આપણે બધાએ કહેવત સાંભળી છે કે “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે”, પણ શું આપણે એ પણ જાણીએ છીએ કે “દરેક સફળ દેવતાની પાછળ દેવીનો હાથ હોય છે”?
આપણે બધા એક યા બીજી રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભજીએ છીએ. બ્રહ્માજી સૃષ્ટિના સર્જનહાર છે. કોઈ પણ સર્જન કરવા માટે જ્ઞાન, સર્જનશક્તિ, સમજદારી આવશ્યક છે. દેવી સરસ્વતી બ્રહ્માજીનાં જીવનસંગિની છે. તેમને વિદ્યાની દેવી પણ કહેવાય છે. તેઓ જ્ઞાન, સર્જનશક્તિ અને સમજદારી આપે છે.
ભગવાન વિષ્ણુ આ જગતના પાલક છે. કોઈ પણ વસ્તુનું પાલનપોષણ કરવા માટે સંપત્તિની જરૂર પડે છે. તેમનાં જીવનસાથી દેવી લક્ષ્મી છે. લક્ષ્મીજી પવિત્ર ધનનું પ્રતીક છે.
ભગવાન શિવ દુષ્ટ તત્ત્વ અને વિષનો સંહાર કરનારા દેવ છે. કોઈ પણ વસ્તુનો સંહાર કરવા માટે શક્તિની જરૂર પડે છે. તેમનાં પત્ની દેવી પાર્વતી છે. પાર્વતીમાતા શક્તિરૂપી છે.
આમ, આપણે જોઈ શકીએ છીએ કે દરેક સફળ દેવતાની પાછળ દેવીનો હાથ હોય છે.
આપણે પણ સંપત્તિનું સર્જન કરવું હોય તો એ ત્રણે દેવીઓની કૃપા આપણા પર રહે એ જરૂરી છે. આથી, ચાલો, તેના વિશે થોડી વાત કરીએ.
1) જ્ઞાન અને સમજદારી (દેવી સરસ્વતી)
અ) આધુનિક કાળમાં આપણે બધા નાણાકીય સાક્ષરતા, રોકાણકારની જાગરૂકતા, વગેરેનું મહત્ત્વ સમજીએ છીએ. દરેક નિયમનકાર તથા સરકારી ઍજન્સીઓ નાગરિકોને નાણાકીય રીતે જાગરૂક અને સમજદાર બનાવવા માટે અનેક પ્રયત્ન કરતાં હોય છે. જ્ઞાન વગર સંપત્તિનું હોવું એ આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
બ) જ્ઞાનની સાથે સમજદારી કે શાણપણ જરૂરી છે. અજાણ્યે પણ જો સંપત્તિનો હ્રાસ થતો હોય તો એ આ શાણપણને લીધે અટકી જાય છે.
2) સંપત્તિનું જતન અને સંચાલન (દેવી લક્ષ્મી)
અ) ફક્ત વધુ નાણાં કમાઈને સંપત્તિવાન બની શકાતું નથી. પોતાની કારકિર્દી દરમિયાન ઘણું કમાયા હોય એવા અનેક ફિલ્મી કલાકારો, રમતવીરો તથા અન્યો પોતાના જીવનના અંત ભાગમાં આર્થિક અગવડ વેઠતા હોય કે આર્થિક સંકટમાં હોય એવું આપણે જોયું છે.
બ) નાણાં કમાવા માટે પોતપોતાના વ્યવસાયમાં નિપુણતા હોવી આવશ્યક છે, પરંતુ તેનું જતન-સંવર્ધન કરવા માટે અલગ કૌશલ્ય આવશ્યક છે. ઋગ્વેદના શ્રીસૂક્તમના મંત્રમાં આ કૌશલ્યને લગતા સિદ્ધાંતો વર્ણવાયા છે. આ કટારમાં તથા મારા પુસ્તક – યોગિક વેલ્થમાં લક્ષ્મી માતા વિશે આપણાં શાસ્ત્રોમાં લખાયેલી વાતો પરથી મળતા બોધપાઠની વાત કરવામાં આવી છે.
3) મનનાં ઝેરનો નાશ (દેવી પાર્વતી)
અ) બિહેવિયરલ ફાઇનાન્સનો આધુનિક વિષય સૌને ખબર છે. પૈસા વિશે આપણા મનમાં જે પ્રતિકૂળ વિચારો હોય છે તેને કારણે આપણે અનેક ભૂલો કરતા હોઈએ છીએ. આ ભૂલો પર બિહેવિયરલ ફાઇનાન્સ પ્રકાશ પાડે છે.
બ) બિહેવિયરલ ફાઇનાન્સમાં મનુષ્યની જે લાગણીઓ વિશે વાત કરવામાં આવી છે તેના વિશે આપણાં શાસ્ત્રોમાં પ્રાચીન કાળથી પ્રકાશ પાડવામાં આવ્યો છે. એ લાગણીઓમાં ઈર્ષ્યા, ઘમંડ, ગુસ્સો, નિરાશા, બદલાની ભાવના, વગેરેનો સમાવેશ થાય છે. આ લાગણીઓને મનમાંથી દૂર કરાય નહીં ત્યાં સુધી સંપત્તિને માણી શકાતી નથી, ટકાવી શકાતી નથી.
અહીં એક ખાસ વાત. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે રીતે પોતાનાં જીવનસંગિનીનો સાથ લે છે એ જ રીતે આપણે પણ સંપત્તિ બાબતે પોતાના જીવનસાથીની મદદ લેવી જરૂરી છે.
યોગિક વેલ્થની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે પતિ અને પત્ની બન્નેએ સાથે મળીને નાણાકીય વહીવટ કરવો જોઈએ. તેનું કારણ એ છે કે તેમની સંપત્તિ સહિયારી હોય છે. આપણાં શાસ્ત્રોમાં અર્ધનારીશ્વર અને સહધર્મચારિણી એ બન્ને શબ્દોના પ્રયોગ દ્વારા આ વાત સમજાવવામાં આવી છે.
ઘણી વાર Wife શબ્દનું આખું સ્વરૂપ ‘Worry Invited For Ever’ એવું કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એ ‘ Wealth Invited For Ever’ હોય છે. વાસ્તવમાં એ સ્થિતિ લાવવા માટે પતિ-પત્નીએ સંપત્તિનું સર્જન, સંપત્તિનું જતન અને પૈસાને લગતા ઝેરનો મનમાંથી નાશ એ ત્રણે પ્રવૃત્તિઓ સાથે મળીને કરવાની હોય છે.
જો દેવતાઓને પણ પોતાના ભાગે આવેલી પ્રવૃત્તિ કરવા માટે દેવીઓનો સાથ લીધા વગર ચાલતી ન હોય તો આપણે પણ જીવનમાં પત્નીની ભૂમિકાનું મહત્ત્વ સમજીને તેને જીવનમાં ઉતારવું જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)