવું નથી. જે છે તે બધું જ દાન કરી દેવું છે. હવે તો છે એટલા બધા જ પૈસા દાન કરી દેવા છે…
બસ, એને પછી હકાભાએ નક્કી કરી જ લીધું.
એ કહે છેઃ સમાજને દાન આપવાનો આવો અવસર જ્યારે મળ્યો છે ત્યારે સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા એક કલાકાર તરીકે મારે દાન કરવાનું ટાણું આવે ત્યારે મારે ક્યારેય પાછું વળીને જોવું ન જોઈએ.
આ હકાભા ગઢવી વળી કોઇ અમીર પરિવારમાં જન્મેલા નથી. એ પણ બાળપણમાં ગરીબી સામે સંઘર્ષ કરીને ઉછરેલા છે.
પોતાના એ સંઘર્ષની વાત કરતા હકાભા કહે છેઃ મારા જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે હું મજૂરી કરતો હતો અને અમારી આર્થિક સ્થિતિ ખૂબ નાજૂક હતી. એ હદે નાજૂક કે મારી દીકરીને વીંછી કરડ્યો તો એની દવા કરાવવાના ય પૈસા મારી પાસે નહોતા. જો એ સમયે મને કોઈએ 5000 રુપિયા આપ્યા હોત તો મારી દીકરી બચી ગઈ હોત, પણ…. જેવી ઇશ્વરની મરજી. હા, મને કોઈએ 5000 રુપિયા ન આપ્યા એટલે મારે દીકરી ગુમાવવી પડી. આજે જ્યારે સમાજના ગરીબ વર્ગના લોકો અને તેમના સંતાનો બે ટંકના ભોજન માટે જ્યારે તકલીફમાં હોય તો મારે તેમના માટે દાન કરવું જોઈએ.
તો જવાબમાં એ કહે છેઃ મારા કુલ 3 બેંક અકાઉન્ટ છે. જેમાં પૈસા તો ઘણાય હશે પરંતુ મને સમાજની સેવા માટે જ્યારે દાન કરવાનો અવસર મળ્યો છે ત્યારે ગણતરી ન કરાય કે કેટલા પૈસા છે! ઘરખર્ચ માટે માત્ર 50,000 રુપિયા રાખીને જે છે તે બધું જ દાન કરી દેવાનું છે.
દાનની રકમ આપવા માટે તેઓ આવતીકાલે મામલતદાર અથવા તો કલેક્ટરની પાસે જવાના છે. હકાભા તેમને બેંક અકાઉન્ટના કોરા ચેક આપી દેશે. તેમાં જેટલી રકમ હશે તે બધાનું દાન કરી દેવું એવું એમણે નક્કી કર્યું છે.
હકાભા કહે છે કે, મારા માટે દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ સૌથી મોટી છે. એની સામે આપણી સંપત્તિનું કોઈ મૂલ્ય નથી. દેશ છે તો આપણે છીએ. હું સમાજના બધા લોકોને સંદેશો આપવા માંગું છું કે તમારાથી શક્ય હોય તેટલું દાન આપો. 130 કરોડ દેશની જનતા છે અને આ બધા જ લોકો જો 5-5 રુપિયા પણ આપશે તો બહુ મોટી રકમ એકત્ર થશે અને આપણે દેશસેવા માટેનું બહુ મોટું કાર્ય કરી શકીશું.
(હાર્દિક વ્યાસ)