મારા પિતરાઈ ભાઈનાં મામી સુવર્ણાબેન ધનાઢ્ય પરિવારનાં હતાં. ભાવનગરમાં તેમના પિયરમાં વિશાળ બંગલો હતો, જેમાં આખા દિવસ માટે રસોઈયો, નોકર-ચાકરો, ડ્રાઈવર, વગેરે કામ કરતા. આ કુટુંબનું ઘણું માન હતું. તેઓ બીજી બધી રીતે સાદગીપૂર્ણ જીવન જીવતા અને માનવસેવા માટે ઉદાર હાથે દાન કરતા. તેમના પિતા મોટા વેપારી હતા, જેમણે હંમેશાં પ્રામાણિકતા અને નીતિમત્તા સાથે ધંધો કર્યો હતો અને તેમનું જીવન ઉચ્ચ આદર્શોથી પ્રેરિત હતું.
સુવર્ણા મામીમાં પિતાનો આ વારસો ઊતર્યો હતો. તેઓ મામા સાથે ભોપાળમાં સ્થાયી થયાં હતાં. મામા લાકડાના વેપારી હતા. વૅકેશનમાં અમે એકાદ-બે દિવસ તેમના ઘરે રહેવા જતા અને તેઓ અમને ઘણી સારી રીતે રાખતા. મામી અત્યંત પ્રેમાળ હતાં. તેમની પાસેથી ઘણું શીખવા જેવું હતું. તેઓ કરકસર કરતાં અને સાદગીમાં માનતાં. નાનપણમાં તો મને તેમના આ ગુણ ઘણા ગમતા, પરંતુ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મને લાગ્યું કે કરકસર વગર જાણે તેમનું જીવન શક્ય ન હતું.
દુનિયાને લોકોની કેટલીક આદતો ઘણી સારી લાગતી હોય છે. આપણે બધા તેનાં વખાણ કરતાં થાકતા નથી, પરંતુ એ વ્યક્તિ માટે આદતો બોજરૂપ બની જાય છે. કમનસીબે, એ વ્યક્તિ આ બાબતથી અજાણ હોય છે. સુવર્ણાબેનના ઉદાહરણ પરથી આ વાતને સમજીએ. તેઓ ક્યારે પણ ખરીદી કરવા જાય ત્યારે કાયમ ભાવતાલ કરે. તેમનું એક સામાન્ય વાક્ય હોયઃ ”આપણી મહેનતની કમાણી કંઈ ઉડાડી ન દેવાય.” ભાવતાલ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ આપણે તેના કારણે ઓળખાવા લાગીએ એ વાત તકલીફ ઊભી કરે છે. મામી શાકભાજીવાળા સાથે ભાવતાલ કરે એ તો સમજ્યા, પણ તેઓ ફિક્સ્ડ ભાવની સરકારી નોટિફાઇડ દુકાનોમાં પણ ડિસ્કાઉન્ટ માગવા લાગી જાય. જો ભાવમાં કોઈ ફરક પડવાનો ન હોય તો તેઓ કોઈ ફ્રી ગિફ્ટ માગી લે. તેમણે બચાવેલા પૈસા કે મેળવેલી ફ્રી ગિફ્ટ આખરે તો કોઈ જરૂરતમંદને જ મળવાની હોય છે. મામાની કમાણી સારી હતી અને પરિવાર સમૃદ્ધ હતો. મને હજી યાદ છે, સુવર્ણાબેને ભોપાળ ગૅસ કાંડ વખતે ઘણા જરૂરતમંદોને સહાય આપી હતી. તેઓ તેમને હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં અને તેમની સારવાર પાછળ ઘણો ખર્ચ કર્યો હતો. એમાંથી કેટલાક લોકો એવા હતા, જેમની સાથે તેઓ ખરીદી કરતી વખતે ભાવતાલ કરતાં.
એક વખત મેં મામીને પૂછ્યું હતું કે તેઓ શા માટે ફેરિયાઓ સાથે ભાવતાલ કરે છે. ”તમે તેમને પૂરેપૂરી રકમ આપો અને તેમાંથી બચત અને રોકાણ કરવાની તેમને સલાહ આપો,” એવું મેં તેમને સૂચવ્યું હતું. તેમણે જવાબ આપ્યો, ”તેઓ બચત અને રોકાણ તો કરશે, પરંતુ પૈસા ભેગા થયા પછી બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચી કાઢશે.”
મામીના વ્યક્તિત્વની બે બાજુઓ હતી. એક, તેઓ કરકસરમાં માનતાં અને બે, તેઓ જરૂરતમંદોને મદદ કરવામાં અચકાતાં નહીં. એમ જોવા જઈએ તો આ બન્ને ગુણ સારા કહેવાય. જો કે, એમાં એક જ સમસ્યા છે. માણસ પોતાના અહમને સંતોષવા ખાતર એવું કરતો હોઈ શકે. ”હું કરકસર કરું છું” અને ”હું વખત આવ્યે બીજાઓને મદદ કરું છું,” એવા વિચારમાં હુંપણું રહેલું છે.
એક ત્રીજી વ્યક્તિ તરીકે મારે તેમના કે બીજા કોઈના આવા વલણ બાબતે મત બાંધી લેવાનું યોગ્ય ન કહેવાય. વાસ્તવમાં દરેક વ્યક્તિએ અંતરાત્મામાં ડોકિયું કરીને જોવું જોઈએ કે પોતાના વલણમાં કોઈ હુંપણું રહેલું છે કે કેમ. આ સવાલનો જવાબ મેળવવાનું સહેલું નથી, કારણ કે સ્વની ઓળખ કરવાનું ઘણું અઘરું હોય છે. આપણે સવાલ પૂછશું તો આપણું મન આપણા વલણને યોગ્ય પુરવાર કરવા માટેનાં અનેક કારણો આગળ ધરવા લાગી જશે.
આથી જાતને પૂછવાને બદલે પોતે જે સામાન્ય રીતે કરતા હોઈએ તેના કરતાં અલગ વર્તન કરવું, અર્થાત્ ભાવતાલ કરવાને બદલે માગેલો ભાવ આપી દેવો અને કોઈ વ્યક્તિને આર્થિક સહાય કરવી નહીં. આપણે ભાવતાલ કર્યા વગર પૈસા ચૂકવી દેવાનું તો આસાનીથી કરી શકશું, પરંતુ કોઈને મદદ નહીં કરીએ તો આપણું મન ખિન્ન થઈ જશે. જો એવું થાય તો સમજી લેવું કે આ બન્ને પ્રકારનું વર્તન અત્યાર સુધી આપણા અહમને પોષતું આવ્યું છે.
દુનિયા ભલે આપણા વ્યવહારનાં વખાણ કરે, પરંતુ ખરેખર તો આપણે તેના ગુલામ બની ગયા હોઈએ છીએ અને ગુલામને કોઈ સ્વતંત્રતા હોતી નથી. સ્વતંત્રતા નહીં હોવાને કારણે ગુલામ ખુશ રહી શકતો નથી. જો આપણે કોઈ આદતના ગુલામ બની ગયા હોઈશું તો એ વર્તનને ક્યારેય બદલી નહીં શકીએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)