ચાલો, વર્તમાનમાં જીવીને અસુખ ઓછું કરીએ

આજકાલ ‘વર્ક ફ્રોમ હોમ’નું ચલણ છે. ઈચ્છાએ-અનિચ્છાએ ઘણા લોકો ઘરેથી કામકાજ કરી રહ્યા છે. આવામાં એક ફાયદો એ પણ થયો છે કે પરિવારજનો સાથે વધુ સમય ગાળી નહીં શકનારા લોકોને ચોવીસે કલાક એમની વચ્ચે રહેવાનો સમય મળી રહ્યો છે. આવામાં મને પણ ઘરમાં ડાઇનિંગ ટૅબલ પર પડેલા વિવિધ પ્રકારના કાચના ગ્લાસ જોવાની ફુરસદ મળી છે. મારાં પત્નીને ક્રોકરી ઘણી ગમે છે. અમારા ઘરમાં ક્રોકરીના ઢગલાબંધ સેટ છે. “તું ક્રોકરીનું મ્યુઝિયુમ કેમ બનાવી લેતી નથી?” એવું કહીને હું અને ઘરના બીજા સભ્યો એની મશ્કરી પણ કરી લેતા હોઈએ છીએ. વર્ષોથી એનો એક જ જવાબ છે, “સેટમાંથી જ્યારે એકાદબે વાસણ તૂટી જશે અને ટૅબલ પર રાખવા માટે પૂરતા ગ્લાસ નહીં હોય ત્યારે હું એ વાપરવાનું બંધ કરીશ.”

આજકાલ ઘરનાં કપડાં પણ વધારે પહેરવામાં આવે છે. ઘરની બહાર નીકળીએ તો બીજાં કપડાં પહેરવાં પડે ને! આથી છેલ્લા એક વર્ષથી અમે પરિવારજનો અગાઉ વિવિધ સંસ્થાઓમાંથી ભેટમાં મળેલાં ટી-શર્ટ પહેરીને એને ઉપયોગમાં લાવી રહ્યા છીએ. દરેક ટી-શર્ટ પર સંસ્થાનું ચિહ્ન હોય છે તેથી એક સમયે અમે રાત્રે ફક્ત સૂવાના સમયે જ એનો ઉપયોગ કરતા, પરંતુ હવે તો આખો દિવસ એનો ઉપયોગ થાય છે.

મારે કામસર બહારગામ જવાનું થાય છે અને તેને લીધે અનેક હોટેલોમાં રહેવાનું થાય છે. હું ત્યાંની ડિસ્પોઝેબલ વસ્તુઓનો બગાડ ન થાય એ હેતુથી ડિસ્પોઝેબલ સ્લીપર, ડિસ્પોઝેબલ લૉન્ડ્રી બૅગ, તેલની નાનકડી શીશી, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, સાબુ અને શેમ્પૂ એ બધું ફેંકી દેવાનું પસંદ કરતો નથી. છેલ્લા એક વર્ષમાં એ બધી વસ્તુઓ કામે આવી છે.

વચ્ચે એક દિવસ શ્રીમતીને નવો આઇડિયા આવ્યો. વિવિધ કંપનીઓએ કાર્યક્રમોમાં સ્મરણિકા તરીકે આપેલા 5, 10 અને 20 ગ્રામના ચાંદીના સિક્કા સારી એવી સંખ્યામાં ભેગા થયા હતા. એના પર કંપનીનાં ચિહ્નો, જન્મેલા બાળકનું નામ, ભેટ આપનાર પરિવારમાં જન્મેલા બાળકનું નામ, પરિણીત યુગલનું નામ, વગેરે નિશાનીઓ હતી. શ્રીમતી એ બધા સિક્કા લઈને નજીકની દુકાને ગયાં અને તેની બદલીમાં ચાંદીના ચાર ગ્લાસ લઈ આવ્યાં. હવે એ ગ્લાસ પાણી કે દૂધ પીવા કામે આવી શકે છે.

આ બધી બાબતો પરથી મને વિચાર આવ્યો કે ઘરમાં રહીને આપણે ઘણી વસ્તુઓ વાપરતા થયા છીએ અને ઘણી જૂની વસ્તુઓનો નિકાલ કરવા લાગ્યા છીએ. જો ભૌતિક ચીજવસ્તુઓને આ વાત લાગુ પડતી હોય તો આપણા મનમાં ભેગા થયેલા કચરાનો નિકાલ શું કામ ન કરવો? આપણે જૂની વાતોનો જેટલો વધારે નિકાલ કરશું એટલું જ મન વધારે હળવું થશે. જો આપણે જીવનમાં અને મનમાં નકામી વસ્તુઓનો ભરાવો કર્યે રાખીએ તો કોઈ સારી અને નવી વાત માટે જગ્યા રહેતી નથી અને સૃજનશક્તિ કુંઠિત થઈ જાય છે.

મારાં કાકીએ કહેલો એક કિસ્સો યાદ આવે છે. એમના બિલ્ડિંગની મહિલાઓએ પાણીની ખાલી થયેલી બોટલો એકઠી કરવાનું નક્કી કર્યું. એમાંથી પાણી ગળે છે કે કેમ એ ચકાસવા માટે બાટલીઓ ભરી. જે બાટલીઓમાં ગળતર હતું એમાં કાણાં પાડીને રોપનું વાવેતર કરવામાં આવ્યું. ગળતર વગરની બાટલીઓને સાફ કરીને એમાં પાણી ભરીને નોકર-ચાકરો, વગેરેને આપી દેવાઈ. ઘણી સારી ગુણવત્તાવાળી બાટલીઓમાં પાણી ભરીને ઉનાળામાં જળસેવા કરવામાં આવી.

યોગિક સંપત્તિ આપણી જૂની ભૌતિક ચીજવસ્તુઓનો ત્યાગ કરવાનું અને આસક્તિ ઘટાડવાનું શીખવે છે. આપણી પાસે જે છે તેનાથી સંતોષ માનીને જીવનમાં પ્રસન્નતા લાવીએ એ જરૂરી છે. ખરો આનંદ, ખરું સુખ બહારથી મળતાં નથી, અંદરથી પ્રગટે છે.

વર્તમાન સંજોગોમાં આપણને બધાને કોરોના પહેલાંની સ્થિતિ પાછી જોઈએ છે. તેનો અર્થ એવો થયો કે આપણે હજી ભૂતકાળમાં જીવીએ છીએ. વર્તમાનમાં હોવા છતાં ભૂતકાળમાં જીવવાથી ક્લેષ થાય છે અને અસુખ જન્મે છે. ભૂતકાળની પકડમાંથી છૂટવું સહેલું નથી, પરંતુ જો આપણે એક ડગલું પણ આગળ નહીં વધીએ તો વધારે આગળ નહીં જઈ શકાય. આપણે ભૂતકાળમાં જ અટકેલા રહીશું.

જો આપણી પાસે રોટી, કપડાં અને મકાન બધું હોવા છતાં જો અસુખ જન્મતું હોય તો આપણે સમજી લેવાની જરૂર છે કે હજી આપણે ભૂતકાળમાં જ જીવીએ છીએ. આપણે વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દેવું જોઈએ. જોકે, આ કામ કહેવા કરતાં કરવાનું મુશ્કેલ છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)