મનના સ્વામી બનો, ગુલામ નહીં

“ગૌરવ, હું રજાઓમાં તારી સાથે બહારગામ આવવા માગું છું, પણ મને ચિંતા છે કે જો માંદો પડીશ તો શું થશે,” મારા એક મુરબ્બી કાકાએ મને કહ્યું. મેં કહ્યું, “બહુ સારું રહેશે.” એમણે ચહેરા પર મોટા આશ્ચર્યચિહ્ન સાથે મારી સામે જોયું. મેં કહ્યું, “તમારું મન ઘણી શક્તિ ધરાવે છે. તમે બહારગામ જવા છતાં માંદા નહીં પડો એવો વિચાર જ તમને શક્તિ આપશે અને તમે ખરેખર બીમાર નહીં પડો. અત્યારે તો તમે ઘરની બહાર નીકળ્યા વગર જ તબિયત બગડવાની વાત કરી રહ્યા છો.”

મારાં મમ્મી ઘણી વાર કહેતાં કે વિચારોમાં ક્યારેય દરિદ્રતા રાખવી નહીં.

આ કામ આપણે ચોક્કસ કરી શકીશું અથવા તો આ કામ આપણાથી નહીં થાય એવા વિચારો આપણને દરેકને ક્યારેક આવ્યા હોય છે. મનની શક્તિ અપાર હોય છે એ વાત આપણે સ્વીકારવી રહી. આપણું મન વાળીએ એ રીતે વળી શકે છે. જો આપણે મનને અમુક રીતે વિચારવા માટે કેળવીએ તો મન એ જ દિશામાં કામ કરવા લાગે છે. પછી તમે તેને પરાણે વિરુદ્ધ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરશો તોપણ એ એમ નહીં કરે. વિરુદ્ધ દિશામાં જવા માટે જો તમારું મન તમને સહકાર ન આપે તો સમજવું કે તમે ઉત્તમ કેળવણી આપી છે. આમ થવાનું કારણ એ છે કે આપણે મનને એટલું સરસ રીતે કેળવી લીધું હોય છે કે પછી એ અમુક જ રીતે વર્તે છે. મનને આવી રીતે કેળવવા માટે અમુક કલાકો, દિવસો, અઠવાડિયા કે મહિનાઓ નહીં, વર્ષો લાગી જતાં હોય છે. મનને એક રીતે વિચારવાની ટેવ પાડી લીધા પછી તમે તેને વિરુદ્ધ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરશો તો તેના માટે કદાચ ઓછો સમય લાગશે, પરંતુ મહેનત તો કરવી જ પડશે.

તમે ઘણા લોકો જોયા હશે જેમનાં મન બહુ જ મજબૂત હોય છે. એમના મનની કેળવણી અને એમની બુદ્ધિમતા બધા કરતાં અલગ હોય છે. તેનું કારણ એ છે કે એમણે મનને એ રીતે કેળવ્યું છે.

મનને તાલીમ આપવા માટે નાના પાયે શરૂઆત કરવી. તમે ક્રમે ક્રમે એ કામ ચોક્કસ કરી શકશો. એમાં સમય લાગશે, પણ હકીકત એ જ છે કે જીવનમાં કોઈ પણ પરિવર્તન રાતોરાત આવી જતું નથી.

આપણે શરૂઆતમાં જે વાત કરી તેના પર પાછો આવું છું. બહારગામ જઈને માંદા પડવાની વાત કરનારા વડીલને મેં કહ્યું, “તમે બીમાર નહીં જ પડો એવો વિચાર કરો. તમારે ફક્ત વિચાર જ કરવાનો છે. એ વિચાર કર્યા પછી પણ જો તમે બહારગામ જવા તૈયાર નહીં થાઓ તો કોઈ વાંધો નહીં; હું તમારા નિર્ણયનો સ્વીકાર કરીશ. આવવું-નહીં આવવું એ તમારી મરજી છે. આવો તો એવી રીતે આવો કે તમને નિર્ણય લીધા પછી પ્રસન્નતા રહે, પરાણે પુણ્ય કર્યા જેવું ન થાય.”

યોગિક સંપત્તિ પણ આવી જ વાત છે. ખર્ચ કરવો કે નહીં કરવો એ નિર્ણયનું નહીં, પણ સ્વેચ્છાએ, પ્રસન્ન થઈને નિર્ણય લેવાનું મહત્ત્વ છે. નિર્ણય પસંદગીથી લેવાવો જોઈએ, મજબૂરીથી નહીં.

કોઈ નિર્ણય કેવી રીતે લેવાયો છે એ ફક્ત તમે જ જાણતા હો છો. બીજો કોઈ તેના વિશે અનુમાન કરી શકે નહીં. આપણું મન એટલું શક્તિશાળી છે કે ઘણી વાર આપણે એને વશ થઈને પણ એમ માનવા લાગીએ છીએ કે આપણે એને કાબૂમાં રાખેલું છે. આ મનની લીલાઓ અનેરી છે. એને નીરખ્યા કરો, સારો ટાઈમ પાસ છે. એની મર્કટ વૃત્તિ પણ નિહાળો.

હવે પછી જ્યારે પણ નાણાકીય નિર્ણયની વાત આવે ત્યારે મેં કહ્યું એ પ્રયોગ કરજો. યોગિક સંપત્તિ એટલે પસંદગીની સ્વતંત્રતા. ભૌતિક સંપત્તિ ગુલામી છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એ આપણને બધાને મનના સ્વામી બનાવે, ગુલામ નહીં.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)