નોટ આઉટ@94: હૈદરઅલી ડૈરકી

મધ્યપ્રદેશના નીમચ ગામના મૂળ રહેવાસી (હાલ દુબઈ) 94 વર્ષના ક્રાંતિકારી સમાજ-સેવક, પ્રખ્યાત ફોટોગ્રાફર, વાર્તાકાર, એન્ટીક ઘડિયાળોને રીસ્ટોર કરનાર, લાયન્સ ક્લબના સક્રિય-સભ્ય મુરબ્બી હૈદરઅલી ડૈરકીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ થતાં જ માતા ખોઈ! ૪ ભાઈઓને મોટીબહેને ભણેજો સાથે ઉછેર્યા. નીમચ એટલે ગંગા-જમના તેહઝીબ! નીમચમાં ત્યારે હિન્દુ-મુસલમાનનો કોઈ ભેદભાવ નહીં. તેઓ કોમી-એકતાના પાઠ ઘરમાંથી શીખ્યા. હૈદરભાઈને મિત્રો પણ બધી કોમના! કુટુંબની આર્થિક જવાબદારીનો ભાર માથે હોવાથી વધુ ભણી શક્યા નહીં. પણ ઉર્દુ-ફારસી ભાષાઓ આવડે. પિતાની ઘડિયાળ રીપેર કરવાની દુકાન ઉપર બેસી ગયા (હાલ નેશનલ ફોટો સ્ટુડિયો, નીમચ) પણ માથે સમાજસેવાનું ભૂત સવાર! ઘડિયાળની દુકાન વારસામાં મળી હતી, પણ ફોટોગ્રાફીની કળા અને  શોખ જાતે વિકસાવ્યો હતો. તમની કુશળતાનું ઉદાહરણ એટલે તેમણે પાડેલો નહેરુજીનો ફોટો જે ફર્સ્ટ-ડે-કવર અને સ્ટેમ્પ રૂપે સરકારે પબ્લીશ કર્યો.

તેમના દીવાનખંડમાં નામ-કરણ(!)કરેલી ૫૦ જેટલી રીસ્ટોર ઘડિયાળોનો સમયાંતરે થતો મધુર ટંકારવ સાંભળવો એટલે જાણે સંગીતની શાનદાર સફર કરવી!

તહેવારોમાં (હોળીમાં તો ખાસ!) તેમની તબિયત પૂરજોશમાં ખીલી ઊઠે! ગપશપ-મિલનમાં દિલથી ભાગ લે. ગાંધી-શતાબ્દી વખતે સ્કૂલમાં તેમણે “અબ્બુખાંની બકરી”નું નાટક ડાયરેક્ટ કરી નીમચના આઝાદ મેદાનમાં ભજવ્યું જેને ખુબ દાદ મળી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

સવારે ચાર વાગે ઊઠે. ઠંડા પાણીથી નહાય, બંદગી કરે, પછી ચાલવા જાય. આવીને થોડો આરામ કરે. ઘરના કામકાજમાં મદદ કરે. છાપુ વાંચે, પિક્ચર જૂએ. ફિલ્મનો અને ફિલ્મી-સંગીતનો ખૂબ શોખ. “શોલે” ફિલ્મ 32 વાર જોઈ છે! મુંબઈ જાય તેટલી વાર “સાઉન્ડ-ઓફ-મ્યુઝિક” જુએ! તેઓ ક્યારેય રીટાયર થયા નથી. તેમને બે દીકરા અને એક દીકરી છે. સૌને ઘેર જાય. પૌત્રો-પૌત્રીઓ સાથે મજા કરે! ડોક્ટર-વહુના ક્લિનિક ઉપર જાય તો દર્દીઓ સાથે વાતો કરે! વાતો કરવાના અને ભાષણ આપવાના શોખીન છે. રાજકારણી મિત્રો ખરા પણ ક્યારેય રાજકારણમાં ભાગ લીધો નથી.

શોખના વિષયો :

પોર્ટ્રેટ ફોટોગ્રાફી, જૂની ઘડિયાળો રીસ્ટોર કરવી, વાર્તાઓ કહેવી, શેર-શાયરી કરવી… પણ સૌથી મોટો શોખ એટલે સમાજસેવા! ધંધાનું કામ તો થતું રહે પણ સમાજસેવા મુખ્ય કામ. રક્તદાન, ચક્ષુદાન, કુટુંબ નિયોજન, ટીબી વગેરે કેમ્પ કરતા. જરૂરીયાત-વાળા માણસોને મદદ કરતા. તેમની સમાજસેવા ઘેરથી શરૂ થઈ. ઘરની વસ્તુઓ, વાસણો, કાર્પેટ કોઈપણ વ્યક્તિને વાપરવાની છૂટ! તેમના પત્ની (કમરૂન્નીસા) ચક્ષુદાન કરનાર નીમચના પહેલા મુસ્લિમ મહિલા હતાં! હૈદરભાઈએ પોતે પણ ઘણી વાર રક્તદાન કર્યું છે. મહિલા-શિક્ષણના હિમાયતી છે. ખૂબ ફોરવર્ડ વિચારો ધરાવે છે.  જે વિચારે તે કરે જ. નીમચ ગામમાં મોન્ટેસરી સ્કૂલ શરૂ કરાવી. તેને માટે એક વિધવાને ભણાવ્યા અને શાળામાં શિક્ષિકા તરીકે લીધા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

શાંત અને સંતોષી જીવ છે. ભવિષ્યની ચિંતા નથી. સેવાના ફળ સ્વરૂપે તબિયત સારી છે. ઊંઘ સારી આવે છે. ચાલવામાં થોડી તકલીફ પડે છે. ડાયાબિટીસ થોડો વધ્યો છે, પણ લાડુ-જલેબી અને મીઠાઈ બહુ ભાવે છે! છેલ્લા બે વર્ષથી તબિયત થોડી ઢીલી થઈ છે. દવા લેવી ગમતી નથી. વાતો કરતા કરતા પોતાની પ્રિય ગઝલ સંભળાવે છે…

પત્તા પત્તા, બુટા બુટા, હાલ હમારા જાને હૈ,

જાને ન જાને, ગુલ હી ન જાને, બાગ તો સારા જાને હૈ!

યાદગાર પ્રસંગો :

જનસેવામાં માને એટલે બધી કોમના મિત્રોને પ્રેમ કરે અને તેમનો પ્રેમભાવ મેળવે! નીમચની પ્રખ્યાત આંખની હોસ્પિટલ ગોમાંબાઈ નેત્રાલયમાં તેમના હાથે ભૂમિપૂજન કરાવીને પાયાનો પથ્થર મુકાવ્યો! ક્રાંતિકારી વિચાર-ધારા એટલે સામાજિક વ્યવહાર પણ જરા હટકે! હૈદરભાઈએ પત્નીના મૃત્યુ પછીના જમણને બદલે વ્હીલ-ચેરનું દાન કર્યું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

ફોટોગ્રાફીના કામમાં એક્ટિવ હતો ત્યારે ટેકનોલોજીનો ઘણો ઉપયોગ કર્યો. સ્ક્રીન-પ્રિન્ટિંગ, ઝેરોક્ષ, જેવી ત્યારની નવી-ટેકનોલોજી ધંધામાં લઈ આવ્યો. ટેકનોલોજી તો સારી જ વસ્તુ છે અને તેનો ઉપયોગ કરવો જ જોઈએ.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

કયારેય ભૂતકાળને યાદ કરતા નથી! “Go with the flow” માં માને છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?: 

ઘરનાં અને કુટુંબનાં બાળકો સાથે સારો મન-મેળાપ છે. વાતો કરવાનો અને ફોટોગ્રાફીનો શોખ, વળી લાયન્સ-ક્લબનું કલ્ચર, એટલે યુવાનો અને આજની પેઢી સાથે સંકળાવું સહેલું પડે છે.

સંદેશો :

નાત-જાતના ભેદભાવ વગર સમાજ-સેવા કરો. માનવતાના ભાવથી લોકોને મદદ કરો અને પછી ભૂલી જાવ!