પ્રકૃતિને બચાવવાની કલાત્મક અપીલ

કઇ રીતે એક ગુજરાતી કલાકાર કરી રહી છે પ્રકૃતિના સંરક્ષણની લાગણીસભર અપીલ? નવી દિલ્હીમાં ચાલી રહેલા એક પ્રદર્શનની વાત…

  • કેતન ત્રિવેદી (નવી દિલ્હી)

———————————–

પ્રકૃતિ અને કલાકાર એ બન્ને સંવેદનશીલ અને નાજુક હોય છે. સંહાર અને સર્જન જેમ પ્રકૃતિનો ક્રમ છે એમ અંદરની સંવેદના તૂટે ત્યારે એમાંથી જ સર્જન કરીને વ્યક્ત થવું એ કલાકારનો ક્રમ હોય છે. કદાચ એટલે જ, પ્રકૃતિ સાથે સૌથી વધુ તાદાત્મ્ય કલાકાર જ અનુભવે છે.

પ્રકૃતિ સાથેની આવી તાદાત્મ્યતા એક કલાકાર પાસે કેવું ઉત્તમ સર્જન કરાવી શકે એ જાણવું હોય તો આવો, નવી દિલ્હીના લોધી એસ્ટેટ વિસ્તારમાં આવેલા ઇન્ડિયા હેબીટાટ સેન્ટર ખાતે. આમ તો બાંધકામ શૈલી માટે અત્યંત જાણીતું આ બિલ્ડીંગ પોતે જ ગ્રીન જીવનશૈલીનો સંદેશ આપે છે, પણ આ સેન્ટરની મધ્યમાં ખુલ્લી વિશાળ જગ્યામાં વાંસ, જૂટ અને ભંગારના મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવેલું એક આર્ટ-પ્રદર્શન પણ આપણને એ જ સંદેશ આપી રહ્યું છે કે, કઇ રીતે આધુનિક જીવનશૈલી અને વધતા જતા ઔદ્યોગિકરણ-શહેરીકરણથી પ્રકૃતિને પારાવાર નુકસાન થઇ રહ્યું છે!

આનંદની વાત એ પણ છે કે, 30 જાન્યુઆરી સુધી ચાલનારા ધી ફ્રેઝીલિટી ઓફ હેબીટાટ નામના આ પ્રદર્શની-આર્ટ ઇન્સ્ટોલેશનના સર્જક છે નવી દિલ્હીસ્થિત જાણીતા ગુજરાતી કલાકાર આરતી ઝવેરી. સંવેદનશીલ ચિત્રો માટે કલાજગતમાં પોતાનું એક નામ અને સ્થાન બનાવી ચૂકેલા આરતીબહેન આમ તો રાજકોટના છે, પણ લગ્ન પછી વર્ષોથી દિલ્હીમાં રહે છે. પેઇન્ટીંગ્સની સાથે હવે મલ્ટી-ડિસિપ્લિનરી આર્ટીસ્ટ તરીકે વધારે જાણીતા એવા આરતીબહેને દિલ્હીના જ જાણીતા આર્ટ ક્યુરેટર રોબિન્સન સાથે મળીને તૈયાર કરેલું આ પ્રદર્શન આજકાલ હેબીટાટની મુલાકાતે આવતા લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

પૃથ્વી પર ખોરવાતું જતું પ્રકૃતિનું સંતુલન એ આમ તો હવે નવો મુદ્દો નથી. પર્યાવરણની સમતુલા જાળવવાની વાત પર્યાવરણવાદીઓ અને વિજ્ઞાનીઓ આંકડાઓ અને તર્ક સાથે કહેતા આવ્યા છે, પણ એક કલાકાર પૃથ્વી પર તોળાઇ રહેલા આ ખતરાને કઇ રીતે જૂએ છે એનો ખ્યાલ એમના આ પ્રદર્શન પરથી આવે છે. મુલાકાતીઓને આ સંદેશ સાથે જોડવા આર્ટ ક્યુરેટર રોબિન્સન પ્રદર્શનની નાનકડી એવી ટૂર પણ કરાવે છે.

પોતાની વાત કે વેદના વ્યક્ત કરવા માટે આરતીબહેને વાંસ અને જૂટ (કંતાન)નો અદભૂત ઉપયોગ કર્યો છે. નદીના વહેતા પ્રવાહને જીવનના પ્રવાહ સાથે જોડીને એમણે બન્ને બાજુ વાંસની વાડ ઉભી કરીને નદીનું પ્રતીક તૈયાર કર્યું છે. એની મધ્યમાં ઊભા રહીને ઉપર જૂઓ તો વાંસ અને કંતાનમાંથી પૃથ્વીના ગોળાકારના શેપમાં બનાવેલી પ્રતિકૃતિ દેખાય. નદીના પ્રદુષણ દ્વારા પૃથ્વીના પર્યાવરણને થઇ રહેલું નુકસાન અને ખતરો બતાવવા 108 કાચની બોટલ્સ અને એમાં ભરેલા લાલ રંગના પ્રવાહીનો બખૂબી ઉપયોગ કર્યો છે.

આરતીબહેન કહે છે, વાંસનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે એ રંગ-જેન્ડર-પ્રદેશના ભેદભાવ વિના ફૂડ, ઇંધણ, બાંધકામ, માછીમારી, સંગીતના વાદ્યો, લખવા માટેની પેન-પેન્સિલથી માંડીને શસ્ત્ર બનાવવા સુધીમાં વપરાય છે. યુનિવર્સલ છે.

એની સાથે ટેરાકોટાના વાસણમાં એમણે વપરાયેલા પ્લાસ્ટીક, તૂટેલા ગ્લાસ સહિત ભંગાર ચીજોની સાથે માટી ભરીને એમાં બીજ વાવીને સરસ કુંડા બનાવ્યા છે. પ્લાસ્ટીક એ માટી એટલે કે ધરતી પરનું ભારણ છે, નુકસાનકર્તા છે એ દર્શાવવાની સાથે એમણે કુંડામાં ઉછરેલા છોડ દ્વારા પ્રકૃતિની કોઇપણ હિસાબે પોતાની રીતે પાંગરવાની ક્ષમતાને આબાદ રીતે વર્ણવી છે. ટેરાકોટા એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું પ્રતીક છે એટલે એનેક અવરોધો છતાં આ ધરતીની, એમાં ઉછરતા બીજની સદીઓ સુધી ટકી રહેવાની, ઉછરવાની ક્ષમતા કેટલી મજબૂત છે એ ટેરાકોટાના ઉપયોગથી દર્શાવ્યું છે.

આમ છતાં કોઇપણ કલાકાર-સર્જક જન્મજાત આશાવાદી હોય છે. આરતીબહેન પણ છે અને એટલે એ વાંસની ફરતે બાંધેલા કંતાન પર અલગ અલગ ભારતીય ભાષાઓમાં આશા શબ્દ લખીને કહેવા માગે છે કે પ્રકૃતિને બચાવવાની હજુ ય આશા છે. અગેઇન, આશા એ યુનિવર્સલ છે એટલે એ અર્થમાં આ સંદેશ સમગ્ર માનવજાત માટે છે. પ્રદર્શનમાં વપરાયેલી દરેક ચીજ કે એની ડિઝાઇન કોઇકને કોઇક વસ્તુસ્થિતિનું પ્રતીક છે અને એ પ્રતીક દ્વારા એમણે પ્રકૃતિને બચાવવાનો એક મેસેજ સર્જનાત્મક રીતે રજૂ કર્યો છે.