વિશ્વ સાઈકલ દિવસ: આ છે સાઈક્લિંગના લાભ…

3 જૂનને દર વર્ષે વિશ્વ સાઇકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાઇકલની ઉપયોગીતા અને બહુમુખી પ્રતિભાને જોતા આ દિવસને ‘વિશ્વ સાઇકલ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, શહેરના લોકો આસપાસનું અંતર કાપવા માટે સાઇકલનો ઉપયોગ કરે તો દરરોજના સેંકડો લીટર પેટ્રોલની બચત થાય. સાથોસાથ શહેરોના પ્રદુષણમાં પણ ઘટાડો થાય.

દિનપ્રતિદિન વાતાવરણમાં થતા પલટાઓ ગ્લોબલ વોર્મિંગની અસર નીચે સમગ્ર વિશ્વનું પિસાવું તેમજ વાહનો દ્વારા થતાં પ્રદૂષણને કારણે થઇ રહેલા વિવિધ રોગોને પગલે હવે સાઈકલ અનિવાર્ય બને તો નવાઈ નહીં

વર્ષ 1418માં ઇટાલિયન ઇજનેરે 4 વ્હિલ, એક દોરડું અને ગીયર પુલની મદદથી વિશ્વની સૌપ્રથમ સાઈકલ બનાવી હોવાનો મત છે. પ્રથમ બનાવેલી આ સાઇકલમાં ચાર પૈડા હતા જે સમયાંતરે સંશોધનના અંતે બે રાખવામાં આવ્યા. વર્ષ 1817માં ડેરીસ નામની એક વ્યક્તિએ પણ સાઇકલમાં સંશોધન કર્યું હતું અને એ જ સાઇકલને આજે આપણે જોઈ રહ્યા છીએ, ચલાવી રહ્યા છીએ.

સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થા દ્વારા પ્રથમ વખત વિશ્વ સાઇકલ દિવસ 3 જૂન 2018માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ પરિવહનના એક સરળ, સસ્તા, ભરોસાલાયક અને પર્યાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે.

આજે ધીરે-ધીરે લોકો સમયના પરીવર્તન સાથે સાઇકલમાંથી વિવિધ વાહનો તરફ જવા માંડ્યા છે ત્યારે નાનપણની સાઇકલ હવે ભૂલાતી જાય છે. પણ આ સાઇકલ સાથે જીવન જીવવામાં આવે તો પ્રકૃતિ સાથે સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આ સાઇકલ પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે સાથે વાતાવરણને ખૂબ લાભ થાય.