નોટ આઉટ@92: જ્યોતિબેન મહેતા

“દીદી તેરા દેવર દીવાના” ગાતી મુગ્ધા, પ્રેમમાં પાગલ થઈ પોતાની મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થાય તો? તમને લાગતું હશે કે હું અત્યારની કોઈ યુવતીની  વાત કરું છું. ના, આ વાત દાયકાઓ પહેલાની છે!  92 વર્ષના જ્યોતિબેન ચંદ્રકાંતભાઈ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી:

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

(માટુંગા)મુંબઈના સુખી કુટુંબમાં જન્મ. તેઓ ચાર બહેનો, તેમનો બીજો નંબર. પિતા ડોક્ટર હતા. મેડીકલ જરનલો વાંચી પોતાને UP-TO-DATE રાખતા. માથેરાનમાં પણ બંગલો અને દવાખાનું હતું. તેઓ ગરીબોની મફત દવા કરતા. મમ્મી રસોઈમાં હોશિયાર. અથાણાં બહુ સરસ બનાવે! મોટીબહેનના દિયર ચંદ્રકાંતભાઈ રાજકોટથી મુંબઈ CAના અભ્યાસ માટે આવ્યા હતા. જ્યોતિબેનને મેટ્રિકનું ગણિત ભણવા ઘરે આવતા. બંનેને પ્રેમ થઈ ગયો! જ્યોતિબેન મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થતાં પિતાજીએ બહેન-બનેવી સાથે સ્ટીમરમાં બેસાડી પરદેશ મોકલ્યાં! નવ મહિનાની યુરોપની ટૂરમાંની પળેપળ તેમને યાદ છે. પેન્ટ-શર્ટ-સ્લેકસ પહેરી બોલરૂમ-ડાન્સ કરતાં શીખ્યાં અને નાના કોર્સ કરી અભ્યાસ પણ ચાલુ રાખ્યો! ૧૯ વર્ષની ઉંમરે  યુરોપથી પાછી આવી ચંદ્રકાંતભાઈની સાથે જ લગ્ન કર્યા! ચંદ્રકાંતભાઈ પોતે દીર્ઘ-દ્રષ્ટિવાળા, હોશિયાર,” SELF-MADE-MAN”, કુટુંબ પણ ભણેલ-ગણેલ અને વગદાર.

 

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

કુટુંબની અને સાસુ-સસરાની સેવા તેમનું કાર્યક્ષેત્ર! બે દિયર અને ભત્રીજાઓને ઘેર રાખીને ભણાવ્યા. ભગિની-સમાજ, લાયન્સ ક્લબ, કોસ્મોપોલિટન ક્લબ વગેરેમાં એક્ટિવ. જાતે ગાડી ડ્રાઈવ કરતાં. રામદેવ બાબાના યોગ કરવા ગમે. ચાલવાનું ગમે. રસોઈમાં મદદ કરાવે. મીઠાઈ (પેંડા) બહુ ભાવે!

શોખના વિષયો :

બહુમુખી પ્રતિભા એટલે શોખ ઘણા. વાંચવું ગમે. ડ્રોઈંગ, પેઈન્ટીંગ, એમ્બ્રોઇડરી, સાયકલિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, ડાન્સિંગનો શોખ! ટીવીમાં રસોઈ-શો અને CID જુએ. સંગીતનો શોખ, ગરબા અને મરાઠી-સંગીત પણ ગમે. રેડિયો સાંભળવાનું અને સાથે-સાથે ગાવાનું ગમે. હાર્મોનિયમ શીખવા દેવધર-ક્લાસમાં જતાં, ગાવાનું શીખવા બર્વે-ક્લાસમાં દાદર જતાં, શાળામાં રોજ પ્રાર્થના કરાવતાં, શિક્ષકોના નામ હજુ યાદ છે! કેરમ, હાઉસી, સંગીત-ખુરસી રમે, પ્રવાસ અને પાના (ખાસ તો રમી) રમવાનો બહુ શોખ! ચરિત્ર-અભિનેતા પ્રાણ અને તેમની પત્ની સાથે પણ રમી રમતાં!

યાદગાર પ્રસંગ : 

પતિની CAની 50 વર્ષની પ્રેક્ટિસ પર ઇન્સ્ટિટ્યૂટે તેમને એવોર્ડ આપ્યો હતો તે યાદગાર પ્રસંગ. ઘરમાં એક રાત્રે ચોર ઘૂસી આવ્યો. હું જાગી ગઈ. બંનેની આંખો એકબીજા સાથે ટકરાઈ. ચોર ગભરાઈ ગયો. મને લાગ્યું કે બૂમ પાડીશ તો ધમાલ થઈ જશે, એટલે મેં ધીમેથી દીવાનખંડનું બારણું ખોલી તેને જવા દીધો. સવારે ઘરનાંને ખબર પડી, બધાં મારી પર ચિડાયાં! જયુ તો સાવ ભોળી! દીકરીનાં બાળકો ઋષિ-વેલી સ્કૂલમાં ભણતાં. તેમને મળવા જતાં તે યાદ છે. મારી 90મી અને 92મી વર્ષગાંઠ પર મોટી પાર્ટી રાખી હતી. “ઓ, માય ડાર્લિંગ” ગીત ગાઈ ડાન્સ કર્યો હતો! અમે હમણાં જ શ્રીનગર ફરી આવ્યાં! કેટલું યાદ કરું? જીવનમાં કોઈ ફરિયાદ નથી, કોઈ અફસોસ નથી. હું કોઈની ટીકા કરતી નથી. બસ, સંતોષ  છે.

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

ટીવી તો બહુ જ ગમે! મોબાઈલ પર જુદાજુદા વિડિયો જોવા પણ ગમે! આખું ફેમિલી ZOOM પર ભેગું થઈ વાતો કરે તે પણ ગમે. બસ, whatsapp નોટીફીકેશનનો અવાજ આવે તે નથી ગમતું!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

મને કોઈ બીમારી નથી. ચશ્માં નથી પહેરતી, બે માળ ચઢી શકું છું. દવા લેવામાં માનતી નથી. ઇમ્યુનિટી સારી છે, વિલ-પાવર સ્ટ્રોંગ છે, મેમરી સરસ છે. વેરીકોઝ-વેઈનને કારણે જમણા પગમાં ક્યારેક દુઃખાવો થાય છે. “Early to bed, early to rise”માં માનું છું. એક જ દીકરી છે. નાની ઉંમરે એક્સિડન્ટમાં તેણે પતિ ગુમાવ્યો છે. મા-દીકરી સાથે રહીએ છીએ, સુખ-દુઃખ શેર કરીએ છીએ. રોજ સાંજે બોલીવુડનાં ગીતો સાંભળતાં-સાંભળતાં રમી રમીએ અને ભજનો ગાઈ દિવસ પૂરો કરીએ!

 

 

આજની પેઢી સાથે સંકળાયેલા છો? : 

દીકરીનાં વિદ્યાર્થીઓ અને પૌત્ર-પૌત્રી સાથે સંકળાયેલી છું. ઓન-લાઇન ક્લાસીસમાં પણ સાથે બેસું છું. છોકરાંઓ પાસે આજકાલ સમય નથી. તેમને દરેક વાતનો સ્ટ્રેસ રહે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ત્યારનું જીવન નિયમિત હતું. અમે કામ પણ કરતાં અને સાથે-સાથે હરતાં-ફરતાં અને મજા કરતાં! આજકાલનાં બાળકોનું ખાવા-પીવાનું કોઈ ઠેકાણું નથી. સૂવાનું પણ અનિયમિત છે. કસરત નથી કરતાં. આખો દિવસ સ્ટ્રેસમાં રહે છે.

સંદેશો :

મારે યુવાનોને કહેવાનું કે મા-બાપ અને કુટુંબને પ્રાયોરિટી આપો, તમારા કામકાજને નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]