સ્માર્ટફોનમાંથી સિક્રેટ ડેટા કેવી રીતે ડિલિટ કરવા?

સ્ટોરેજ ઓછુ પડે છે… સ્લો પડી ગયો છે… હેન્ગ થઇ જાય છે…” જેવા કારણો આગળ ધરીને ઊંચા કન્ફીગ્યુરેશનનાં નવા મોંઘા સ્માર્ટફોન આજકાલ ધડ દઈને ખરીદી લેવામાં આવે છે. એટલે જ; વર્ષ ૨૦૨૨ની સાલ સુધીમાં સ્માર્ટફોનની સંખ્યા આપણા દેશમાં વધીને ૪૪ કરોડ થઇ જવાનું તારણ એક સર્વેક્ષણ દરમિયાન નીકળ્યું છે. હકીકતમાં તો કોઈપણ સ્માર્ટફોનનું આયુષ્ય મિનીમમ ૪ થી ૫ વર્ષ હોય છે, પરંતુ આંકડા એવું બોલે છે કે ૩૦% જેટલા યુઝર્સ પોતાનાં ફોનને એકાદ વર્ષમાં જ બદલી નાખે છે. જો બિનઉપયોગી, નકામા અને ફાલતુ ડેટાને ફોનમાંથી જડમૂળથી ડીલીટ કરી આપતી એપ નિયમિત રીતે વાપરવાની ટેવ પાડીએ તો આવા ક્ષુલ્લક કારણોસર નવો ફોન ખરીદવાની કદાચ જરૂર પણ ન પડે અને પૈસા પણ બચે.

બીનઉપયોગી ડેટા ઉપર બુલડોઝર ફેરવવા ઉપયોગી છે અમુક એપ

જ્યારે સ્માર્ટફોનમાંથી આપણે અનાવશ્યક ડેટાને ડીલીટ કરીએ છીએ ત્યારે ઓપરેટીંગ સિસ્ટમ ફક્ત તે ડેટાનો સંદર્ભ દૂર કરે છે, પરંતુ વાસ્તવિક ડેટા તો સ્ટોરેજમાં પડ્યો જ રહે છે. આવી અધકચરી રીતે રોકાયેલી સ્ટોરેજ-સ્પેસને થોડાથોડા સમયે ડીલીટ કરતાં રહીએ તો ફોન સ્લો પડવાનો કે હેન્ગ થવાનો પ્રોબ્લેમ ઘણાબધા અંશે દૂર થઇ શકે છે. આ માટે પ્લે-સ્ટોરમાં એક ખૂબ જ જાણીતી એપ્લીકેશન હાજર છે. પ્રોટેક્ટસ્ટાર નામની અમેરિકા સ્થિત કંપનીએ ડેવલપ કરેલી iShredder™ Android® 6 નામની એપ્લીકેશન ફોનનાં સ્ટોરેજને એકદમ સાફસુથરો અને સલામત  રાખવા માટે જગમશહુર છે.

જો તમે iShredder™ Android® 6 એપ ખરીદી હોય તો તે તમારા સ્માર્ટફોનનાં સ્ટોરેજની ચોખ્ખાઈનું ચીવટપૂર્વક ધ્યાન રાખે છે. આ એપ્લીકેશન નિયમિત રીતે વાપરનાર યુઝરનાં ફોનની સ્પીડ અને પરફોર્મન્સમાં ખાસ્સો વધારો થતો હોવાથી નવો ફોન ખરીદવા પાછળ નાહકનો ખર્ચો કરવો પડે તેવી શક્યતા સાવ ઓછી થઇ જાય છે.

સિક્રેટ ડેટાનું કાયમી ધોરણે નામોનિશાન મીટાવી શકે છે

iShredder™ Android® 6 સ્માર્ટફોનમાં સ્ટોર થયેલા SMS, MMS, ઈમેજીસ, વિડિયોઝ, ડોક્યુમેન્ટસ, નોટ્સ, પાસવર્ડ, કોન્ટેક્ટ બુક, કેલેન્ડર, બુકમાર્ક્સ, ટેમ્પરરી કેશ મેમરી ડેટા, WhatsApp ડેટા તથા ઈમેઈલ્સને દેશદુનીયાનાં અનેક સત્તામંડળો દ્વારા માન્યતાપ્રાપ્ત એલગોરીધમથી એવા તો કચડી નાખે છે કે તેને ફરીવાર રિસ્ટોર કરવા અસંભવ બની જાય છે. ડેટાને આ રીતે ડીલીટ કર્યો હોવાથી તમારો ફોન અન્ય કોઈના હાથમાં જાય તો પણ તમારા પર્સનલ અને સિક્રેટ ડેટા બાબતે કોઈ પણ ચિંતા રાખવાની જરૂર રહેતી નથી. iShredder™ Android® 6 દ્વારા સ્માર્ટફોનનાં આંતરિક સ્ટોરેજ ઉપરાંત SD કાર્ડ અને USB ડ્રાઈવમાંથી પણ ડેટાનું હમેંશ માટે નામોનિશાન મિટાવી શકાય છે.

ડેટાને કાયમી ધોરણે ડીલીટ કરવા માટે iShredder™ Android® 6 સિવાય પણ બીજી અનેક એપ્લીકેશન્સ પ્લે-સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. ચીન અને પાકિસ્તાન સ્થિત ડેવલપર દ્વારા નિર્મિત અનેક એપ્લીકેશન્સ પણ પ્લે-સ્ટોર પર જોવા મળે છે.

 ડેટાનાં કાયમી વિનાશ માટે બધાં છે વિશ્વમાન્ય અલગોરિધમ

ડેટાના કાયમી વિનાશ માટે DoD 5220.22-M (E), US Air Force (AFSSI-5020), US Army AR380-19, DoD 5220.22 ECE, CSEC ITSG-06, BSI TL-03423, NZSIT 402, ISM 6.2.92, RUSSIAN GOST R 50739-95, NAVSO P-5239-26(MFM), NAVSO P-5239-26(RLL), NCSC-TG-025, ProtectStar ASDA(2017), BSI-2011-VS, Bruce Schneier’s Algorithm, CANADIAN RCMP TSSIT OPS-II, ProtectStar SDA(2007), BSI-2011-VS, NATO Standard, Gutmann, HMG InfoSec No.5, DoD 5220.22 SSD અને અન્ય બીજા કેટલાક માન્યતાપ્રાપ્ત સુરક્ષાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. પ્રોટેક્ટસ્ટાર દ્વારા ડેટા ડીલીટ કરવા માટે  માર્કેટમાં લોન્ચ થયેલી અલગ-અલગ એપ્સમાં આ બધાં આંતરરાષ્ટ્રીય અલગોરિધમનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

WhatsAppમાંથી ઠલવાતા ડેટાને માત્ર ડીલીટ કરવો હોય તો

તમારા ફોનમાં વાહિયાત ડેટા ક્યાંથી ઠલવાય છે તે જરા ચકાસો. ચોક્કસપણે તે WhatsApp જ હોવાનું. આ હકીકત ખુદ WhatsAppનાં ડેવલપર પણ સ્વીકારે જ છે. એટલે જ; WhatsAppનાં  માધ્યમે ઘૂસી જતાં નકામા ડેટાનાં વર્ગીકરણ અને સાફસૂફી માટેનાં એક નવા ફીચરને ઉમેરવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે.

WhatsAppમાં હવે શું ફેરફારો અને ફીચર્સ આવશે તેની માહિતી આપતી WABetaInfo.com  વેબસાઈટ ઉપર WhatsAppની આગામી અપડેટમાં સ્ટોરેજ સેક્શનને લગતા કેવા  સુધારાઓ કરાશે તેની જાણકારી થોડા સમય પહેલા જોવા મળી હતી. આ સેક્શનમાં ફોટો અને વિડીયો, ફોરવર્ડેડ ફાઈલ્સ અને લાર્જ ફાઈલ્સ તથા સૌથી છેલ્લે ચેટ જેવા વિભાગોમાં કેટલી ડેટા સ્પેસ રોકાયેલી છે તેની વિગતો દર્શાવવાનું અને ડીલીટ કરવાનો વિકલ્પ આપવાનું આયોજન કરાયું છે. આ નવું ફીચર લોન્ચ થઇ જશે પછી સ્માર્ટફોનની સ્પીડ જાળવી રાખવા અને વારંવાર હેન્ગ થતો અટકાવવામાં યુઝરને ઘણી સુગમતા રહેશે તેવું મોબાઈલ નિષ્ણાતોનું માનવું છે. જો કે WhatsAppનાં આ ફીચરથી iShredder™ Android® 6 માફક ડેટાની હસ્તી કાયમી ધોરણે મિટાવી દઈ શકાય તેવી કોઈ શક્યતા નથી.

જૂના ફોનથી કંટાળીને નવો સ્માર્ટફોન ખરીદવા તલપાપડ યુઝર માટે

સ્લો પડી ગયેલા અથવા હેન્ગ થઇ જતાં જૂના ફોનથી કંટાળેલા યુઝર પોતાનો જૂનો ફોન નજીકની કોઈ વ્યક્તિને ગીફ્ટ કરી દેશે અથવા તો વેચી દેશે એ વાત પાક્કી છે. પરંતુ; નવાં ફોન પાછળ પૈસા ખર્ચતા પહેલા યુઝરે એકવાર iShredder™ Android® 6 એપ ઇન્સ્ટોલ કરીને તેનાથી ફોનની સ્પીડ અને પરફોર્મન્સ કેટલા વધે છે તે ચેક અવશ્ય કરવું જોઈએ. શક્ય છે કે નવો ફોન ખરીદવાની જરૂર જ ન પડે.

આમ છતાં; જો નવા ફોન પાછળ ખર્ચ કરવાનું તમે નક્કી કરી જ લીધું હોય તો પોતાનો જૂનો ફોન કોઈને સોંપતા પહેલા તેમાં રહેલા તમારા પસર્નલ, ગુપ્ત કે સવેદનશીલ ડેટાને ક્યારેય રીકવર ન થઇ શકે તેવી રીતે iShredder™ Android® 6 એપ દ્વારા ડીલીટ કરવાની કાળજી લેવાનું ભૂલશો નહી.

(પુનીત આચાર્યસોમપુરા)