મોરિશ્યસમાં મહાશિવરાત્રી – આ છે સૌનો ઉત્સવ

હિન્દુઓના સૌથી પવિત્ર ઉત્સવોમાંનો એક છે મહાશિવરાત્રી. મોરિશ્યસમાં પણ આ ઉત્સવની સંપૂર્ણ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. ભક્તો આ દિવસે ગંગા તળાવમાં ડૂબકી મારીને પવિત્ર સ્નાન કરે છે અને ત્યારબાદ બાજુમાં આવેલા શિવ મંદિરમાં જઈને દર્શન કરે છે, જે આ ટાપુરાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ખૂણે આવેલું છે. ભક્તો મંદિરમાં પૂજા કરે છે, મંત્રોચ્ચાર કરે છે, ધ્યાન ધરે છે અને ભગવાન શંકરને પવિત્ર એવા બિલી (બિલવા) પત્ર અર્પણ કરે છે.

લાંબી યાત્રાએ જવાનું શરૂ કરતા પહેલાં શ્રદ્ધાળુઓ એમની કાંવડને સુશોભિત કરે છે. કાંવડ એટલે એક બામ્બૂ, જેને પારંપારિક રીતે ખભા પર મૂકવામાં આવે છે. બામ્બૂના બંને છેડે સંતુલન જળવાય એ રીતે પાણી ભરેલા ઘડા બાંધવામાં આવે છે. યાત્રાધામે પહોંચ્યા બાદ શ્રદ્ધાળુઓ ઉપવાસ કરે છે અને ભગવાન શંકરને બિલીપત્ર, ફળ અને કંદમૂળનો પ્રસાદ ધરાવે છે. ગંગા સરોવરમાંથી પવિત્ર જળ ભરીને તેઓ મંદિરમાં શિવલિંગ પર અર્પણ કરે છે, જે શિવભક્તિની પરંપરા છે. મોટા ભાગનાં શ્રદ્ધાળુઓ ચાર ભાગમાં પૂજા કરતાં હોય છે, પરંતુ હાલ કોવિડ-19ના નિયંત્રણોનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

ગંગા તળાવ મોરિશ્યસના હાર્દ ભાગમાં આવેલા સવોની જિલ્લામાં સૂમસામ એવા પહાડી ક્ષેત્રમાં આવેલું છે. સમુદ્રની સપાટીએ આ આશરે 550 મીટર ઊંચે આવેલું છે. મોરિશ્યસમાં રહેતાં હિન્દુધર્મીઓ આને ઘણું પવિત્ર સ્થળ માને છે. શિવ મંદિર સરોવરને કાંઠે જ આવેલું છે.

મોરિશ્યસમાં હનુમાનજી, ગંગા મૈયા અને ભગવાન ગણેશના પણ મંદિરો છે. સરોવર પરિસરમાં હિન્દુ દેવી-દેવતાઓ તથા બિન-હિન્દુઓની અનેક મૂર્તિઓ છે. આમાં ભગવાન શંકર અને દુર્ગામાતાની મૂર્તિઓ સૌથી ઊંચી છે.